કાર્યવાહી:બાયોડીઝલ કૌભાંડ મુદ્દે માજી મંત્રીના પુત્ર સહિત 5ને સમન્સ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત ઇકો સેલને ગાંધીધામના ઓઈલના બિલ મળ્યા હતા
  • પાંડેસરાના મુખ્ય સૂત્રધારના તાર ગાંધીધામ-મુંબઈ સુધી

બાયોડીઝલના ગેરકાયદે કારોબારના રાજ્યવ્યાપી નેટવર્કમાં મુખ્ય સૂત્રધાર મનીષ મારવાડીના તાર ગાંધીધામથી લઈ નવી મુંબઈ પોર્ટ સુધી લંબાયેલા છે. આ કેસમાં સુરત પોલીસે ગાંધીધામની પેઢી અરિહંત એન્ટરપ્રાઈઝના 5 ભાગીદારોને સુરત ઈકો સેલની કચેરીમાં હાજર થવા સમન્સ પાઠવામાં આવ્યા છે. જેમાં કચ્છના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના પુત્રનું નામ પણ સામેલ છે. પાંડેસરામાં હરીઓમ ટ્રેડીંગના નામે સૂત્રધાર મનિષ મારવાડી ઉર્ફે મનીષ શંકરલાલ રાવ ઓઈલનો વેપાર કરતો હતો. તેની ઓફિસમાં પોલીસે તપાસ કરતા ઓઈલના કેટલાક બિલો મળી આવ્યા હતા.

આ બિલો પૈકી 3 થી 4 ટેન્કરોના બિલ ગાંધીધામના અરિહંત એન્ટરપ્રાઈઝના નામે મળી આવ્યા હતા. ઉપરાંત અન્ય 3 થી 4 પેઢીના નવી મુંબઈ પોર્ટના પણ બિલો મળી આવ્યા હતા. બિલોના આધારે ઈકો સેલે ગાંધીધામની અરિહંત એન્ટરપ્રાઈઝના 5 ભાગીદારમાં ભાવેશ પ્રભુલાલ શેઠ, નિરવ પ્રદિપભાઈ મેહતા, રમેશ બાબુભાઈ હુમ્બલ, રણછોડ વાસણભાઈ આહિર અને શંભુ શામજીભાઈ ઝરુને સમન્સ પાઠવી સુરતમાં હાજર રહેવા જણાવાયું હતું.

બાયોડીઝલના પ્રકરણમાં પહેલા મુકેશ બાબુ કસવાળા અને અંકિત રામનરેશ સૈન પકડાયા હતા પછી મુકેશ મારવાડીનો ભાઈ ઓમપ્રકાશ રાવ અને પછી સૂત્રધાર મનિષ મારવાડી પણ પકડાયો હતો. મનિષ મારવાડી નવી મુંબઈ પોર્ટ અને કંડલા પોર્ટ પરથી ઓઈલના ટેન્કરો મંગાવતો હતો પછી તે ઓઈલમાં હાઇડ્રોકાર્બન અને બૈઝ ઓઈલ, ઓરિજનલ ડિઝલ અને કેમિકલ મિશ્રણ કરી બાયોડીઝલ તૈયાર કરતો હતો. મનિષ મારવાડી સામે પાંડેસરા પોલીસમાં જ્વલનશીલ પદાર્થ રાખવાનો ગુનો દાખલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...