તપાસ:બુડિયા તળાવમાં વિસર્જન વેળા છાત્રનું ડૂબી જતાંં મોત, સિવિલમાં 25થી વધુ ઘાયલ આવ્યા

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ તળાવમાં ઝંપલાવી પુત્રને બહાર કાઢ્યો, સિવિલમાં મૃત જાહેર કરાયો

પાંડેસરા વડોદ આવાસથી જીઆવ બુડીયા ખાતે ગણપતી વિસર્જન કરવા માટે પરિવાર સાથે ગયેલા ધોરણ-10ના વિદ્યાર્થીનું તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું હતું. શ્રીજી પ્રતિમા લઈ તળાવ તરફ ગયેલો પુત્ર નજરે ન પડતા પિતાએ તાત્કાલિક તળાવમાં ઝંપલાવી શોધખોળ હાથ ધરતા વિદ્યાર્થી તળાવના પાણીમાંથી મળી આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

મધ્યપ્રદેશના રીવાનાના વતની અને પાંડેસરા વડોદ આવાસમાં રહેતા અરૂણકુમાર દાહિયા ડાઈંગ મીલમાં લેબર કોન્ટ્રાક્ટર છે. તેમનો પુત્ર સુજીત ઉર્ફે નિખીલ(17) પાંડેસરાની સરસ્વતી ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં ધોરણ -10માં અભ્યાસ કરતો હતો. શુક્રવારે બપોરે અરૂણભાઈ અને તેમના પરિવારજનો ગણેશ વિસર્જન માટે બુડીયા ખાતે આવેલા તળાવે ગયા હતા.

દરમિયાન અરૂણભાઈ અને તેમના પરિવાર તેમજ સંબંધીઓ મૂર્તિ લઈ તળાવમાં વિસર્જન કરવા ગયા હતા. જ્યાં અચાનક તેમનો પુત્ર સુજીત તળાવમાં ડૂબી ગયો હતો. પુત્ર તળાવમાં ડૂબી ગયો હોવાની આશંકાને પગલે અરૂણભાઈએ તાત્કાલિક તળાવમાં ઝંપલાવી સુજીતની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તળાવના પાણીમાંથી સુજીત ડૂબી ગયેલી હાલતમાં મળતા તેને સિવિલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ વિસર્જનના દિવસે સવારથી સાંજ સુધી ઈજાગ્રસ્તોનો સતત ધસારો મળ્યો હતો. ગણેશ યાત્રામાં નાચતા નાચતા પટકાવાના, દારૂના નશામાં અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. દિવસ દરમિયાન આવા 25થી વધુ વ્યક્તિઓ ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.

નિયોલ નજીક ટેમ્પો પલટી જતા 10ને ઈજા
વરેલીથી ગણેશ વિસર્જન કરવા માટે ટેમ્પોમાં 6 બાળકો સહિત 20થી વધુ લોકો નિયોલ તળાવ ગયા હતા. વિસર્જન કરી ટેમ્પોમાં પરત ફરતી વખતે તળાવથી થોડાક જ અંતરે ટેમ્પોના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પોમાં સવાર 20 વ્યક્તિઓ પૈકી 10થી વધુને નાની મોટી ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા મુન્ની રાઉત(34)પાયલ રાઉત(23)અને આલોક સિંગ(13)ને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા.

વિસર્જનમાં 2 ફોન ચોર પકડાયા,એકને લોકોએ માર્યો
વિસર્જનમાં કુવાડા ત્રણ રસ્તા પાસેથી એક ફોન ચોર ઝડપાયો હતો, જેને તૈનાત પોલીસને સોંપ્યો હતો. તો ડુમસ ઓવારા પાસેથી પણ ચોર પકડાયો હતો. લોકોએ તેને મારી છોડી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...