યુવતીને ઝેરી કોફી પાઈ દીધી?:સુરતની કોફી શોપમાં યુવક-યુવતી બેભાન થઈ ગયાં, કોલેજિયન ગર્લનું મોત; વિધર્મી યુવક ફરાર, મૃતદેહની અંતિમવિધિ કરવાનો પરિવારજનોનો ઈન્કાર

સુરત5 દિવસ પહેલા
બેભાન વિદ્યાર્થીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા, જ્યાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાઈ હતી.(ફાઈલ તસવીર)
  • કોફી શોપમાં બે કલાક બાદ તપાસ કરતાં બન્ને કોલેજિયન બેભાન મળ્યાં હતાં
  • બીએડની વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારે આરોપ મૂકતાં પોલીસે તપાસ આદરી

સુરતના વેસુની એક કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં. સિવિલમાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાતાં સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવતાં અનેક પ્રશ્નો ઊભા થયા છે. ઓડિશાવાસી પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી દીકરીની અંતિમ વિધિ કરીશું નહિ, સમાજ સાથે છે. દીકરીના પિતા મુંબઈથી સુરત આવતા કાળો કલ્પાંત કરી ન્યાયની માગ કરી હતી.

મૃતકની બહેનપણીઓએ કહ્યું, કોલેજમાં પણ યુવક હેરાન કરતો હતો.(ફાઈલ તસવીર)
મૃતકની બહેનપણીઓએ કહ્યું, કોલેજમાં પણ યુવક હેરાન કરતો હતો.(ફાઈલ તસવીર)

વિદ્યાર્થી નાસી ગયો
સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ઘટના સોમવારની મોડી સાંજની હતી.108 એમ્બ્યુલન્સમાં બે વિદ્યાર્થી-વિદ્યાર્થિને શંકાસ્પદ ઝેરી દવા પીધી હોવાની વાત સાથે સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. તપાસ કરતાં વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ સાંભળી સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી ભાગી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકનું નામ મધુસ્મિતા સુશાંત શાહુ (ઉં.વ 22) ડિંડોલીની રહેવાસી અને બીએડની વિદ્યાર્થિની હતી.

કોફી શોપમાંથી બન્નેને 108માં સિવિલ લઈ જવામાં આવ્યાં હતાં.
કોફી શોપમાંથી બન્નેને 108માં સિવિલ લઈ જવામાં આવ્યાં હતાં.

એકની એક દીકરીનું મોત
પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે મધુસ્મિતાના મોતના સમાચાર આઘાત સમાન હતા. એકની એક દીકરી હતી. સુરત ડિંડોલી રુક્મિણી પાર્કમાં રહેતા હતા. માતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી રહ્યા છે. પિતા નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. દીકરીએ ભગવાન મહાવીર કોલેજમાંથી બીએ પાસ કર્યા બાદ બીએડ કરવા કામરેજની કોલેજમાં પ્રવેશ લીધો હતો.

કોલેજ જવાનું કહીને નીકળેલી
મધુસ્મિતા બીએડના પ્રથમ વર્ષમાં જ હતી. સોમવારે સવારે ઘરેથી કોલેજ જવાનું કહીને નીકળી હતી. સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવાર ચિંતિત હતો. ફોન કરતાં મધુસ્મિતાનો ફોન બંધ આવતાં દોડધામ કરવા મજબૂર હતા. કામરેજ કોલેજ પર જતાં કોલેજ બંધ હતી. પોલીસની મદદ લેતાં જાણવા મળ્યું કે ખટોદરા પોલીસનો સંપર્ક કરો એવી સલાહ મળી હતી.

મૃતકના પિતરાઈ ભાઈએ સમગ્ર કેસમાં શંકા ઊભી કરી યોગ્ય તપાસની માગ કરી છે.
મૃતકના પિતરાઈ ભાઈએ સમગ્ર કેસમાં શંકા ઊભી કરી યોગ્ય તપાસની માગ કરી છે.

કોલેજમાં પણ હેરાન કરાતી
સોમવારે રાત્રે 12:30 વાગે NGO અને પોલીસે મધુસ્મિતાનું મોત થયું હોવાનું પરિવારને જણાવી કોલેજ બેગ અને મોપેડ આપી હતી. આ સાંભળી માતા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. મધુસ્મિતાના મોતને લઈ પરિવાર આશ્ચર્યમાં પડી ગયો હતો. અમારી દીકરી આપઘાત કેમ કરે એવા અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા. કોલેજમાં સાથે અભ્યાસ કરતો મદની નામનો વિધર્મી વિદ્યાર્થી બીએના છેલ્લા વર્ષમાં મધુસ્મિતાને મેસેજ કરી હેરાન પણ કરતો હતો. બહેનપણીઓએ રહસ્યો ખોલતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.

કોફી શોપમાં બે કલાકથી એકની એક જગ્યા પર બન્ને બેઠા રહ્યાં હતાં.
કોફી શોપમાં બે કલાકથી એકની એક જગ્યા પર બન્ને બેઠા રહ્યાં હતાં.

કોફી શોપમાં શંકા જતાં તપાસ
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે કોફી શોપના સંચાલકે કહ્યું કે બે કલાકથી એકની એક જગ્યા પર બેસેલા જોઈ શંકા જતાં પૂછવા ગયા ને બન્ને ટેબલ પર જ ઢળી પડ્યાં હતાં. તાત્કાલિક 108ને બોલાવી સિવિલ મોકલ્યા હતા. ઓડિશા પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.

3 કલાક ફોન બંધ રહેવા સહિત અનેક શંકા-પિતરાઈ
મૃતકના પિતરાઈ ભાઈ પરીક્ષિતે જણાવ્યું હતું કે મારી બહેન કોલેજ જવાનું કહીને ગુમ થઈ ગઈ હતી. અમે ફોન કરતાં પણ ફોન સતત બંધ આવતો, તપાસ કરી. આખરે પોલીસ સ્ટેશન ગયા,. ડિંડોલી. ત્યાંથી પોલીસે ફોન કર્યો તો ખટોદરા પોલીસ સ્ટેશન આવવા કહેવાયું હતું. આખરે તેનો મૃતદેહ મળ્યો. પણ ફોન 3 કલાક કેમ બંધ હતો એની સાથે આવેલો યુવક કોણ હતો. તે કેમ નાસી ગયો સહિતના અનેક સવાલો છે. સીસીટીવી કોફી શોપના ચેક થવા જોઈએ અને તમામ મુદ્દે યોગ્ય તપાસ થાય એવી અમારી માગ છે.

કોફી શોપની કેબિનમાં ઝેર અપાયાની આશંકા
કોફી શોપમાં ફેમિલી કેબિન બનાવ્યા હોવાનું અને યુવતી કોઈ યુવક સાથે કેબિનમાં બેસી હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં પણ બંધ કેબિનમાંથી શંકાસ્પદ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવેલી યુવતીને યુવકે ઝેરી દવા પીવડાવી કે, પછી પીધી હોય એવા અનેક પ્રશ્નો પોલીસ માટે તપાસનો વિષય બન્યા છે. એટલું જ નહીં પણ કોફી શોપમાં કેબિન પરવાનગી સાથે બન્યા કે ગેરકાયદેસર બન્યા એ પણ તપાસનો વિષય છે.

મૃતક યુવતીના સમાજના લોકો સિવિલ હોસ્પિટલ એકઠા થયા હતાં.
મૃતક યુવતીના સમાજના લોકો સિવિલ હોસ્પિટલ એકઠા થયા હતાં.

ભાગી ગયેલો યુવક પિતા સાથે અલગ રહે છે
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિનીના રહસ્યમય મોત કેસમાં સિવિલમાંથી સારવાર અધૂરી છોડી ભાગી ગયેલો વિધર્મી યુવકની જનતા માર્કેટમાં મોબાઇલ શોપ હોવાનું અને પિતા સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ પત્ની સાથેના વાત વિવાદ બાદ પિતા-પુત્ર એકલા રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

આશાસ્પદ દીકરીના શંકાસ્પદ મોતને લઈને માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
આશાસ્પદ દીકરીના શંકાસ્પદ મોતને લઈને માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધ્યો
સુરત પોલીસ ડીસીપી-3ના ઈન્ચાર્જ કિશોર બળોલીયાએ જણાવ્યું હતું કે, યુવક અને યુવતી બેભાન મળ્યા બાદ સિવિલમાં યુવતીનું મોત થયું છે. આ અંગે હાલ અકસ્માત મોતનો ગુનો પ્રાથમિક તબક્કે દાખલ કરવામાં આવ્યો છે.સાથે પેનલ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી ચાલી રહે છે. મોતના સ્પષ્ટ કારણ અને વધુ તપાસ બાદ કલમ વધારવામાં આવશે.

પિતાએ ન્યાયની માગ સાથે મૃતદેહ ન સ્વીકારવાની વાત કરી હતી.
પિતાએ ન્યાયની માગ સાથે મૃતદેહ ન સ્વીકારવાની વાત કરી હતી.

મૃતદેહ સ્વીકારવા ઈન્કાર
મૃતક યુવતીના પિતા સુશાંત શાહુએ જણાવ્યું હતું કે, 24 કલાક થઈ ગયા હજી યુવક પકડાયો નથી, બસ આ કેસની તપાસ DCBને સોંપાય અને અમને ન્યાય મળે એ જ ઈચ્છા છે.જ્યાં સુધી યુવકની ધરપકડ ન થાય ત્યાં સુધી અમે અંતિમ વિધિ માટે મૃતદેહ નહિ સ્વીકારીએ.

તંત્રની લાપરવાહીના આક્ષેપ
વિદ્યાર્થીનિના શંકાસ્પદ મોત કેસમાં સાથી વિદ્યાર્થી ટ્રોમાં સેન્ટરના ICUવોર્ડમાંથી ભાગી જવાના પ્રકરણમાં પરિવારે સિવિલ તંત્રની લાપરવાહીને જવાબદાર ગણાવી છે. એટલું જ નહીં પણ 108માં બન્નેને સાથે લવાયા બાદ મૃત જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ યુવક ભાગી જતા ટ્રોમાં સેન્ટરના ડોક્ટરો અને પરિચારિકાઓ સામે પણ પરિવારે આરોપ લગાડ્યો છે.

પ્રાથમિક તપાસમાં મોતનું કારણ ઝેરી દવા હોય શકે
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મોતનું કારણ ઝેરી દવા હોય શકે છે. જોકે ચોક્કસ કારણ જાણવા માટે હિસ્થોપેથો અને બીજા સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.