પરિવાર ચિંતિત:સુરતમાં CAની વિદ્યાર્થિની ગુમ, રત્નકલાકાર પિતા પર 10 લાખ રૂપિયાની ખંડણીનો ફોન આવ્યો, પોલીસે તપાસ કરતા બોયફ્રેન્ડ પણ ગાયબ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ખંડણી માટે 3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો
  • યુવતી કાપોદ્રા પોપડા સુધી જતી સીસીટીવીમાં દેખાય

સુરત શહેરના વરાછા વિસ્તારની સોસાયટીની એક સીએની વિદ્યાર્થિની ઘરેથી બૂક લેવા નીકળ્યા બાદ ગુમ થઈ જતા પરિવાર ચિંતિત થઈ ગયું છે. એટલું જ નહીં પણ વિદ્યાર્થિનીના રત્નકલાકાર પિતાને ફોન કરી જો તમારી દીકરી હેમખેમ પરત જોઈતી હોય તો રૂપિયા 10 લાખની ખંડણી માગવામાં આવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. આ મામલે વરાછા પોલીસે વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડના ઘરે તપાસ કરતા તે પણ પોતાનો ફોન ઘરે મુકી ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસ સ્ટેશનમાં આવેલા આવા અજીબો ગરીબ કેસને લઈ પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ છે.

ફોન પર દીકરી જોઈતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ કહ્યું
વરાછા પોલીસે જણાવ્યું હતું કે, હીરા ઘસવાની મજૂરી કામ કરતા કિરિટભાઈ (નામ બદલ્યું છે)ની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલા ક્લાસીસમાં સીએનો અભ્યાસ કરી રહી છે. દીકરી બુધવારે સાંજે ઘરેથી સીએની બૂક લેવા જવાના બહાને નિકળ્યા બાદ ગુમ છે. બીજી બાજુ પરિવારજનોની શોધખોળ વચ્ચે એક અજાણ્યા ઈસમનો ફોન પર દીકરી જોઈતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ તેવું કહેવાતા પરિવાર આશ્ચર્યમાં પડી ગયો છે. દીકરીની મુક્તિ માટે 10 લાખની ખંડણી માગનાર ઇસમનો લગભગ 3 વાર અલગ અલગ નંબરથી ફોન આવ્યો હોવાનું સામે આવ્યું છે. દીકરીનું અપહરણ કરવામાં આવ્યુ હોવાનો ફોન આવતા પરિવારના પગ તળીયેથી જમીન સરકી ગઈ છે. આ બાબતે પરિવારે પોલીસને જાણ કરી મદદની પુકાર લગાડી છે.

પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. (પ્રતિકાત્મક તસવીર)
પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે. (પ્રતિકાત્મક તસવીર)

અપહરણ-ખંડણીની ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી
પીઆઈ પીએ આર્યએ અપહરણ-ખંડણીની ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીટીવી કેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે. આ ઉપરાંત યુવતીનો કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ છે અને પકડાઈ નહીં જવાય તે માટે બંને જણા પોત પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મુકીને ગયા છે. નવા નંબરથી યુવતીના પિતાને ફોન કરી ખંડણીની માંગણી કરી ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાની આશંકા લાગી રહી છે. પોલીસે હાલ ચારેય દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

યુવતીના પ્રેમ પ્રકરણની વાત તેના પરિવારે પોલીસને છુપાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)
યુવતીના પ્રેમ પ્રકરણની વાત તેના પરિવારે પોલીસને છુપાવી હતી. (પ્રતિકાત્મક તસવીર)

યુવતી બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ હોવાની શક્યતા
વધુમાં સુત્રોએ જણાવ્યું હતું કે યુવતીના પ્રેમ પ્રકરણની વાત તેના પરિવારે પોલીસને છુપાવી હતી પરંતુ થોડા દિવસ પહેલા યુવકના પિતાએ મોબાઈલમાં ફોટા જોઈ લીધા હતા અને ગઈકાલે તે પણ ઘરેથી ગાયબ હોવાથી બંને જણા સાથે જ ભાગી ગયા હોવાની શક્યતા વધી જવા પામી છે.

ઘરેથી નીકળી તે પહેલા ફોન ફોર્મેટ માર્યો
યુવતી બુક લેવા ગઈ ત્યારે તેનો ફોન ઘરે જ મુકી ગઈ હતી. તેથી તેના પિતાએ ફોન ચેક કરતા ફોન ફોર્મેટ મારેલો હતો. તેના ફોનમાં કોઈ રેકોર્ડ મળ્યા ન હતા. તેથી કોની સાથે સંપર્કમાં હતી છેલ્લે કોની સાથે વાત કરી હતી તે માહિતી પોલીસને મળી નથી. સવા છ વાગે ઘરેથી ગયાના માત્ર 54 મિનિટ પર અપહરણકર્તાનો ફોન આવ્યો હતો. આ બધી બાબતો શંકા ઉપજાવનારી છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે મોબાઈલ ફોર્મેટ મારતા તે જાતે ગઈ હોઈ શકે. તેના મિત્રોની પણ તપાસ ચાલુ છે.