રશિયાનું યુક્રેન પર આક્રમણ કરવાનું ચાલુ જ છે. છેલ્લા અઠવાડિયાથી યુક્રેનમાં પરિસ્થિતિ વણસી રહી છે. ત્યારે ભારત સરકારે ઓપરેશન ગંગા હેઠળ ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પરત આવી પણ ગયા છે, પરંતુ હજી પણ કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ચિંતાની વાત એ છે કે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી રહી છે. તેમના જીવનું જોખમ પણ વધી રહ્યું છે. સુરત અને નવસારીની વિદ્યાર્થિનીએ ત્યાંની સ્થિતિ અંગે દિવ્ય ભાસ્કરને જાણકારી આપતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓને હવે બંકરમાં સમય પસાર કરવો પડી રહ્યો છે. હજી પણ અનેક વિદ્યાર્થીઓ સ્ટેટમાં ફસાયા છે.
વિદ્યાર્થીઓ ગભરાયા
સુમી સ્ટેટની મેડિકલ કોલેજમાં ટોપર રહેતી મારિયા ડુમસિયા અને નવસારીની સ્મૃતિ ટંડેલ હજી પણ ત્યાં ફસાયા છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ પોતાને બચાવવા માટેનો પ્રયાસ કરતી અપીલ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તેમને સુમી સ્ટેટમાંથી બહાર લાવી શકાયા નથી. હોસ્ટેલની નજીક બોમ્બબ્લાસ્ટ થતાં વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયાં હતાં. વારંવાર સાયરન વાગે છે, જેથી બંકરમાં જવાની ફરજ પડી રહી છે. હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ગભરાયેલા છે. ભારતીય વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હોય એવી સ્થિતિ ઊભી થઈ છે,. જેને કારણે વાલીઓ પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
મોતના મુખમાંથી બહાર નીકળવું મુશ્કેલ-મારિયા
મારિયા ડુમસિયાએ પોતાની વ્યથા દિવ્ય ભાસ્કરને જણાવતાં કહ્યું હતું કે અમારી હોસ્ટેલની નજીક જ હવે બોમ્બવિસ્ફોટ થવાના શરૂ થયા છે. બે દિવસથી અમારી સિટીની આસપાસના વિસ્તારોમાં સતત બોમ્બ ધડાકા થવાને કારણે હવે અમને પણ પોતાની ચિંતા થવા લાગી છે. આવી ગંભીર સ્થિતિમાં અમે ઇન્ડિયન એમ્બેસીને ફોન કરી રહ્યા છીએ, પરંતુ અમારો એકપણ ફોન ઉપાડતા નથી. અમારે સ્થિતિ એવી છે કે અમે હોસ્ટેલની બહાર નીકળી શકતા નથી. કોઈ અન્ય દેશની બોર્ડર તરફ પણ જઈ શકાય તેવી સ્થિતિ નથી. ચારેતરફ મિલિટરી દેખાઈ રહી છે. બહાર નીકળવું એટલે સીધા મોતના મુખમાં જવું એ પ્રકારની સ્થિતિ છે. અમને જાણવા મળ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓ પોલેન્ડ, રોમાનિયા જેવા દેશની બોર્ડર તરફ ચાલતા નીકળ્યા હતા, પરંતુ અમે તો એ રીતે પણ બહાર આવી શકતા નથી. વિદ્યાર્થીઓએ જે દૃશ્ય બારીમાંથી જોયાં છે એને કારણે રડવાનું શરૂ કરી દીધું હતું.
જમતાં-જમતાં ભાગવું પડે છે-સ્મૃતિ
સ્મૃતિ ટંડેલે કહ્યું હતું કે એકાએક થયેલા બ્લાસ્ટને કારણે અમે કંઈ સમજી શક્યા નહીં અને જમતાં જમતાં અમે સીધા બંકર તરફ ભાગ્યા હતા. અહીં મોબાઈલ ચાર્જ થાય તેવી સ્થિતિ પણ નથી. તેથી હવે અમે કેવી રીતે અમારાં માતા-પિતા સાથે સંપર્ક કરી શકીશું એની પણ ચિંતા થઈ રહી છે. કંઈપણ કરો અને અમને અહીંથી બહાર લઈ જાઓ, મહેરબાની કરો. અમે નથી ઈચ્છતા કે અમે જે દ્રશ્યો જોયાં છે એ હવે બીજા કોઈ વિદ્યાર્થીઓ પણ આ દૃશ્ય જુએ. હવે અમને એ નથી સમજાતું કે, હજી કેટલા દિવસ આ રીતે અમારે બંકરમાં રહેવું પડશે. અમે ક્યારે બહાર નીકળશું. તે પણ હવે અમને સમજાતું નથી. અહીંયા કેરેલા, હરિયાણા અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ પણ ફસાયા છે. અમને સૌને જ ઝડપથી બહાર લઇ જવામાં આવે તેવી અમે અપીલ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.