શહેરમાં અલગ અલગ બનાવોમાં 5 વ્યક્તિઓએ આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. જેમાં અડાજણમાં કિશોરીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે કતારગામમાં અલગ અલગ બનાવમાં બે યુવકોએ જીવન ટુંકાવી લીધું હતું. જ્યારે પરવટ ગામમાં આર્થિક સંકળામણના કારણે એક યુવકે આત્મહત્યા કરી લીધી હતી. અડાજણ એસએમસી આવાસ ખાતે રહેતા રાકેશ મોહિતે અડાજણમાં કારના શોરૂમમાં વાયરમેન તરીકે કામ કરે છે. તેમની પુત્રી સ્નેહા(17) ધોરણ 8 સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો અને માતાને ઘરકામમાં મદદ કરતી હતી.
બુધવારે સાંજે સ્નેહાએ પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો. પરિવારને જાણ થતા સ્નેહાને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા અડાજણ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે સ્નેહાએ ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી. બીજા બનાવમાં કતારગામ કંતારેશ્વર મંદિર પાસે શિવદર્શન સોસાયટીમાં રહેતા રાકેશભાઈ છગનભાઈ વાકડીયા (43) કાપડ માર્કેટમાં કામ કરતા હતા. રાકેશભાઈએ બુધવારે બપોરે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પતિ પત્ની વચ્ચે બોલાચાલીના કારણે માઠું લાગી આવતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજા બનાવમાં કતારગામ વિજય નગર પાસે ગુપ્તા નગર ખાતે રહેતા પપ્પુકુમાર મનીલાલ રાય(૩૨)હીરાના કારખાનામાં કામ કરતા હતા. તેમનો પરિવાર વતનમાં રહે છે જ્યારે તેઓ મિત્ર સાથે રહેતા હતા. બુધવારે રાત્રે તેમણે કોઈક કારણસર પોતાની રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જોકે તેમણે ક્યાં કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી.
પરવટગામમાં અાર્થિક સંકડામણમાં ફાંસો
પરવટગામ ક્રિષ્ણકૃપા સોસાયટી ખાતે રહેતા રામપ્રસાદ ક્રિષ્નામૃર્તી માર્ગામાં(29)છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. બુધવારે સાંજે તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકળામણના કારણે તેમણે આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યકત કરી છે.
સચિનમાં યુવકે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
સચીન જીઆઈડીસી રામેશ્વર કોલોની યોગેશ્વર નગર ખાતે રહેતા રામકરણ કાલકાપ્રસાદ પાલ(26)એ પણ બુધવારે સાંજે પોતાની રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. જોકે તેમણે ક્યા કારણસર આપઘાત કર્યો તે પોલીસ જાણી શકી ન હતી. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.