વડોદરાનો ચકચારી કેસ:2 વખત નેશનલ રમી ચૂકેલી યુવતીને દારૂ પીવડાવી દુષ્કર્મ બાદ આપઘાતના રહસ્યને ઘેરું બનાવતા સવાલો

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂમાં નશીલી દવા ભેળવીને પીવડાવ્યા બાદ યુવતી પર ગેંગરેપ કર્યાની પોલીસને શંકા

વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની 19 વર્ષની કબડ્ડી પ્લેયર યુવતીના સુસાઇડ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સુભાનપુરામાં રહેતી કબડ્ડી પ્લેયરને તેના મિત્રો દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાએ જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો. ત્યાર બાદ દિશાંતે તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સપાટી પર આવ્યું છે. જોકે, બંને યુવકોએ દારૂ સાથે નશીલી દવા ભેળવીને યુવતીને પીવડાવ્યા બાદ ગેંગરેપ કર્યાની પોલીસને શંકા છે. લક્ષ્મીપુરા પોલીસે આત્મહત્યા માટે મજબૂર કરવા અને દુષ્કર્મના ગુના હેઠળ દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાની પૂછપરછ હાથ ધરી છે.

બંને આરોપીઓએ યુવતીને પણ બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી ગત સપ્ટેમ્બર મહિનાથી તેના પિતાથી અલગ સુભાનપુરા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં પીજી તરીકે રહેતી હતી. તે છાણી રોડ પર આવેલી કોઝવેન્ટ ઇ સર્વિસ પ્રા.લીમાં નોકરી કરતી હતી. કંપનીમાં સાથે નોકરી કરતા દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝા તેના સંપર્કમાં આવ્યા હતા. બે મહિનામાં તેઓ વચ્ચે મિત્રતા વધી હતી. ત્યારબાદ ગત 8મી તારીખે સાંજે 5 વાગે જ્યારે યુવતી અને તેની મિત્ર ઘરે હતી તે સમયે દિશાંત અને નાઝીમ ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેણીની મિત્રને નોકરી પર જવાનું હોવાથી તે યુવતીના ઘરેથી જતી રહી હતી. જોકે દિશાંત અને નાઝીમનો મનસૂબો કંઈક અલગ જ હતો. તેઓ સાથે દારૂની બોટલ લઈને આવ્યા હતા અને ઘરમાં દારૂ પીધો હતો. તેઓએ યુવતીને પણ બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. જેનો નશો થતા યુવતીને હોંશ રહ્યા ન હતા. જેનો લાભ ઉઠાવી દિશાંતે યુવતીના બળજબરીથી કપડાં ઉતારી દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. પરંતુ દારૂના નશામાં ચૂર દિશાંતે તેની એક વાત માની ન હતી. દિશાંતથી બચવા તેણીએ ઝપાઝપી કરી હતી. જેમાં યુવતીના શરીરે ઉઝરડા પડ્યા હતા.

પરિવારે બદનામી ન થાય તે માટે પોલીસને કહેવાનું ટાળ્યું હતું
સાંજે 7.30 વાગે જ્યારે યુવતીનો બોયફ્રેન્ડ સુમન્તો ત્યાં આવતા તેણીએ યુવતી અને દિશાંત તથા નાઝીમને ત્યાં જોયા હતા. યુવતીના બોયફ્રેન્ડે તેના પિતા અને કાકાને ફોન કરીને બોલાવ્યા હતા. જોકે દિશાંત અને નાઝીમ ત્યાંથી ચાલ્યા ગયા હતા. યુવતીએ તેના પિતાને સઘળી હકીકત જણાવી હતી. ત્યારબાદ સુભાનપુરાથી પિતા યુવતીને લઈને તેમના ઘરે લક્ષ્મીપુરા આવી ગયા હતા. બીજા દિવસે ઘટનાની જાણ હોવા છતાં પરિવારે છોકરી અને કુટુંબની બદનામી ન થાય તે માટે પોલીસને કહેવાનું ટાળ્યું હતું. પિતાને મોડીરાતે નોકરી પર જવાનું હોવાથી તેઓ 9મી તારીખે રાતે નોકરી પર ગયા હતા. જ્યાં 10મી તારીખે સવારે તેમને યુવતીના બોયફ્રેન્ડે ફોન કરી જણાવ્યું હતું કે યુવતીએ ઘરમાં ગળેફાંસો ખાધો છે. જેના પગલે પિતા ઘરે દોડી ગયા હતા અને યુવતીને લઈ ગોત્રી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર હતી.

બંને યુવકોએ દારૂમાં નશીલી દવા ભેળવી હોવાની પણ શંકા
બનાવ અંગેની જાણ પોલીસને થતા પોલીસે પિતાના નિવેદનના આધારે કેવડાબાગ કહાર મહોલ્લામાં આવેલા શિવમ એપાર્ટમેન્ટમાં રહેતા દિશાંત દિપક કહાર અને ફતેપુરા ભાંડવાડા મારવાડી મહોલ્લામાં રહેતા નાઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝા સામે દુષ્કર્મ, આપઘાતની દુષ્પ્રેરણા અને ગુનો કરવાના ઇરાદે નશો કરાવવા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પૂછતાછમાં દિશાંતે સંબંધ બાંધ્યાની કબૂલાત કરી હતી. જ્યારે નાઝીમે હું ધર્મમાં માનતો હોવાથી દારૂ પીતો નથી તેમ કહ્યું હતું. જ્યારે રૂમમાં હાજર અન્ય યુવતીની પોલીસે પૂછતાછ કરતા તેણીએ કહ્યું હતું કે, ત્રણેયમાં સૌથી વધુ દારૂ જ નાઝીમે પીધો હતો. યુવતીના શરીર પર પડેલા ઉઝરડા અને નાઝીમની જુઠી કેફિયતના પગલે ગેંગરેપ થયાની શંકા આધારે પોલીસ સઘન તપાસ કરી રહી છે. બંને યુવકોએ દારૂમાં નશીલી દવા ભેળવી હોવાની પણ શંકા સેવાઇ રહી છે.

તબીબી પરીક્ષણથી દુષ્કર્મની થિયરી ખુલી અને બંને આરોપી ઝડપાયા
8મી તારીખે બનેલા બનાવ બાદ 10મી તારીખે યુવતીએ ગળેફાંસો ખાધો હતો. જોકે કુટુંબની બદનામી ન થાય તે માટે પરિવારજનોએ સઘળી હકીકત પોલીસથી છુપાવી હતી. જોકે યુવતી છેલ્લા 9 મહિનાથી સુભાનપુરા રહેતી હતી અને બે દિવસથી તેના પિતાના ઘરે કે જે પિતા સાથે તેની અણબન હતી તેઓ સાથે રહેવા આવી હતી. જે બાબતે પોલીસને શંકા ગઈ હતી. તદુપરાંત તબીબી પરીક્ષણમાં વીર્યના નમૂના મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પરિવારજનોની પૂછપરછ કરતા તેઓએ 8મી તારીખે યુવતી સાથે બનાવ અંગેની સઘળી હકીકત જણાવી હતી અને ત્યારબાદ દિશાંત અને નાઝીમની અટકાયત કરી હતી.

દિશાંત અને નિઝામે રાવપુરાથી દારૂ લીધો હતો
રાજ્યમાં દારૂબંધી છે. પરંતુ રાજ્યમાં અને વડોદરા પણ દારૂ મળે છે અને પીવાય છે એ હકીકત છે. પહેલેથી નક્કી હોઈ તેમ દિશાંત અને નિઝામે યુવતીના ઘરે દારૂની પાર્ટી કરવાની હોવાથી તેઓએ શહેરના રાવપુરા વિસ્તારમાંથી દારૂની બોટલ લીધી હતી. અને તેઓએ યુવતીને ઘરે જઈને પાર્ટી કરી હતી. જેમાં યુવતીને જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો.

પોલીસે ઘરેથી દારૂની બોટલ અને કોન્ડમ કબ્જે લીધા
યુવતીને દારૂ પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવાના બનાવમાં પોલીસે તપાસનો દોર આગળ વધાર્યો છે. બનાવ સ્થળેથી દારૂની બોટલ, વેફર, અન્ય ફૂડ પેકેટ મળી આવ્યા હતા. તદુપરાંત કપડાં, મોબાઈલ ફોન, કોન્ડમ તથા તેના રેપરને પણ કબ્જે લઈ આગળની તપાસ શરૂ કરી છે.

8મી તારીખે દિશાંત અને નાઝીમ બે વખત યુવતીના ઘરે આવ્યા
8મી તારીખે સાંજે દુષ્કર્મની ઘટના પહેલા દિશાંત અને નાઝીમ બે વખત યુવતીના ઘરે આવ્યા હતા. બપોરે 3 વાગે તેઓ ઘરે આવ્યા હતા. તે સમયે યુવતીની મિત્ર તેની સાથે હતી. ત્યાં થોડો સમય રોકાયા બાદ કંપનીમાં લોગીન કરવાનું હોવાથી દિશાંત અને નાઝીમ કંપનીમાં ગયા હતા. પછી સાંજે 5 વાગે ફરીથી દારૂ અને ખાવાની ચીજવસ્તુઓ લઈ તેઓ આવ્યા હતા. તે સમયે પણ યુવતીની મિત્ર ત્યાં હાજર હતી. જોકે તેણીને નોકરી પર જવાનું હોવાથી તે દિશાંત અને નાઝીમ આવ્યા બાદ ત્યાંથી નીકળી ગઈ હતી.

યુવતીએ 8 પાનાંની સૂસાઇડ નોટ અને ઓડિયો ક્લિપ કબજે
આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઘટનાથી ડઘાઈ ગયેલી યુવતીએ સૂસાઇડ નોટ લખી હતી. 8 પાનાંની સૂસાઇડ નોટમાં યુવતીએ તેની પરિવાર પ્રત્યેની લાગણીઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેને સુમન્તો સાથે સાચો પ્રેમ હોવાની વાત લખી હતી. જ્યારે તેની ઓડિયો ક્લિપ પણ પોલીસને મળી છે, જે ઓડિયો ક્લિપમાં યુવતી અને તેના બોયફ્રેન્ડ વચ્ચેની વાત છે. આ ઓડિયો ક્લિપમાં તેણીએ તેની સાથે ખોટું થયુ હોવાનું જણાવ્યું હતું.