સફળ ટ્રાયલ:ત્રીજી નવી વંદે ભારત ટ્રેનની સફળ ટ્રાયલ 2.32 કલાકમાં અમદાવાદથી સુરત પહોંચી

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શતાબ્દી કરતા વધુ ઝડપી ટ્રેન, અમદાવાદથી મુબઈ 5.16 કલાકમાં પહોંચી
  • અલ્ટ્રા વાયોલેટ એર પ્યુરીફાયર બહારના બેક્ટેરિયલ હવાને ફિલ્ટર કરશે, શુદ્ધ હવા મળશે

દેશની ત્રીજી નવી વંદે ભારત ટ્રેનની આખરે શુક્રવારે અમદાવાદ-મુંબઈ વચ્ચે તેના નિર્ધારિત રૂટ પર ટ્રાયલ કરાઈ હતી.ટ્રાયલ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની દેખરેખ હેઠળ કરાઈ હતી. માત્ર 2 કલાક 32 મિનિટમાં અમદાવાદથી સુરત પહોંચી હતી.જ્યારે શતાબ્દી એક્સપ્રેસને અમદાવાદથી સુરત પહોંચવામાં 3 કલાક લાગે છે.

વંદે ભારત ટ્રેન તેના ટ્રાયલ દરમિયાન અમદાવાદથી સવારે 7.06 વાગ્યે ઉપડી હતી અને સુરત સ્ટેશને સવારે 9.38 વાગ્યે પહોંચી હતી જ્યાંથી મુંબઈ સેન્ટ્રલ 12.19 વાગ્યે પહોંચી હતી.અમદાવાદથી મુંબઈ પહોંચવામાં 5 કલાક, 16 મિનિટનો સમય લાગ્યો હતો. 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ માટે ચલાવાઈ હતી. શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ પહોંચવામાં 6 કલાક 20 મિનિટ લે છે.

રેલ્વે મંત્રાલયે કહ્યું હતું કે, વંદે ભારત એક્સપ્રેસની હાલની ડિઝાઇનમાં હવા શુદ્ધિકરણ માટે છત પર માઉન્ટ થયેલ RMPUમાં ફોટોકેટાલિટીક અલ્ટ્રા વાયોલેટ એર પ્યુરીફાયર સિસ્ટમ લગાવવામાં આવી છે. સેન્ટ્રલ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓર્ગેનાઇઝેશન (CSIO), ચંડીગઢની ભલામણ મુજબ, આ સિસ્ટમ RMPU ના બંને છેડે ડિઝાઇન અને ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેથી તે જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ વગેરેથી મુક્ત હોય તેમજ હવાને ફિલ્ટર અને સાફ કરી શકાય છે. અને બહારની હવાને પણ શુદ્ધ કરે છે. જેથી મુસાફરોને શુદ્ધ હવા મળી રહેશે.

વંદે ભારત ટ્રેનની ટ્રાયલ RDSO કરી રહ્યું છે
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં આ ટ્રાયલ આરડીએસઓ દ્વારા કરવામાં આવી રહી છે. તેઓ પોતાની ટ્રાયલ કરી રહ્યા છે. આરડીએસઓ નક્કી કરશે કે આગળ ટ્રાયલ થશે કે નહીં. પશ્ચિમ રેલવે દ્વારા વંદે ભારત ટ્રેનની રેક મળ્યા બાદ આગળનું આયોજન કરવામાં આવશે. માહિતી અનુસાર ટ્રાયલ પૂર્ણ થયા બાદ આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડાવવાનું આયોજન છે.જેમાં નિર્ધારિત સમય મુજબ અમદાવાદથી સવારે 7.25 વાગ્યે ઉપડશે અને બપોરે 1.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. જો કે આ સમયપત્રક હજુ અંતિમ નથી.રેલવે તેના સમયપત્રકમાં ફેરફાર કરી શકે છે. આ સિવાય અલગ-અલગ સમયની એવી શક્યતા પણ જોવામાં આવશે કે જેમાં આ ટ્રેન મુસાફરો માટે સૌથી વધુ અસરકારક રહેશે.

અન્ય સમાચારો પણ છે...