હોબાળો:સુરતની વીર નર્મદ યુનિ.માં પેપર ચેકીંગ મુદ્દે વિદ્યાર્થીઓએ ઘેરાવો કર્યો,વહીવટી ભવનના ગેટ ઉપર તાળાબંધી કરાઈ

સુરત3 મહિનો પહેલા
વિદ્યાર્થીઓએ વહીવટી ભવનનો ઘેરાવો કરી લેતા વાતાવરણ ખૂબ જ તંગ થયું હતું
  • પેપર રી-એસેસમેન્ટ સહિતના મુદ્દાઓને લઈને તત્કાળ પગલા લેવાની માંગણી કરવામાં આવી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર પરીક્ષા પ્રક્રિયામાં અનેક છબરડાઓ સમયાંતરે બહાર આવતા હોય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા ઉગ્ર રીતે માગણી કરીને હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો. વહીવટી ભવનનો ઘેરાવો કરી લેતા વાતાવરણ ખૂબ જ તંગ થયું હતું. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ સહિત અન્ય આપના નેતાઓ પણ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં.

આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ સહિત અન્ય આપના નેતાઓ પણ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ સહિત અન્ય આપના નેતાઓ પણ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં

8 વિષયમાં નાપાસ રી-એસેસમેન્ટમાં પાસ થયો
આમ આદમી પાર્ટી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રી-એસેસમેન્ટને લઈને થયેલા છબરડાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, એક વિદ્યાર્થીને 8 વિષયોમાં નાપાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે રી-એસેસમેન્ટ કરાયું તો તે તમામ વિષયની અંદર પાસ થયો હતો. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ માટે શરમજનક બાબત એ છે કે, નાની સરખી ક્યારેક કોઈ ભૂલ માનવ સહજ રીતે થઈ જાય એ સ્વીકારી શકાય.આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ કહ્યું કે, પરીક્ષા વિભાગની મોટી બેદરકારી છે, અને સંબંધિત વ્યક્તિની સામે તાત્કાલિક અસરથી પગલા લેવા જોઈએ. પરંતુ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ચાલતી લાલીયાવાડીને કારણે આવી બેદરકારી રાખનાર જવાબદાર વ્યક્તિ સામે કોઈ પગલાં લેવાતા નથી.

પરીક્ષા વિભાગની મોટી બેદરકારી સામે આવતાં વિદ્યાર્થીઓએ ધૂન બોલાવી હતી.
પરીક્ષા વિભાગની મોટી બેદરકારી સામે આવતાં વિદ્યાર્થીઓએ ધૂન બોલાવી હતી.

સુત્રોચ્ચાર કરાયા
CYSS દ્વારા આજે સમગ્ર યુનિવર્સિટીને માથે લેવામાં આવી હતી. કાર્યકરોએ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં એકત્રીત થઈને વાઇસ ચાન્સેલર અને રજીસ્ટારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. રજીસ્ટર દેખાતાની સાથે તમામ વિદ્યાર્થીઓએ તેમનો ઘેરાવ કરીને તેમની કામગીરીને લઇને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. યુનિવર્સિટીની વહીવટી બિલ્ડિંગમાં અંદરથી તાળું મારી દેવાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ બહારના ગેટથી તાળું મારી દીધું હતું.

પેપર તપાસનાર દ્વારા ભૂલ કરવામાં આવી હોવાથી કાર્યવાહીની માગ કરાઈ છે.
પેપર તપાસનાર દ્વારા ભૂલ કરવામાં આવી હોવાથી કાર્યવાહીની માગ કરાઈ છે.

તાળાબંધી કરાઈ
CYSSના મહામંત્રી વિવેક પટોડીયા જણાવ્યું કે, જે પેપર તપાસનાર દ્વારા ભૂલ કરવામાં આવી છે. તેની સામે તાત્કાલિક અસરથી પગલા લેવા જરૂરી છે. પરીક્ષા વિભાગમાં ચાલતી ગેરરીતિ અંગે તાત્કાલિક સખત નિયમો બનાવીને ગેરરીતિ આચરવાનું બંધ કરવામાં આવે. કુલપતિએ તમામ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે ન્યાય મળે તે પ્રકારની પરીક્ષા વિભાગની કામગીરીને તૈયાર કરવી જરૂરી છે. અમે જ્યારે અમારી રજૂઆત કરવા માટે કુલપતિ પાસે જતા હતા. ત્યારે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડીંગના અંદરના ભાગે તાળુ મારી દેવામાં આવ્યું હતું. તેથી અમે લોકોએ પણ બહારથી તાળું લગાવ્યું છે.પરીક્ષા વિભાગ વિદ્યાર્થીઓ અને ન્યાય આપવામાં નિષ્ફળ થઇ રહી છે. એ વાત ચોક્કસ છે.