સુરતના ઉન પાટિયામાં એક કિશોરી બાથરૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં સરી ગયું છે. શબિના (નામ બદલ્યું છે)ને એક યુવક સાથે એક વર્ષથી પ્રેમ થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ કલાકો સુધી બાથરૂમમાં બેસી પ્રેમી સાથે વાતચીત કરતી શબિનાના આપઘાત પાછળ પ્રેમી સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
વતનથી અભ્યાસ છોડી આવી હતી
મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મિલમાં કામ કરે છે ત્રણ સંતાનોમાં શબિના બીજા નંબરની દીકરી હતી. વતન કોલકોતામાં અભ્યાસ કરતી શબિનાએ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી કામકાજમાં ધ્યાન આપ્યું હતું.
પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો
વધુમાં જણાવ્યું હતું કે શુક્રવારની રાત્રી ભોજન બાદ તમામ સૂઈ ગયા હતા. સવારે પત્નીની આંખ ખુલતા શબિના બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હોંશ ગુમાવી બેઠી હતી. પત્નીની બુમાબુમ બાદ પરિવાર શબિનાને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. શબિનાના આવા અંતિમ પગલાંને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
કિશોરી પ્રેમી સાથે વાત કરતા પકડાઈ હતી
વધુમાં જણાવ્યું હતું કે વતન કોલકોતાના રહેવાસી અને સુરતમાં જ રહેતા એક યુવક જોડે શબિનાને એક વર્ષથી પ્રેમ થઈ ગયો હતો. અવાર નવાર પરિવારથી છુપાઈને બાથરૂમમાં એક એક કલાક સુધી મોબાઈલ પર વાત કરતા પકડાય ગયા બાદ દીકરીના પ્રેમની પરિવારને જાણ થઈ હતી. એટલું જ નહીં પણ શબિનાના આપઘાત પાછળ પણ પ્રેમી સાથેનો ઝગડો કારણભૂત હોય શકે છે. જોકે સચિન જીઆઈડીસી પોલીસે હાલ ગુનો નોંધી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.