સુરત શહેર એનએસયુઆઇએ વાડીયા વુમન્સ કોલેજના આચાર્ય અને કોમર્સ ફેકલ્ટીના ડિન સહિત અન્ય જવાબદાર સામે પેપરલીક કરનારને આવતીકાલની સિન્ડિકેટની મિટીંગમાં યુનિવર્સિટી એક્ટની જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરી તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. એનએસયુઆઇ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને લેખિતમાં અરજી કરીને વિદ્યાર્થીઓના હિતમાં ન્યાય કરવા માટે માગણી કરવામાં આવી છે. જો દોષિતોને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો એનએસયુઆઇ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આવતીકાલે સિન્ડિકેટની સભામાં દોષિતો પગલાં લેવાની શક્યતા
એનએસયુઆઇ દ્વારા વાડિયા વુમન્સ કોલેજમાં કોમર્સનું પેપરલીક થઈ ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેમાં તપાસ કરતા આખરે યુનિવર્સિટી દ્વારા પેપર સમય કરતા પહેલા ખુલી ગયું હોવાની વાત સ્વીકારવામાં આવી હતી. આ બાબતે ફેક્ટ કમિટીની રચના કરવામાં આવી હતી. આવતીકાલે સિન્ડિકેટની સભામાં દોષિતો સામે પગલા લેવા માટેનો નિર્ણય લેવામાં આવનાર છે. વાડિયા વુમન્સ કોલેજના આચાર્ય અને વિભાગીય વડાને કારણે 26 હજાર વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવાની ફરજ પડી હતી.
યુનિવર્સિટી એક્ટ હેઠળ કડકમાં કડક સજા કરવાની માગ
એનએસયુઆઇ પ્રમુખ મયુર ધાણેકર જણાવ્યું કે વાડિયા વુમન્સ કોલેજના આચાર્ય અને કોમર્સ વિભાગના ડીન દ્વારા તેમજ અન્ય દોષિતોને કારણે પેપરલીક થયું હતું. અમને શંકા છે કે આવતીકાલે મળનારી સિન્ડિકેટની બેઠકમાં કેટલાક સિન્ડિકેટ સભ્યો દોષિતને બચાવવાનો પ્રયાસ કરશે. કારણકે સિન્ડિકેટ સભ્યોને આ લોકો દ્વારા મત આપવામાં આવ્યા છે. કુલપતિને અમે માગ કરી છે કે પેપરલીક કાંડના દોષિતો સામે યુનિવર્સિટી એક્ટ હેઠળ કડકમાં કડક સજા કરવામાં આવે નહીં તો અમે આંદોલન કરી વિદ્યાર્થીઓને હકની લડાઈ આગળ લડીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.