કોસ્ટ એકાઉન્ટિંગમાં 91% પરિણામ:વિદ્યાર્થીઓને ભણાવતા-ભણાવતા ભણ્યો ને CMAના સુરત ચેપ્ટરમાં પ્રથમ આવ્યો - કપીશ

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
કપીશ માનસિંખા - Divya Bhaskar
કપીશ માનસિંખા

ધી ઇન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (CMA) દ્વારા જૂનમાં લેવાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં સુરત ચેપ્ટરનું 91 ટકા પરિણામ આવ્યું છે. પ્રથમ ક્રમે કપીશ માનસિંખા, બીજા ક્રમે રોશન પેરીવાલ અને ત્રીજા ક્રમે વૈશાલી શાહ સફળ રહ્યા છે. સુરત બ્રાંચના ચેરમેન નેન્ટી શાહે જણાવ્યુું કે, 66 વિદ્યાર્થીઓમાં 60 પાસ થયા છે. કપિશ માનસિંખાએ 400 પૈકી 362 માર્કસ, રોશન પેરીવાલએ 358 માર્કસ, અને વૈશાલી શાહે 354 માર્કસ સાથે ચેપ્ટરનાં ટોપ-થ્રીમાં સ્થાન મેળવ્યું હતું.

માતાને મદદરૂપ થવા ધો. 11-12ના ટ્યુશન ક્લાસ પણ ચલાવતો હતો
સુરત ચેપ્ટરમાં પ્રથમ ક્રમ મેળવનાર કપીશ માનસિંખાની કલાકોની મહેનત સફળ થઇ છે. કપીશ તેની માતા અને નાની બહેન સાથે રહે છે. માતા બ્યુટીપાર્લર ચલાવી ગુજરાન ચલાવે છે. માતાને ભારે મહેનત કરતી જોઇને કપીશે અભ્યાસની સાથે સાથે જ ટ્યુશન કલાસ શરૂ કર્યા હતા. તે ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને ટ્યુશન આપી રહ્યો છે. મળસકે 4.00 વાગ્યે ઉઠીને બપોરે 12 વાગ્યા સુધી તે પોતાનો અભ્યાસ કરતો હતો, જ્યારે સાંજે ટ્યુશન આપતો હતો. આમ, વિદ્યાર્થીઓને ભણાવતા-ભણાવતા તેણે અદભૂત સફળતા મેળવી છે. - કપીશ માનસિંખા

વૈશાલીને પરિવારે વધુ અભ્યાસની ના પાડી તો 1 વર્ષનો ડ્રોપ લઈ સફળ થઈ
સુરતમાં ત્રીજો ક્રમ મેળવનારી વૈશાલી શાહે પોતાને આત્મનિર્ભર થવા માટે પરિવારને મનાવવા પડ્યા હતા. તેના પિતા ધંધો કરે છે. જોકે, તેણી ધોરણ 12 પાસ થયા બાદ તેને પરિવારે વધુ અભ્યાસ નહીં કરવા માટે જણાવ્યું હતું. વળી કોરોનાના કારણે તેમની આર્થિક સ્થિતિ પણ થોડીઘણી નબળી થઈ ગઈ હતી. પરિવાર દ્વારા આગળ ભણીને શું કરશે, એવો સવાલ પણ કરવામાં આવતો હતો. જોકે, તેણે આખરે પરિવારજનોને મનાવી લીધા અને દરરોજની 6 કલાકની મહેનત કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણીએ એક વર્ષનો ડ્રોપ લેવો પડ્યો હતો. - વૈશાલી શાહ

અન્ય સમાચારો પણ છે...