આપઘાત:સુરતમાં BScના ત્રીજા વર્ષના વિદ્યાર્થીએ ઘરને અંદરથી બંધ કરી ફાંસો ખાધો, પરિક્ષાના પૂર્વે જ અંતિમ પગલું ભર્યું

સુરતએક મહિનો પહેલા
પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો ઈનસેટમાં મૃતકની ફાઈલ તસવીર.
  • પરિવાર સગાઈના પ્રસંગમાં ગયો અને દીકરાએ ઘરે એકલતાનો લાભ લઈ અંતિમ પગલું ભર્યું

સુરતમા પી. ટી. સાયન્સ કોલેજના Bscના ત્રીજા વર્ષના એક વિદ્યાર્થીએ ઘરને અંદરથી બંધ કરી ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આપઘાત કરનાર જીતેશ અભ્યાસમાં હોશિયાર હોવાનું જાણવા મળ્યું છે. સગાઈના પ્રસંગમાં ગયેલા પરિવારની ગેરહાજરીમાં જીતેશના આવા અંતિમ પગલાંને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક જીતેશની આજે પરિક્ષા હતી. જેની તે તૈયારી કરી રહ્યો હતો.

પરિવારને દીકરો લટકતી હાલતમાં મળી આવ્યો.
પરિવારને દીકરો લટકતી હાલતમાં મળી આવ્યો.

પરિવારને દીકરાનો લટકતો મૃતદેહ મળ્યો
મનીષ પાત્ર (મોટાભાઈ) એ જણાવ્યું હતું કે બે ભાઈ અને એક બહેનમાં જીતેશ બીજા નંબરનો ભાઈ હતો. પિતા સંચા કારીગર છે અને પોતે માર્કેટમાં એકાઉન્ટ લખવાની કામગીરી કરી રહ્યા છે. રવિવારની સાંજે ઘરે આવ્યા બાદ બારીમાંથી જીતેશનો લટકતો મૃતદેહ જોઈ દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા પરિવારના હોંશ ઉડી ગયા હતા. જીતેશે પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાધો હતો.

પરીક્ષાની તૈયારી કરવા માટે ઘરે રહ્યો ને ફાંસો ખાઈ લીધો
વધુમાં જણાવ્યું હતું કે આજે જીતેશની પરીક્ષા હતી. રવિવારે પિતરાઈ બહેનના સાસરિયામાં સગાઈનો પ્રસંગ હતો. આખો પરિવાર ત્યાં ગયો હતો. જોકે જીતેશ પરીક્ષાની તૈયારીને લઈ આવ્યો ન હતો. પાડોશીના ફોન આવ્યા બાદ ઘરે આવેલા પરિવારે જીતેશનો ફોન કર્યા, દરવાજા ખખડાવ્યા અને બેલ પણ વગાડ્યા છતાં કોઈ રિસ્પોન્સ ન મળતા આખરે બારીમાંથી જોતાતા જીતેશ પંખા સાથે લટકી રહ્યો હતો. આ જોઈ તાત્કાલિક દરવાજો તોડી એને નીચે ઉતાર્યો હતો. સ્મીમેર લઈ જતા મૃત જાહેર કરાયો હતો. જીતેશના આપઘાત પાછળ અનેક પ્રશ્નો ઉભા થયા છે. મોબાઈલ પોલીસે જપ્ત કર્યો છે. મિત્રો કશું પણ બોલવા તૈયાર નથી. બસ આપઘાતનું કારણ પણ ખબર પડે તો કઈ સમજ પડે.