સુરતમાં પોલિએસ્ટરમાંથી બનતી મેખલા સાડી પર આસામ સરકારે પ્રતિબંધને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. આ બાબતને લઈને સાકેત ગ્રુપ દ્વારા બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રજૂઆત કરી હતી.
દિવાળી પહેલાથી જ ટેક્સટાઈલ ઉદ્યોગ મંદીમાં ઘેરાઈ ચૂક્યો છે, લગ્ન સિઝન પણ ફેઈલ ગઈ હતી. આસામી સિલ્કની પરંપરાગત સાડી મેખલા સુરતના વેપારીઓ દ્વારા પોલિએસ્ટરમાંથી બનાવે છે. આ સાડીને આસામ સરકારે બેન કરી દીધી છે. આ સાડી આસામની હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન કરશે તેવું કારણ આપીને પ્રતિબંધિત કરાઈ હતી. જેથી સુરતના ઉદ્યોગકારોને આર્થિત ફટકો પડવાની સંભાવના છે.
જેને લઈને સાકેત ગ્રુપ દ્વારા બીજેપી પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને રજૂઆત કરી હતી કે, આ પ્રતિબંધ તાત્કાલિક હટાવવામાં આવે. સાકેત ગ્રુપના આગેવાનોએ કહ્યું હતું કે, ‘હાલ 100 કરોડથી વધારેની મેખલા સાડીનો સ્ટોક પડ્યો હશે તો પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો હાલ 100 કરોડનું વેપારીઓને નુકસાન જશે પરંતુ આગામી દિવસોમાં વેપારીઓનો વાર્ષિક 1200 કરોડથી વધુના વેપાર પર અસર થશે.’ આ બાબતને લઈને ગુજરાત વિવર્સ વેલ્ફેર એસો. (ફોગવા) દ્વારા પણ કેન્દ્રિય રાજ્ય કક્ષાના ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશને દિલ્હીમાં જઈને રજૂઆત કરવામાં આવશે.’
ગુજરાત વિવર્સ વેલ્ફેર એસો.પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું હતું કે, ‘આસામમાં સુરતની સાડી બેન કરવામાં આવે તે યોગ્ય વાત નથી, બે રાજ્યો વચ્ચેના સંબંધો ખરાબ થવાની શક્યતા છે, જો આવું થાય તો બંને રાજ્યોના લોકો વચ્ચે વિરોધાભાસ ઉભો થશે, જેને લઈને કેન્દ્રિય રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશને દિલ્હીમાં મળીને રજૂઆત કરવામાં આવશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.