સચિનમાં યુવાન મોબાઈલ દુકાનદારે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. આપઘાતના અન્ય બનાવમાં કતારગામમાં રત્નકલાકારે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે ઈચ્છાપોરમાં મહિલાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સચિનમાં યુવકે ઘરમાં ઘળે ફાંસો ખાધો
સચિન યોગાનંદ સોસાયટીમાં રહેતા આશીષભાઈ લક્ષ્મીલાલ જૈન(24)બે મહિના પહેલા જ વતનથી સુરત આવ્યા હતા અને તેમના ભાઈને મોબાઈલની દુકાનમાં મદદરૂપ થતા હતા. તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પરીવારને થતા તેમને તાત્કાલિક નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સચિન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. જોકે આશીષભાઈએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.
કતારગામમાં યુવકે સ્ટોરરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો
આપઘાતના અન્ય બનાવમાં કતારગામ લક્ષ્મીકાંત સોસાયટી ખાતે રહેતો હર્ષ દિલીપભાઈ પટેલ(24)હીરાના કારખાનામાં કામ કરતો હતો. તેની માતાનું અવસાન થઈ ગયું હોય તે તેની મોટી મમ્મી સાથે રહેતો હતો અને તેના પિતા ચારેક મહિનાથી વતન રહેતા હતા. શનિવારે રાત્રે હર્ષે સ્ટોરરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હર્ષે ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.
એકલવાયું જીવન જીવતા મહિલાનો આપઘાત
અન્ય બનાવમાં ઈચ્છાપોર કવાસ ગામ તિરૂપતી સોસાયટી ખાતે રહેતા નયનાબેન જશવંતભાઈ પટેલ(35)ના પહેલા પતિનું અવસાન થયા બાદ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ બીજા પતિ પણ સાથે રહેતા ન હતા. જેથી એકલવાયું જીવન વ્યતીત કરતા નયનાબેને પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ખેતરમાં ઝેરી દવા પી આપઘાત
અન્ય એક બનાવમાં સચિનના ઉન પાટીયા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય મેરાજખાન સીરાજખાને ખેતરમાં ઝેરી દવા પી ગયો હતો. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. મેરાજખાન એમ્બ્રોઈડરી મશીનની લે-વેચ કરતો હતો. તેને એક સંતાન છે.
લિંબાયતમાં ગળેફાંસો ખાઈ આપઘાત
અન્ય એક બનાવમાં લિંબાયતમાં રેહોત 37 વર્ષીય પ્રદિપ સોનવણેએ ઘરમાં જ હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. તેને નીચે ઉતારી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.