સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારી શકાય તથા યુનિવર્સિટી દ્વારા પ્રવેશ કાર્ય સરળ બને તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ધોરણ- 12માં અભ્યાસ કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓને પણ સ્નાતક કક્ષામાં અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવા માટે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવનાર છે. 12ના વિદ્યાર્થીઓની સ્નાતકના અભ્યાસક્રમ માટે પ્રવેશ આપનાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી યુનિવર્સિટી બની રહેશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે આજ રોજ 12મી જાન્યુઆરીથી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરાય છે. પ્રથમ વખત જ ધોરણ-12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ધો-10ના પરિણામના આધારે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં નોંધણી કરી શકશે. જેમાં સરકારી, અનુદાનિત, સ્વનિર્ભર કોલેજોમાં બી કોમ, બીબીએ, બીએસસી સહિતના અભ્યાસક્રમોમાં તેમજ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે.
યુનિવર્સિટી સત્તાવાળાના કહેવા પ્રમાણે ધોરણ12ની પરીક્ષા લેવાયા પહેલા પ્રવેશ માટે નોંધણી કરવાનો હેતુ વિવિધ અભ્યાસક્રમોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જાણી શકાય તેમજ વિદ્યાર્થીઓએ પસંદગીના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેનું આગોતરું આયોજન કરી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે.
વિદ્યાર્થી જે તે ઝોનમાં પ્રવેશ મેળવી શકશે
બી.કોમ, બીએસસી, બીબીએ અને બીસીએની પ્રવેશ પ્રક્રિયા સુરત વલસાડ, નવસારી, બારડોલી અને ભરૂચ એમ 5 ઝોનમાં કરવાની હોવાથી વિદ્યાર્થીઓ પોતાના ઝોનની કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. ઉપરાંત પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવા માટે વિદ્યાર્થીઓ શાળાઓમાં જઈ ને પણ પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે નોંધણી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.