રશિયા હથિયાર હેઠા મૂકવાનું નામ નથી લેતું. જેથી પરિસ્થિતિ દિવસે દિવસે તંગ થઈ રહી છે. ત્યારે યુક્રેનમાં હજી પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વાત સામે આવી રહી છે. ખાસ કરીને સુમી સ્ટેટમાં વિદ્યાર્થીઓએ વીડિયો વાઊરલ કરીને એકસાથે હોસ્ટેલની બહાર એકત્ર થયા હોવાનું દર્શાવ્યું છે. વિદ્યાર્થીઓ અપીલ કરી કે, જો હવે સરકાર કંઈ નહીં કરે, તો અમે તમારા જોખમે બહાર નીકળવાની શરૂઆત કરીશું. રાત્રે આસપાસના વિસ્તારોમાં સતત બોમ્બ ધડાકાઓ થઇ રહ્યા છે. અમારા જીવ જોખમમાં મુકાયા છે. છતાં પણ ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ નક્કર પગલા લેવાતા હોય તેવું અમને લાગતું નથી. વિદ્યાર્થીઓ રાહ જોઈને ત્રસ્ત થઇ ગયા છે. અને તેમની ધીરજ ખૂટી રહી હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓની અપીલ
યુક્રેનમાં વિદ્યાર્થીઓ ભારતનો રાષ્ટ્રધ્વજ લઈને ભારત સરકારને સતત અપીલ કરી રહ્યા છે કે, યુક્રેનમાંથી ઝડપથી તેમને બહાર કાઢવામાં આવે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ અમારો છેલ્લો વીડિયો છે. હોસ્ટેલમાંથી હવે અમે જોખમ લઈને પોલેન્ડ અને રોમાનિયા કે, જે નજીકના દેશ હશે. તે તરફ આગળ વધીશું. ચારે તરફ ભયાવહ સ્થિતિ છે. અમે પણ જાણીએ છીએ કે, બહાર નીકળવું જોખમી છે. પરંતુ હવે અમારી પાસે અન્ય કોઈ માર્ગ રહેતો હોય તેવું લાગતું નથી.
વાલીઓ ચિંતિત
સુરતના વાલી મુબીના ડુમસિયાએ જણાવ્યું કે, આજે સવારે અમારા બાળકોના વીડિયો અમને મળ્યો છે. જેમાં તેઓ બધા એકત્રિત થઈને રાષ્ટ્રધ્વજ બતાવીને અપીલ કરી રહ્યા છે. આજે યુદ્ધનો દસમો દિવસ થઇ ગયો હોવા છતાં, પણ બાળકોની ઘરે પરત ફરવા માટેની કોઇ વ્યવસ્થા થઇ રહી નથી. એટલું જ નહીં દુઃખ એ વાતનું છે કે, ઇન્ડિયન એમ્બેસીના કોઈ અધિકારી બાળકો જોડે વાત કરી રહ્યા નથી. જો બાળકો અન્ય દેશની બોર્ડર તરફ જવા નીકળે તો જોખમ વધી શકે છે. હોસ્ટેલના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા માટેની સૂચના આપે છે. પરંતુ હવે વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી રહી છે. અમે પણ તેમને સમજાવ્યા છે કે, રાહ જુઓ બધા પ્રયાસો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.