• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Abhayam Making Such A Happy Compromise With The Help Of A Wife Who Was Made Homeless By Her In laws Due To The Birth Of A Daughter In Surat

મહિલા હેલ્પલાઈન મદદે:સુરતમાં દીકરીના જન્મના કારણે સાસરિયાઓ દ્વારા બેઘર કરાયેલી પરિણીતાની વ્હારે આવી સુખદ સમાધાન કરાવતી અભયમ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતા રસ્તા પર આવી જતા 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી પોતાની આપવીતી જણાવી

સુરતના રાંદેર વિસ્તારમાંથી એક પરિણીતાનો 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ આવ્યો કે પોતાની કૂખે દીકરીનો જન્મ થતા સાસરિયાઓએ ઘર બહાર કાઢી મૂકી છે. જેથી મદદરૂપ બનવા અપીલ કરતા કતારગામ અભયમ મહિલા રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે સાસરી પક્ષના સભ્યોનું સમજાવટ સાથે અસરકારક કાઉન્સેલિંગ કરતા તેમને ભૂલ સમજાઈ હતી અને બાળકી સહિત પરિણીતાને ફરીથી અપનાવી લીધી હતી.

ઘરમાંથી કાઢી મૂકી દરવાજાને તાળું મારી દીધું
રાંદેરના પરિવારની પુત્રવધૂ યાસ્મિનબાનુ (નામ બદલ્યું છે)ને દીકરીનો જન્મ થતાં સાસુએ તેની સાથે ઝઘડો કરતા કહ્યું હતું કે, મને તો દીકરાની આશા હતી, પરંતુ તેં દીકરીને જન્મ આપ્યો જે અમને સ્વીકાર્ય નથી, આમ કહી ઘર બહાર કાઢી મૂકી હતી અને દરવાજાને તાળું મારી દીધું હતું. જેથી પરિણીતા રસ્તા પર આવી જતા તેણે 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી પોતાની આપવીતી જણાવી મદદ માંગી હતી.

દીકરો-દીકરી એક સમાન છે એવી સમજ આપી
અભયમ ટીમે દર્શાવેલા સ્થળ પર પહોંચીને સાસરીવાળાઓને સમજાવ્યું કે, પુત્રવધુને ત્રાસ આપવો એ કાયદાકીય અને સામાજિક અપરાધ છે, જેના માટે જેલની સજા પણ થઈ શકે છે. પરિવારમાં સૌને અનુકૂળ થઈ પરસ્પર ગરિમા સાચવવાની અને દીકરો-દીકરી એક સમાન છે એવી સમજ આપી હતી. તેમજ દીકરી કે દીકરાને જન્મ આપવો એ સ્ત્રીના હાથમાં નથી.

પરિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવ્યું
આજે આધુનિક યુગમાં દીકરીઓ દીકરા કરતા પણ સવાયી બની દેશ દુનિયામાં નામના મેળવી રહી છે. અભયમ ટીમની અસરકારક સમજાવટથી સાસરી પક્ષે પોતાની ભૂલ કબૂલી હતી, તેમજ બાળકી અને પુત્રવધૂની કાળજી સાથે સારસંભાળ રાખશે તેવી ખાતરી આપી હતી. આમ, ગેરમાન્યતાથી દોરવાયેલા આ પરિવારને અભયમે યોગ્ય રાહ દેખાડી પરિવારિક ઝઘડાનું સુખદ સમાધાન કરાવવામાં સફળતા મળી હતી.