સુરતની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત રજૂઆત કરવામાં આવતાં સરકારે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર એન્ટી સબસિડી ડયુટી ન લગાવવા નિર્ણય કર્યો છે.ડિરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ, ભારત સરકારમાં એસોસીએશન ઓફ મેઇન મેડ ફાયબર ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા દ્વારા ચાઇનાથી આયાત થતા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન ઉપર એન્ટી સબસિડી ડયુટી લાદવા માટે અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં તા. 20 જુલાઇ 2020ના રોજથી ડીજીટીઆર દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી.
યાર્નનો 85 વપરાશ સુરતમાં
વિસ્કોસ ફિલામેન્ટ યાર્નનો 85 ટકા જેટલો વપરાશ સુરતમાં થાય છે. જેથી સુરત સ્થિત મોટા ભાગના વિવર્સ એસોસીએશન જેવા કે ફિઆસ્વી, સુરત વિસ્કોસ વિવર્સ એસોસીએશન, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિ. અને વેડ રોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન લિ. દ્વારા કરાયેલી રજૂઆતને સંદર્ભે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારના કેન્દ્રીય કાપડ મંત્રી પીયુષ ગોયલ, રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશ અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર. પાટીલને રજૂઆત કરી હતી.
ડ્યુટી મુક્તિની ભલામણ કરાયેલી
ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, ટેકસટાઇલ ક્ષેત્રે વપરાતા કી રો-મટિરિયલ્સ વપરાશકારોને વૈશ્વિક દરે, વૈશ્વિક ગુણવત્તા પ્રમાણે મળી રહે તેવો ભૂતકાળમાં ટેકસટાઇલ મંત્રાલય દ્વારા નાણાં મંત્રાલયને અભિપ્રાય આપવામાં આવ્યો હતો. તેના અનુસંધાને નાણાં મંત્રાલય દ્વારા વર્ષ 2021–22ના બજેટમાં જાહેર કર્યું હતું કે, ટેકસટાઇલ ક્ષેત્રે વિવિંગ અને નિટિંગમાં વપરાશ કરવામાં આવતા કી રો મટિરિયલ્સ ઉપર કોઇપણ જાતની એન્ટી ડમ્પીંગ, સીવીડી તથા એડીશનલ ડમ્પીંગ ડયુટી નહીં લાગુ કરવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી હતી.
ચેમ્બર પાસે ખુલાસો મગાયેલો
ચેમ્બર પાસે એમએસએમઇડી વિભાગ દ્વારા પણ ખુલાસો માગવામાં આવ્યો હતો. જે અંગે ચેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન કી રો મટિરિયલ હોવાથી અને ટેકસટાઇલ મંત્રાલયના ભૂતકાળના અભિપ્રાયના અનુસંધાને ચેમ્બરનો મત, ટેકસટાઇલ મંત્રાલયના મતની સાથે સુસંગત હોય કી રો મટિરિયલ ઉપર એન્ટી ડમ્પીંગ ડયુટી, સીવીડી તથા એન્ટી સબસિડી ડયુટી અને એડીશનલ કસ્ટમ ડયુટી લાદવામાં નહીં આવવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.