કતારગામની તરૂણીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. પરિવારને તૂરૂણીના પ્રેમસંબંધની જાણ થઈ ગયા બાદ પ્રેમસંબંધ મંજૂર ન હોવાથી ઘરથી બહાર અવર જવર બંધ કરાવી દેતા આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. કતારગામમાં રહેતી 17 વર્ષીય પ્રિયકા(નામ બદલ્યું છે)ના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું છે. પ્રિયંકા તેની માતા અને મોટાભાઈ સાથે રહેતી હતી. માતા બીમારીના કારણે પથારીવશ છે અને મોટોભાઈ કાપડના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પ્રિયંકાએ મંગળવારે સવારે પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં પ્રાથમીક સારવાર બાદ તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ચોક બજાર પોલીસ હોસ્પિટલ આવી તપાસ શરૂ કરી હતી.
જેમાં પ્રાથમીક તપાસમાં પ્રિયંકાને ભાવનગર ખાતે રહેતા કોઈક યુવક સાથે પ્રેમસબંધ હોવાનું અને પ્રેમસંબંધની પરિવારને જાણ થઈ ગયા બાદ પ્રિયંકાનું ઘરથી બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું. પ્રેમસંબંધ પરિવારને મંજુર ન હોવાથી પરિવારના દબાણથી કંટાળીને પ્રિયંકાએ આપઘાતનું પગલું ભર્યું હોવાનુ સામે આવ્યું છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.