'આ મુદ્દાને ઉઠાવીશ તો મારી સાથે કંઈ પણ થઈ શકે':અફઘાની વિદ્યાર્થિનીએ સુરતમાં અભ્યાસ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો, કહ્યું- અફઘાનમાં મહિલાઓ પર ખૂબ જ અત્યાચાર થાય છે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનની વિદ્યાર્થીનીએ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન અંતર્ગત અફઘાનિસ્તાનના કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવ્યા છે. હાલ અફઘાનિસ્તાનની વિદ્યાર્થિની રઝિયા મુરાદીએ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવની માસ્ટર્સ ડિગ્રીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વિદ્યાર્થિનીને કહ્યું કે અફઘાનમાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ દયનિય છે. આ મુદ્દાને હું ઉઠાવીશ તો મારી સાથે કંઈ પણ થઈ શકે છે.

રઝિયા મુરાદી અફઘાનિસ્તાનની વિદ્યાર્થિની છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ પબ્લિક રિલેશન બાદ હવે પીએચડી માટે એપ્લાય કર્યું છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન તેનો મનગમતો વિષય છે અને તેના ઉપર જ તે હવે યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરશે. પીએચડી કર્યા બાદ તે પોતાના દેશમાં મહિલાઓ માટેના કામ કરવાનું ઈચ્છી રહી છે.

પોતાના દેશમાં મહિલાઓ માટેના કામ કરવાનું ઈચ્છી રહી છે.
પોતાના દેશમાં મહિલાઓ માટેના કામ કરવાનું ઈચ્છી રહી છે.

અફઘાનિસ્તાનની વિદ્યાર્થિની રઝિયા મુરાદીએ દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી

DB: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પસંદગી કેમ કરી?
રઝિયા મુરાદી: હું જ્યારે અફઘાનિસ્તાનમાં હતી ત્યારે મારી અગાઉ પણ કેટલાક વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂક્યા હતા. તેમણે મને આ યુનિવર્સિટી વિશે ઘણી વાતો કરી હતી. અહીંના અભ્યાસ માટેની જે વ્યવસ્થા છે તેની ખૂબ જ વિસ્તૃત ચર્ચા કરી હતી. જેને કારણે મેં આ યુનિવર્સિટી પર પસંદગી ઉતારી છે અને પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ જે મારો સૌથી મનગમતો વિષય છે તેના ઉપર અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે.

DB: ગોલ્ડ મેડલ મળતા કેટલી ખુશી થઈ?
રઝિયા મુરાદી: આમ તો મેં ખૂબ જ સખત પરિશ્રમ કર્યો છે અને આવું પરિણામ આવશે તેની મને આશા હતી, પરંતુ ગોલ્ડ મેડલ મળી જશે એની મેં કલ્પના કરી ન હતી. દરેક વ્યક્તિને પોતાની સફળતા મળતા આનંદ થાય છે પરંતુ સાથે સાથે થોડું દુઃખ એ વાતનું હતું કે જ્યારે પદવીદાન સમારોહ હતો અને મને ગોલ્ડ મેડલ મળવાનો હતો તે સમયે મારા પરિવારના લોકો હાજર ન હતા. મારી અપેક્ષા હતી કે તેઓ પણ મારી આ યાદગાર ક્ષણમાં સહભાગી થાય.

પરિવારના તમામ લોકો શિક્ષણ લેવામાં આગળ રહ્યા છે.
પરિવારના તમામ લોકો શિક્ષણ લેવામાં આગળ રહ્યા છે.

DB: તમારા પરિવારમાં કોણ કોણ છે?
રઝિયા મુરાદી: મારા માતા-પિતા અને મારા ભાઈ-બહેનો છે. સદનસીબે અમારું આખું પરિવાર ખૂબ જ શિક્ષિત છે અને તેના કારણે જ હું પણ શિક્ષણ લઈ શકી છું. હું એ બાબતે ખૂબ જ નસીબદાર છું કે અફઘાનિસ્તાન જેવા દેશમાં રહીને પણ શિક્ષણ લઈ શક્યા છે. મારો પરિવાર મને ખૂબ જ સહકાર આપે છે. અમારા પરિવારના તમામ લોકો શિક્ષણ લેવામાં આગળ રહ્યા છે. મારા બંને ભાઈ-બહેનોએ પણ ઉચ્ચ શિક્ષણ લીધું છે.

DB: અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ શું છે?
રઝિયા મુરાદી: અફઘાનિસ્તાનની અંદર મહિલાઓની સ્થિતિ ખૂબ જ દયનીય છે. મહિલાઓ પર ખૂબ જ અત્યાચાર થાય છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓના ઉત્કર્ષ માટે કોઈ કાર્યક્રમ નથી, કોઈ યોજના નથી. ત્યાંની સરકાર પણ આ બાબતે કોઈ ગંભીરતા દાખવતી નથી. અન્ય દેશોની સરખામણીએ મહિલાઓને યોગ્ય સ્થાન મળતું નથી.

અફઘાનિસ્તાનમાં શિક્ષણ ઉપર જે પ્રકારે પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખદ બાબત છે.
અફઘાનિસ્તાનમાં શિક્ષણ ઉપર જે પ્રકારે પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખદ બાબત છે.

DB: અફઘાનિસ્તાનમાં શિક્ષણની સ્થિતિ શું છે?
રઝિયા મુરાદી: અફઘાનિસ્તાનમાં શિક્ષણનું સ્તર ખૂબ જ નીચું છે. વિશેષ કરીને શિક્ષણ ઉપર જે પ્રકારે પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખદ બાબત છે. મહિલાઓને એજ્યુકેશન મેળવવા માટે સરકાર કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરી રહી નથી. ઉચ્ચ અભ્યાસ માટે મહિલાઓ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. તેઓ ઇચ્છતા નથી કે મહિલાઓ પણ શિક્ષણ મેળવીને આગળ આવે.

DB: મહિલાઓને લઈને આવી માનસિકતાનું કારણ શું છે?
રઝિયા મુરાદી: અફઘાનિસ્તાનમાં જે પ્રકારે ધાર્મિક કટ્ટરતા છે અને તેના કારણે તેની સીધી અસર તેમના વર્તનમાં પણ જોવા મળે છે. મહિલાઓને વધુ ભણાવવું ન જોઈએ એ પ્રકારની તેમની માનસિકતા છે. ખૂબ જ રૂઢિચુસ્ત હોવાને કારણે આ પ્રકારનું તેઓ વિચારતા હોય છે. ખૂબ સંકોચિત માનસિકતા ધરાવે છે. અન્ય દેશોની સરખામણીએ પણ અફઘાનિસ્તાનમાં મહિલાઓને લઈને અનેક પડકારો છે.

મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવે એ પ્રકારનો માહોલ ઊભો કરવા પ્રયાસ કરીશ.
મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવે એ પ્રકારનો માહોલ ઊભો કરવા પ્રયાસ કરીશ.

DB: અભ્યાસ કર્યા બાદ તમે શું કરવા માંગો છો?
રઝિયા મુરાદી: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે પોતે પોતાના દેશ માટે કંઈક કરે. હું પણ ઈચ્છું છું કે હું આગળ અભ્યાસ કરી આ બાદ આવનાર દેશોમાં અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટે પ્રયાસો કરીશ. ત્યાં હાલ જે પ્રકારે સરકાર નિર્ણયો લઈ રહી છે તે નિર્ણયોને બદલવાનો પ્રયાસ કરીશ. મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવે એ પ્રકારનો માહોલ ઊભો કરવા માટે અને તેને લગતા મુદ્દાઓને આગળ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશ. જેથી કરીને અમારા દેશની પણ તમામ મહિલાઓ અન્ય દેશની મહિલાઓની જેમ આગળ આવી શકે.

DB: મહિલાઓનો મુદ્દો ઉઠાવો તો તેનું પરિણામ શું હોય શકે?
રઝિયા મુરાદી: હાલની જે પરિસ્થિતિ છે તે જોતા ખૂબ જ ડર લાગે છે. હું જો આ પ્રકારનો મુદ્દો ઉઠાવીશ તો મારું શું થશે તેના વિશે હું કંઈ કહી શકુ એમ નથી. મારું કંઈ પણ થઈ શકે છે. સ્વાભાવિક છે કે જે માનસિકતાથી સરકાર ચાલી રહી છે તેનાથી વિપરીત વાતો કરીશ તો મારી સ્થિતિ જોખમી થઈ શકે છે. ભૂતકાળમાં અનેક એવા કિસ્સાઓ બન્યા છે કે જેમાં મહિલાઓએ ક્યારેક મુદ્દા ઉઠાવ્યા હોય તો તેમની સ્થિતિ શું થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ આવી ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે.

યુવાનો પોતાના દેશમાં પરિવર્તન લાવવા માટે સક્રિય થયા છે.
યુવાનો પોતાના દેશમાં પરિવર્તન લાવવા માટે સક્રિય થયા છે.

DB: કયા મોટા પડકારો તમે જોઈ રહ્યા છો?
રઝિયા મુરાદી: જ્યારે સરકાર પોતાની માનસિકતાથી કામ કરતી હોય અને તેમાં વિક્ષેપ પડે એ પ્રકારના મુદ્દા તમે ઉઠાવો ત્યારે સ્વાભાવિક છે કે સ્થિતિ બગડે છે. પરંતુ હું ઇચ્છું છું કે હવે તેમાં સુધારો આવે મારા જેવા અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને પોતાના દેશમાં પરિવર્તન લાવવા માટે સક્રિય થયા છે. આવનાર દિવસોમાં એ પરિવર્તન આવશે પરંતુ અમે બધા જાણીએ છીએ કે તે ખૂબ જ પડકારજનક છે. અફઘાનિસ્તાનની સરકાર અલગ જ માનસિકતાથી કામ કરી રહી છે જેમાં કટ્ટરતા વધુ દેખાય છે અને કટરતાની સ્થિતિમાં મહિલાઓનું શોષણ થાય તે ખૂબ જ સ્વાભાવિક છે, પરંતુ અમે સતત પ્રયાસ કરતા રહીશું.

રઝિયા અફઘાનિસ્તાનથી આવતા અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ સમાન
પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર મધુ થવાણીએ જણાવ્યું કે રઝિયા અફઘાનિસ્તાનમાંથી ભણવા આવતા વિદ્યાર્થીઓ પૈકીની ખૂબ જ હોશિયાર વિદ્યાર્થીની છે અને ખૂબ જ કોઓપરેટ કરે છે. અફઘાનિસ્તાનની પરીક્ષા પદ્ધતિ અને આપણી પરીક્ષા પદ્ધતિમાં ઘણો ફેરફાર છે છતાં પણ તેણે ખૂબ સારી રીતે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તૈયારી કરી અને તેનું પરિણામ પણ ખૂબ જ સારું આવ્યું છે. રઝિયા અફઘાનિસ્તાનથી આવતા અન્ય વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ સમાન છે. વિદેશથી આવતા કે અફઘાનિસ્તાનથી આવતા વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી હોય તો અમે સીધો પહેલા રઝિયાનો સંપર્ક કરાવ્યો છે અને તે ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને મોટીવેટ પણ કરે છે.

અન્ય સમાચારો પણ છે...