સુરતના મોટાવરાછાના મોટા ગજાના એક બિલ્ડરે ઝેર પી અમદાવાદ ખાતે આપઘાતનો પ્રયાસ કરતાં બિલ્ડરલોબીમાં ચકચાર મચી છે. આ બિલ્ડરે નાણાકીય ભીંસમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ બિલ્ડરની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બિલ્ડરે આપઘાત કરવા જતાં પહેલાં મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો અને એ તેના નજીકના સંબંધીને મોકલાયો હતો. હાલ આ અંગે અમદાવાદની હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સુરતના બિલ્ડરનો અમદાવાદમાં આપઘાતનો પ્રયાસ
નોટબંધી અને જીએસટી બાદ ફટકા ખાતો બાંધકામ ઉદ્યોગ હજુ પાટે ચઢ્યો નથી. એને કારણે મોટાવરાછાના અનેક બિલ્ડરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મોટાવરાછા વિસ્તારના મોટા ગજાના બિલ્ડર અશ્વિન ચોવટીયાએ અમદાવાદમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બિલ્ડર હાલમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવારમાં છે. જોકે તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં આ બિલ્ડરે એક વીડિયો પણ બનાવ્યો હતો, એ તેના નજીકના સંબંધીઓને મોકલ્યો હતો.
આ પણ વાંચો, બિલ્ડરે ઝેરી દવા પીતા પહેલા બનાવેલો વીડિયો જે મિત્રને મોકલ્યો એ મિત્રએ શું કહ્યું?
બિલ્ડર દ્વારા સુસાઈડ નોટ અને કોલ રેકોર્ડ સાચવી મુકાયાં
ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનારા આ બિલ્ડરે આપઘાત પહેલાં એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેઓ તેમના એક સંબંધીને કહે છે, મારી પર જે વીત્યું છે એની સુસાઈડ નોટ મેં બનાવી છે. આ ઉપરાંત કોલ રેકોર્ડ્સ પણ કરાયા છે. એની વિગત ઓફિસના એક કોમ્પ્યુટરમાં મૂકવામાં આવી છે. એ તું મેળવી લેજે.
આ પણ વાંચોઃ- વ્યથિત માતા-પિતાએ કહ્યું-'દિવાળી પહેલાથી ધમકીઓ મળતી, પેટભરીને જમતો પણ નહી'
પત્ની આપઘાત માટે રોકતી હતી
બિલ્ડરે વીડિયોમાં જણાવ્યું છે કે દોઢેક વર્ષથી તેને મુશ્કેલી હતી અને આ કારણે પોતે આપઘાત કરવા માટે પ્રયત્ન કરતો હતો, પણ તેની પત્નીને આ બાબતનો અંદાજો આવી ગયો હતો. એને લઇ તે તેમને એકલા મૂકતી નહોતી. આખરે જેમ તેમ કરીને પોતે આપઘાત માટે પગલું ભરતા હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું.
દોઢેક વર્ષથી જિંદગી ખરાબ થઈ ગઈ છે
વીડિયોમાં બિલ્ડર એવું જણાવે છે કે દોઢેક વર્ષથી તેની જિંદગી ખરાબ થઈ છે. જોકે તેઓ કોનાથી પરેશાન છે એનો વીડિયોમાં કોઈ ફોડ પડાયો નથી, પણ સૂત્રોનું કહેવું છે કે એની સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓને કારણે તેમની આર્થિક હાલત બગડી હતી. છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણમાં છે. એનાથી તેમને માનસિક ત્રાસ થતો હતો અને આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે.
ગૃહમંત્રી સુધી વાત પહોંચાડજો
બિલ્ડરે જે વીડિયો બનાવ્યો છે એમાં તેઓ તેના નજીકના સંબંધીને કહે છે કે જે લોકોએ મારી સાથે ખોટું કર્યું એ કોઈ છટકવા ન જોઈએ. ગુનેગારને સજા થાય એ માટે પોલીસ સ્ટેશન અને ગૃહમંત્રી સુધી આ વાત પહોંચાડવામાં આવે. એના માટે હું આ વીડિયો બનાવી તને મોકલું છું.
અમદાવાદની હોસ્પિટલમાં ફરી આપઘાતનો કર્યો પ્રયાસ
મોટાવરાછામાં મોટા પ્રોજેક્ટ હાથ ધરનાર બિલ્ડર દ્વારા આર્થિક લેવડદેવડની મુશ્કેલીને કારણે અમદાવાદ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને અમદાવાદની જ એસજીવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બિલ્ડરે મરી જવાનું જ નક્કી કર્યું હોય એમ હોસ્પિટલમાં પણ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આર્થિક મુશ્કેલીને કારણે ખૂબ જ ચિંતામાં રહેતા બિલ્ડરે હોસ્પિટલમાં પણ પત્નીનો દુપટ્ટો લઈ ગળેફાંસો ખાવાની કોશિશ કરી હતી. જોકે તેમનો બચાવ થયો હતો.
બિલ્ડર હજુ પણ સતત રડ્યા કરે છે
બિલ્ડરના આસપાસના સંબંધી પાસેથી મળતી વિગત મુજબ, બિલ્ડર હજુ પણ સતત રડ્યા કરે છે. બિલ્ડર સાથે જેપણ કંઈ બન્યું એ અંગે એ દ્વારા અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ મથક ખાતે તેમની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે. બિલ્ડર મૂળ સુરતના હોવાથી આ ફરિયાદને તેમના રહેણાક વિસ્તારના પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.