પ્રેમ ભારે પડ્યો:સુરતની CAની વિદ્યાર્થિની પ્રેમી સાથે ભાગી પિતા પાસે ખંડણી માગી, પોલીસે પકડીને પ્રેમી સાથે જેલમાં નાખી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‌પરિવારે લગ્નની ના પાડતાં વરાછાની યુવતી પ્રેમી સાથે ભાગી હતી
  • રત્નકલાકાર પિતા પાસે 10 લાખની ખંડણી પણ માગવામાં આવી હતી

રાજસ્થાની યુવક સાથે પ્રેમ થયા બાદ પરિવારે લગ્નની મંજૂરી ન આપતાં પ્રેમી સાથે સુરતના વરાછાની સીએ યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસ અને પરિવારને ગેરમાર્ગે દોરવા પોતાનું અપહરણ થયાનું નાટક રચી પિતા પાસે 10 લાખની ખંડણી માગી હતી. પ્રેમી-પંખાડીને દિલ્હીથી ઝડપી પાડી સુરત લાવ્યા બાદ અપહરણના બહાને ખંડણી માગવાના ગુનામાં પોલીસે પ્રેમી-પંખીડાંની ધરપકડ કરી છે.

ખંડણી માગી ફોન બંધ કરી દીધો હતો
વરાછામાં ડાહ્યા પાર્ક વિસ્તારમાં રહેતી 20 વર્ષીય શ્વેતા (નામ બદલ્યું છે) સી.એ. નો અભ્યાસ કરે છે. અઠવાડિયા પહેલાં તે તેના રાજસ્થાની પ્રેમી આકાશ સાથે ભાગી ગઈ હતી. પરિવાર અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે શ્વેતા અને આકાશે કાવતરું ઘડીને અજાણ્યા નંબર પરથી શ્વેતાના રત્નકલાકાર પિતાને ફોન કરીને શ્વેતા જીવતી જોઈતી હોય તો 10 લાખ આપવા પડશે, કહી ખંડણી માગી હતી. ત્યાર બાદ ફોન બંધ કરી દીધો હતો.

પ્રેમી-પંખીડાં સુરતમાં બસ સ્ટેશન સુધી એક્ટિવા લઈને ગયાં હતાં.
પ્રેમી-પંખીડાં સુરતમાં બસ સ્ટેશન સુધી એક્ટિવા લઈને ગયાં હતાં.

પ્રેમી-પંખીડાં દિલ્હીથી ઝડપાતાં સુરત લવાયાં
વરાછા પોલીસે અપહરણ અને ખંડણીનો ગુનો દાખલ કર્યો કર્યો હતો. ત્યાર બાદ પ્રેમી-પંખીડાં સીસીટીવીમાં પણ કેદ થઈ ગયાં હતાં. સીસીટીવી આધારે પોલીસ બંનેને શોધી રહી હતી. ચાર દિવસના મહેનતના અંતે શ્વેતા અને આકાશ ખટીક દિલ્હીમાં આગ્રા રોડ પર ટોલનાકા પાસે ચાલતી બસમાંથી ઝડપાયાં હતાં. પોલીસ બંનેને દિલ્હીથી લઈ આવી હતી.

દિલ્હીથી પ્રેમી-પંખીડાં ઝડપાયાં.
દિલ્હીથી પ્રેમી-પંખીડાં ઝડપાયાં.

અપહરણના બહાને ખંડણી માગવાના ગુનામાં ધરપકડ
ખરેખર ખંડણી કોઈ અસામાજિક તત્ત્વ નહીં, પરંતુ શ્વેતા અને આકાશે જ માગી હોવાનું સ્પષ્ટ થયું હતું. તેથી પોલીસ અધિકારીઓ દ્વિધામાં હતા કે આ કેસમાં આગળ કેવી રીતે વધવું. આખરે બંનેની ધરપકડ કરવાનો નિર્ણય લેવાયો હતો, એટલે પોલીસે શ્વેતા અને આકાશના શ્વેતાના અપહરણના બહાને ખંડણી માગવાના ગુનામાં ધરપકડ કરી છે.

પ્રેમી-પંખીડાંને પોલીસ સુરત પરત લઈ આવી.
પ્રેમી-પંખીડાંને પોલીસ સુરત પરત લઈ આવી.

ઘટના શું હતી?
વરાછા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય સીએની વિદ્યાર્થિની શ્વેતા અઠવાડિયા પહેલાં ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી. ત્યાર બાદ અજાણ્યા નંબરથી આવેલા ફોનથી શ્વેતાના પિતા પાસે શ્વેતાને જીવતી જોવી હોય તો 10 લાખ આપવા પડશે, કહી ખંડણી મગાઇ હતી. આ મામલે વરાછા પોલીસે ગુનો દાખલ તપાસ કરતાં શ્વેતા અને તેનો પ્રેમી દિલ્હીમાં આગ્રા-મથુરા રોડના ટોલનાકા પર ચાલુ બસમાંથી પકડાયાં હતાં.

સુરત લાવ્યાં બાદ અપહરણના બહાને ખંડણી માગવાના ગુનામાં ધરપકડ કરાઈ.
સુરત લાવ્યાં બાદ અપહરણના બહાને ખંડણી માગવાના ગુનામાં ધરપકડ કરાઈ.

બંનેએ પરિવારમાં લગ્નની વાત કરતાં મંજૂરી મળી ન હતી
પૂછપરછમાં બંનેએ જણાવ્યું હતું કે શ્વેતા જ્યાં સીએનો અભ્યાસ કરતી હતી ત્યાં આકાશનો મિત્ર પણ અભ્યાસ કરતો હોવાથી તે તેને મળવા જતો હતો. ત્યાં આકાશ અને શ્વેતા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અઢી વર્ષ બાદ બંનેએ પરિવારમાં લગ્નની વાત કરતાં તેમને મંજૂરી મળી ન હતી, જેથી બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઘરેથી ભાગવા માટે 3 મહિના પહેલાં યોજના બનાવી હતી.

બંનેએ 5 સિમ અને 5 સાદા ફોન પણ લીધાં હતાં.
બંનેએ 5 સિમ અને 5 સાદા ફોન પણ લીધાં હતાં.

પોલીસ મોબાઇલ ટ્રેસ ન કરી શકે એ માટે સાદા ફોન ખરીદ્યા
આકાશને 21 વર્ષમાં દોઢ મહિનો બાકી હોવાથી મૈત્રી કરાર કરીને ભાગવાનું નક્કી કર્યું હતું. તેમણે એક વીડિયોમાં જોયું હતું કે પોલીસ મોબાઇલ ટ્રેસ કરીને આરોપી સુધી પહોંચી શકે છે, જેથી બંનેએ 5 સિમ અને 5 સાદા ફોન પણ લીધાં હતાં. બંને કોઇપણ સ્થળે 12 કલાકથી વધુ ન રોકાતાં.

લગ્ન કર્યા બાદ રાજસ્થાનમાં જ રહેવાનાં હતાં
સુરતથી બસમાં ચિત્તોડગઢ ગયાં, ત્યાંથી મંદસોર થઇને ઇન્દોર અને વાયા આગ્રા દિલ્હી પહોંચ્યા હતા. પોલીસ પકડે નહીં એ માટે લાંબા અંતરની બસમાં મુસાફરી કરતાં હતાં. ભાગીને લગ્ન કરી બંને ગુજરાત પરત ફરવા માગતાં નહોતાં. થોડોક સમય અલગ-અલગ શહેરોમાં રોકાઇને કાયમ માટે રાજસ્થાનના જ કોઇ નાના ગામ કે ટાઉનમાં વસી જવાનાં હતાં.