દિવ્ય ભાસ્કરના અહેવાલને પગલે સુરત પોલીસે હવે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. પહેલાં નાણા ધીરનાર અધિનિયમ કલમ 40 અને 42 મુજબ કાર્યવાહી કરાતી હતી. જેમાં વ્યાજખોરો ગણતરીના કલાકમાં જ પોલીસ સ્ટેશનમાં જામીન પર છુટ્ટી જતા હતા. ખરેખર તો ખંડણી અને ધાક-ધમકીની કલમો હેઠળ ગુનો દાખલ કરવાની જરૂર હતી.
તો જ આ વ્યાજનો ગેરકાયદે ધંધો અટકી શકશે. જોકે, હવે સફાળે જાગેલી પોલીસે જામીન મળવા મુશ્કેલ બને તેવી કલમો લગાવવાની શરૂઆત કરી છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે જે વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે તેઓ જો પાછો ગેરકાયદે વ્યાજનો ધંધો કરશે તો પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે આવા વ્યાજખોરોની સામે પોલીસ નજર પણ રાખશે. છેલ્લા બે દિવસમાં તારીખ 9 અને 10મી સુરત પોલીસે 67 ગુનાઓ વ્યાજખોરો સામે દાખલ કર્યા હતા. જેમાંથી 27 ગુનાઓ ખંડણી અને ધાક-ધમકીના દાખલ કર્યા છે. પોલીસે બે દિવસમાં 50થી વધુ વ્યાજખોરોને પકડી પાડયા છે.
જરૂરિયાતમંદ લોકોનું લોહી ચુસી લેનારા વ્યાજખોરો પોલીસના હાથે પકડાતાં જ મોઢું છૂપાવવા લાગ્યા
વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો
1. વ્યાજખોરોમાં પ્રિન્સ, દિલીપ, યોગેશ દશરથ પટેલે મજૂરને 20 હજાર 16 ટકા વ્યાજે આપી બાદમાં પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી કરી હતી.
2. રાજુ નામના વ્યાજખોર 54 વર્ષના આધેડને 35 હજાર 10 ટકા વ્યાજે આપી ધમકાવતો હતો.
3. ઉધનામાં વ્યાજખોર દંપતી નિધિ હરસુક સોનીગ્રા અને તેના પતિ હરસુકને 40 હજાર 10 ટકા માસિક વ્યાજે આપી મકાન લખાવી લીધું હતું.
4. ડિંડોલીના વ્યાજખોર કૈલાશ ભીખા સોનકુશલે અને વિક્કી 70 વર્ષના વૃદ્વને 10 હજાર 20 ટકા વ્યાજે આપ્યા હતા. વૃદ્વ રોજ 250 રૂપિયા આપતો હતો. થોડા સમય પછી રૂપિયા ન ચુકવી શકતા તેના હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી
5. પાંડેસરાના વ્યાજખોર પવન અગ્રવાલ પાસેથી ટ્રાવેલ્સ એજન્ટે 1.80 લાખ 4 ટકા વ્યાજે લીધા હતા. 1 લાખ આપ્યા બાદ બાકીના આપવામાં મુશ્કેલી થતા વ્યાજખોરે ખિસ્સામાંથી 5 હજાર કાઢી લીધા હતા. એટલું જ નહિ વ્યાજખોર ઉઘરાણી માટે મહિલાઓને ઘરે મોકલતો હતો.
6. વરાછાના વ્યાજખોર ચંપક ઈટાલીયાએ રિક્ષાચાલકને 15 હજાર ઊંચા વ્યાજે આપ્યા હતા. 4 હપ્તા બાકી રહેતા વ્યાજખોર હાથ-પગ તોડી નાખવાનું કહી પઠાણી ઉઘરાણી કરતો.
7. મહેસાણાના વ્યાજખોર દંપતી ધર્મન્દ્ર કનુ પટેલ અને તેની પત્ની નેહાએ વેસુમાં એક હોટેલના માલિકને ધંધા માટે 20 ટકાના વ્યાજે 2.60 લાખ આપ્યા હતા. વ્યાજ સાથે રકમ ચુકવવા છતાં 1 લાખ માટે પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. બેંકમાં ચેક નાંખી બાઉન્સ કરાવી કોર્ટમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી
8. રાંદેરના યુવકે 32 હજાર માટે ડભોલીના વ્યાજખોર મયુર અને ભોલાએ 1 લાખની પઠાણી ઉઘરાણી કરી પરિવારને ધાક-ધમકી આપતા હતા.
9. ઉધનાના વ્યાજખોર અજય સોલંકીએ ‘જો મેરે પૈસે નહી દોગે, તો યે ચાકુ સે માર દુંગા’ એમ કહી પાલના યુવકને ધમકી આપી હતી.
10. અમરોલી-કોસાડના વ્યાજખોર જગદીશ ગોધામ પાસેથી વેપારીએ 5 લાખ ઊંચા વ્યાજે લીધા હતા. તેની સામે દુકાનની ફાઇલ અને 3 કોરા ચેકો આપ્યા હતા. વ્યાજ ચુકવવા છતાં વ્યાજખોરો 5 વર્ષ સુધી 15 હજાર માંગી ધમકી આપતા.
11. અમરોલીમાં અલ્ફા જવેલર્સના અશોક સોની પાસેથી ઝવેરીએ 80 હજાર ઊંચા વ્યાજે લઈ 1.89 લાખ ચુકવી દીધા હતા. છતાં 1 લાખની પઠાણી ઉઘરાણી કરી હત્યાની ધમકી આપી હતી
12. જહાંગીરપુરાના વ્યાજખોર દિવ્યેશ પટેલ પાસેથી જહાંગીરપુરાના યુવકે 75 હજારની વ્યાજે લીધા હતા. 61400 અને 5 ગ્રામની સોનાની ચેઇન પડાવવા છતાં પઠાણી ઉઘરાણી કરતો હતો
13. સચીનના વ્યાજખોર તેજલ પટેલે રિક્ષાચાલકને 10 હજાર આપ્યા હતા. વ્યાજ સાથે પેનલ્ટી મારી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હતી
14. સચીનના વ્યાજખોર ઈન્દ્રપાલ પાસેથી વેપારીએ 50 હજાર વ્યાજે લીધા હતા. વ્યાજ સાથે રૂપિયા ચુકવી દેવા છતાં વેપારીને ધંધો નહીં કરવા દેવાની ધમકી આપી હતી.
15. લિંબાયતના વ્યાજખોર જાબીર શેખ પાસેથી યુવકે 3 લાખ લીધા હતા, જેમાં 1.28 લાખની ઉઘરાણી કરવા ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.