સુરત શહેરની આજુબાજુમાં આવેલા નજીકના સ્ટેશન વિસ્તારોમાં ટ્રેન ઉપર પથ્થરમારાની ઘટના અવારનવાર બનતી રહે છે, પરંતુ ગત 12મી તારીખે સુરત નજીક ઉત્રાણ અને સાયણ રેલવે સ્ટેશનની વચ્ચે જમ્મુ-તાવી એક્સપ્રેસ સહિતની ચાર ટ્રેનો ઉપર 4 વાર પથ્થરમારો થતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે અંકલેશ્વર આરપીએફ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
રેલવે પોલીસના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એસી કોચમાં, બપોરે સાડા ત્રણ વાગ્યે, ત્યારબાદ જમ્મુ-તાવી એક્સપ્રેસ ઉપર, બાદમાં કોચીવલી એક્સપ્રેસ, દહેરાદૂન એક્સપ્રેસ અને લખનો-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં વારાફરતી બારીના કાચ તૂટવાની ઘટના બની હતી.
આ તમામ એક્સપ્રેસ ટ્રેનો ઉપર કોઇ અજાણ્ટા ટીખળખોર દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હોવાનો મેસેજ અંકલેશ્વર રેલવે પોલીસને મળ્યો હતો. બારીના કાચમાં પથ્થર વાગતા કાચ તૂટી ગયા હતા. આ બાબતે સુરત રેલવે પોલીસને જાણ થતા સુરત જીઆરપી અને કોસંબા આરપીએફની ટીમ પણ કામે લાગી હતી. પોલીસે ઉત્રાણ અને સાયણ સ્ટેશન વચ્ચે તપાસ હાથ ધરી હતી અને રેલવે લાઇન, નજીકના ખેડૂતો, મજૂરોની પુછપરછ કરી હતી.
કેમેરા ફૂટેજ અને જૂના આરોપીઓની યાદીની તપાસ
આસપાસના ફૂટેજ ચકાચવા ઉપરાંત પોલીસે આ વિસ્તારના ઝૂંપડાવાસીઓ પાસેથી માહિતી એકત્ર કરીને પણ સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસના કહેવા પ્રમાણે જૂના આરોપીઓની યાદી પણ કાઢવામાં આવી છે. આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. જો કે, આ મામલે અંકલેશ્વર રેલવે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.