• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat 12th Science Result , Children Of A Diamond Worker Brought The Expected Results Amidst The Poor Financial Condition Of The Family

રત્નકલાકારનાં સંતાનોની સિદ્ધિ:આર્થિક સંકટ વચ્ચે રત્નકલાકાર પિતાએ એવું કહ્યું કે દીકરી લાવી 99.83 PR, પિતા સાથે સંતાનોએ કર્યો પડકારોનો સામનો

સુરત14 દિવસ પહેલા
  • કાશ્વી ભંડેરીને પિતાએ એટલું જ કહ્યું, 'દીકરી તું ભણવા પર જ ધ્યાન આપ, બાકી વ્યવસ્થાઓ કરી દઈશ'

કોરોના સંક્રમણને કારણે બોર્ડના વિદ્યાર્થીઓ માટે અનેક પડકારો ઊભા થયા હતા. એક તરફ શાળામાં શિક્ષણ લેવા જવાય એવી સ્થિતિ ન હતી અને બીજી તરફ પરિવારમાં જે વ્યક્તિ કમાનારી છે તેની પર મોટો ફટકો પડ્યો હતો. આ સ્થિતિમાં સુરત શહેરમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની સ્થિતિ ખૂબ જ આર્થિક રીતે નબળી થઇ ગઇ હતી, પરંતુ તેમનાં બાળકો ફરી એક વખત પોતાના પુરુષાર્થને ઇચ્છાશક્તિ સાથે A1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. કોરોનામાં કારખાના બંધ થતાં આર્થિક સંકટ વચ્ચે રત્નકલાકારની દીકરી કાશ્વી ભંડેરી 99.83 PR, સાગર વેકરિયા 99.53 PR મેળવવામાં સફળ થયાં છે.

પિતાએ અભ્યાસ પર ધ્યાન આપવા કહ્યું
કાશ્વી ભંડેરીએ જણાવ્યું હતું કે હું રત્નકલાકારની દીકરી છું. મારા 99.83 પર્સન્ટાઈલ અને 91% આવ્યા છે. કોરોનાને કારણે કારણે આ વખતની બોર્ડની પરીક્ષા અમારા માટે ખૂબ જ કપરી રહી છે. લોકડાઉન જેવી સ્થિતિના કારણે હીરાનાં કારખાનાં બંધ થઇ ગયાં છતાં પપ્પાએ ક્યારેય મને હતાશ ન કરી. પપ્પા મને હંમેશાં કહેતા કે તું માત્ર ભણવા પર ધ્યાન આપ, બાકીની બધી વ્યવસ્થાઓ હું કરી દઈશ. આખરે હું ધાર્યું પરિણામ લાવી શકી છું.

પિતાને આર્થિક રીતે સક્ષમ રહેવામાં મુશ્કેલી આવી
શેનીલ કાલસરિયાએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં પરિણામ ખૂબ સારું આવ્યું છે. મારી જેટલી અપેક્ષા હતી એ પ્રકારનું જ પરિણામ છે. મારા 83% અને પર્સન્ટાઇલ 89.03 છે. જોકે એક વાત કહેવાનું મન થાય છે કે આ વખતે કોરોના સંક્રમણને કારણે અભ્યાસ કરવામાં મને જેટલી તકલીફ પડે છે એટલા જ મારા પિતાને આર્થિક રીતે સક્ષમ રહેવામાં મુશ્કેલી આવી હતી. અનેક પડકારો વચ્ચે પણ હું મારું લક્ષ્ય સાધવા માટે તૈયાર હતો. હું આગળ કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાનો છું.

પરિણામ જોઈ વિદ્યાર્થીઓ ખુશ થયા.
પરિણામ જોઈ વિદ્યાર્થીઓ ખુશ થયા.

આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં સફળતા મેળવી
સાગર વેકરિયા જણાવ્યું હતું કે મારું પરિણામ અપેક્ષા કરતાં પણ ખૂબ સારું આવ્યું છે. 89.04% અને પર્સન્ટાઈલ 99.53 છે. આજે પરિણામ આવ્યું છે એ મારાં માતાપિતા અને શિક્ષકોનો ખૂબ મોટો ફાળો છે. શાળાના સંચાલકોએ તમામ વ્યવસ્થા ઊભી કરી કે જેથી અમે શાળા ન આવે તો પણ યોગ્ય રીતે અભ્યાસ કરી શકીએ. મારા પિતા રત્નકલાકાર છે. સુરત શહેરમાં અનેક લોકો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે. આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવા છતાં મારું લક્ષ્ય હતું કે હું કોઈપણ પરિસ્થિતિમાં સારા માર્ક્સ મેળવવાનો પ્રયાસ કરીશ. હું ધોરણ આઠમાં હતો ત્યારે જ કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાનું નક્કી કરી લીધું હતું. આગળ પણ હું એ જ દિશામાં એ જ વિષય સાથે મારી કારકિર્દી ઘડવાનો છું.

પરિવારની સ્થિતિ સારી ન હોવા છતાં સારું પરિણામ મેળવ્યું.
પરિવારની સ્થિતિ સારી ન હોવા છતાં સારું પરિણામ મેળવ્યું.

સુરતનું પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું 72.02% જાહેર કરાયું છે. જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ 77.53 ટકા જાહેર કરવામાં આવ્યું છે. ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી પરિક્ષાનું ઝડપથી પરિણામ આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. સુરતના વિદ્યાર્થીઓએ ગુજરાતભરમાં A1 અને A2 ગ્રેડમાં ડંકો વગાડ્યો છે. ગુજરાતભરમાં સૌથી વધુ A1માં 42 અને A2માં 636 સ્ટુડન્ટ્સને સફળતા મળી છે.