અઠવાડિયા પહેલાં ગુમ થયેલી સુરતના વરાછાની સીએ યુવતીને પોલીસે તેના પ્રેમી સાથે દિલ્હીમાં બસમાંથી પકડી પાડી હતી. જોકે આ ઘટનામાં પ્રેમિકાના પરિવારને ગેરમાર્ગે દોરવા માટે પ્રેમીએ જ ફોન કરી 10 લાખની ખંડણી માગી હતી. એટલું જ નહીં, બંનેએ ભાગ્યા પછી પોલીસ ટ્રેસ ન કરી શકે એ માટે 5 સિમકાર્ડ અને સાદાફોન પણ લીધાં હતાં અને તેઓ કોઇપણ જગ્યાએ 12 કલાકથી વધુ સમય રોકાતાં ન હતાં.
દિલ્હીમાં આગ્રા-મથુરા રોડના ટોલનાકા પર ચાલુ બસમાંથી પકડાયાં
વરાછા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય સીએની વિદ્યાર્થિની શ્વેતા (નામ બદલ્યું છે) અઠવાડિયા પહેલાં ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી. ત્યાર બાદ અજાણ્યા નંબરથી આવેલા ફોનથી શ્વેતાના પિતા પાસે શ્વેતાને જીવતી જોવી હોય તો 10 લાખ આપવા પડશે, કહી ખંડણી મગાઇ હતી. આ મામલે વરાછા પોલીસે ગુનો દાખલ તપાસ કરતાં શ્વેતા અને તેનો પ્રેમી દિલ્હીમાં આગ્રા-મથુરા રોડના ટોલનાકા પર ચાલુ બસમાંથી પકડાયાં હતાં.
બંનેએ પરિવારમાં લગ્નની વાત કરતાં મંજૂરી મળી ન હતી
પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે શ્વેતા જ્યાં સીએનો અભ્યાસ કરતી હતી ત્યાં આકાશનો મિત્ર પણ અભ્યાસ કરતો હોવાથી તે તેને મળવા જતો હતો. ત્યાં આકાશ અને શ્વેતા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અઢી વર્ષ બાદ બંનેએ પરિવારમાં લગ્નની વાત કરતાં તેમને મંજૂરી મળી ન હતી, જેથી બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઘરેથી ભાગવા માટે 3 મહિના પહેલાં યોજના બનાવી હતી.
પોલીસ મોબાઇલ ટ્રેસ ન કરી શકે એ માટે સાદા ફોન ખરીદ્યા
આકાશને 21 વર્ષમાં દોઢ મહિનો બાકી હોવાથી મૈત્રી કરાર કરીને ભાગવાનું નક્કી કર્યું હતું. તેમણે એક વીડિયોમાં જોયું હતું કે પોલીસ મોબાઇલ ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી શકે છે, જેથી બંનેએ 5 સિમ અને 5 સાદા ફોન પણ લીધાં હતાં. બંને કોઇપણ સ્થળે 12 કલાકથી વધુ ન રોકાતાં.
લગ્ન કર્યા બાદ રાજસ્થાનમાં જ રહેવાનાં હતાં
સુરતથી બસમાં ચિત્તોડગઢ ગયાં, ત્યાંથી મંદસોર થઇને ઇન્દોર અને વાયા આગ્રા દિલ્હી પહોંચ્યાં હતાં. પોલીસ પકડે નહીં એ માટે લાંબા અંતરની બસમાં મુસાફરી કરતાં હતાં. બંને ગુજરાત પરત ફરવા માગતા ન હતા. થોડોક સમય અલગ-અલગ શહેરોમાં રોકાઇને કાયમ માટે રાજસ્થાનના જ કોઇ નાના ગામ કે ટાઉનમાં વસી જવાનાં હતાં.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.