ભાસ્કર સ્ટિંગ:સુરતના HP ડેપોની બહાર વેચાઈ રહ્યાં છે ચોરીનાં પેટ્રોલ-ડીઝલ, રૂ. 98નું લિટર પેટ્રોલ રૂ. 85માં

સુરત22 દિવસ પહેલા
  • ડેપોકર્મી, ટેન્કરચાલક અને પેટ્રોલ ચોર ગેંગનું ગઠબંધન, પોલીસ સાથે સેટિંગનો દાવો
  • સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ટેન્કરમાંથી પેટ્રોલ કાઢીને માફિયા બજારમાં વેચી નાખે છે અને બદલામાં એમાં પાણી કે કેમિકલ ભરી દે છે

ઓઇલ કંપનીઓના પેટ્રોલપંપ પર પેટ્રોલ 98.56 રૂપિયાના ભાવે મળે છે, પણ બજારમાં આ જ પેટ્રોલ એનાથી 14-15 રૂપિયા સસ્તું મળી જશે, કેમ કે શહેરમાં પેટ્રોલમાફિયા સક્રિય થયા છે, જેઓ ચોરીનું પેટ્રોલ વેચી રહ્યા છે. ઓઇલ કંપનીના ડેપોમાંથી ટેન્કર બહાર નીકળતાં જ માફિયા એમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી લે છે અને પછી એને સસ્તા ભાવમાં બજારમાં વેચી દે છે.

પેટ્રોલચોરીની આખી ચેઇન બનેલી છે, જેમાં ડેપોના કર્મચારી, ટેન્કરચાલક અને માફિયા સાથે મળીને કંપનીને ચૂનો લગાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે પોલીસને આ બધાની જાણકારી છે, પરંતુ સેટિંગથી બધું કામ સહેલાઈ ચાલી રહ્યું છે. ભાસ્કરે પેટ્રોલમાફિયાઓને ખુલ્લા પાડવા માટે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. ભાસ્કરના રિપોર્ટરે ચોરીનું પેટ્રોલ વેચતા ડીલર અને તેના કર્મચારી સાથે વાત કરી. પેટ્રોલચોરીની જગ્યાની માહિતી મેળવી પોતે ત્યાં પહોંચીને સમગ્ર ઘટનાનું વીડિયો શૂટિંગ કરી લીધું હતું. મહત્ત્વની વાત તો એ છે કે જે જગ્યા પર ચોરીનું પેટ્રોલ વેચાતું હતું એની નજીકમાં જ પોલીસ સ્ટેશન છે.

પોલીસ આ લોકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી, કેમ કે તેમને માફિયાઓ દ્વારા તગડી રકમ આપવામાં આવતી હોવાનું આ ગેરરીતિમાં સંડોવાયેલા ડેપોના કર્મચારીએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અહીં કોઈપણ લોકોને સહેલાઈથી પેટ્રોલ મળી જાય છે.

વીડિયો ઉતારતા અટકાવી કહ્યું કે અહીં અલાઉ નથી
ભાસ્કરના રિપોર્ટર ગ્રાહક બનીને ત્યાં પેટ્રોલ ખરીદવા ગયા તો ત્યાં એક ટેન્કરનો વાલ્વ ખોલીને ડીઝલ કાઢવામાં આવી રહ્યું હતું. કર્મચારીને વીડિયો ઉતારતા હોવાની શંકા જતાં તેણે મોબાઈલ ખિસ્સામાં મૂકી દેવા કહી અહીં વીડિયો ઉતારવાની મનાઈ છે એમ જણાવ્યું હતું. રિપોર્ટરે કહ્યું હતું કે મારે પેટ્રોલ લેવું છે તો તેણે કહ્યું કે અત્યારે નહીં મળે, રાહ જુઓ, બીજા બાઈકસવારો લાઈનમાં છે.

સસ્તા પેટ્રોલ માટે વેઇટિંગ, એડવાન્સ બુકિંગ થાય છે
પેટ્રોલ વેચવાવાળા કર્મચારી સાથેની વાતચીતમાં ઘટસ્ફોટ થયો કે સસ્તું પેટ્રોલ ખરીદવા માટે લાંબું વેઈટિંગ છે. લોકો દૂર દૂરથી પેટ્રોલ-ડીઝલ લેવા માટે આવે છે. કેટલાક લોકો તો એડવાન્સ બુકિંગ કરાવી લે છે. ભાસ્કરની ટીમે પેટ્રોલ માગ્યું તો કહ્યું કે આજે નહીં મળે, પછી આવજો. કર્મચારીએ કહ્યું હતું કે પેટ્રોલ લેવું હોય તો પહેલા ડીલર સાથે વાત કરવી પડશે. તે કહેશે તો જ મળશે.

કંપનીના પંપ પર ભેળસેળ સાથેનું પેટ્રોલ પહોંચે છે
સ્ટિંગમાં જાણવા મળ્યું કે ઓઇલ કંપનીના ડેપો પરથી ટેન્કર ભરાઈને બહાર આવે છે અને થોડાક જ અંતર પર તેમાંથી પેટ્રોલ કાઢી લેવાય છે, જેના બદલામાં ટેન્કરમાં એટલું જ પાણી કે કેમિકલ ભરી દેવામાં આવે છે, જેથી જથ્થો ઓછો ન થાય. આ રીતે પંપ પર ભેળસેળવાળું પેટ્રોલ પહોંચે છે. પંપ પર પેટ્રોલ શુદ્ધ મળશે ેની કોઈ ગેરંટી નહીં, પણ ચોરીનું પેટ્રોલ શુદ્ધ મળશે.

આ રીતે થયો ઘટસ્ફોટ
ભાસ્કરને સ્થાનિક લોકોના માધ્યમથી જાણવા મળ્યું હતું કે ઇચ્છાપોર વિસ્તારમાં એચપી પેટ્રોલિયમના ડેપોની બહાર પેટ્રોલ સત્તા દરે મળે છે. ત્યાં આના માટે ભારે ભીડ હોય છે. લોકો બાલદી, કેન અને ડ્રમ લઈને પહોંચે છે. તપાસ કરતાં એ વાતનું આશ્ચર્ય થયું કે આ બધું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. પેટ્રોલિયમ કંપનીના કર્મચારી ડેપોની બહાર ઊભા રહીને પેટ્રોલ-ડીઝલની ચોરી કરાવે છે અને પછી એને વેચી નાખે છે. કેટલાક લોકો એવા છે જે ડેપોની બહારથી પેટ્રોલ-ડીઝલ ખરીદે છે અને પછી શહેરમાં જઈને વિવિધ વિસ્તારોમાં વેચી દે છે.​​​​​​​

ડેપોના કર્મચારીએ કહ્યું - ડીલર મોટો માણસ છે, બધાને પૈસા આપીને ખુશ રાખે છે

રિપોર્ટર એચપી ડેપોની બહાર ગયો તો ત્યાં પહેલાંથી જ કંપનીનું એક ટેન્કર ઊભું હતું. એનો વાલ્વ ખોલી ડીઝલની ચોરી કરાઈ રહી હતી.

રિપોર્ટરઃ ભાઈ, અહીં પેટ્રોલ મળે છે?

ડીલરઃ હા મળે છે, પણ અત્યારે વાત કરવાનો સમય નથી.

રિપોર્ટરઃ અત્યારે મળી જશે ખરું?

ડીલરઃ નહીં. અત્યારે નહીં મળી શકે. 3 કલાક લાગશે.

રિપોર્ટરઃ તો રાહ જોઉં કે નહીં, કેમ કે દૂરથી આવ્યો છું.

ડીલરઃ કોઈ ગેરંટી નહીં, એટલે તમારે રોકાવું હોય તો રોકાવો, નહીં તો જાઓ.

રિપોર્ટરઃ ભાઈ, શું ભાવે મળશે?

ડીલરઃ 85 રૂપિયા લિટર

રિપોર્ટરઃ 75માં થઈ શકશે ખરું?

ડીલરઃ અરે ભાઈ, પાગલ થયા છો કે શું? આનાથી ઓછામાં નહીં થાય. 75માં ક્યાંયથી મળે તો કહેજો, હું ખરીદી લઈશ.

ફરીથી આવવાની વાત કરીને રિપોર્ટર ત્યાંથી પાછો ફર્યો.ત્યાર બાદ ડેપોના કર્મચારી સાથે સંપર્ક કર્યો હતો.

ભાસ્કરના રિપોર્ટરે ડેપોના કર્મચારી સાથે ફોન પર વાત કરી તેણે જણાવ્યું કે આ બાબતે પોલીસ બધું જાણે જ છે

રિપોર્ટરઃ ભાઈ સાહેબ, પેટ્રોલ મળશે અમને ડાયરેક્ટ?

કર્મચારીઃ નહીં, ડાયરેક્ટ નહીં મળે, તે ડીલર પાસેથી જ લેવું પડશે.

રિપોર્ટરઃ તે આપવની ના પાડે છે, હવે શું કરીશું? તો નહીં મળી શકે. તમે ત્યાં પેટ્રોલ લેવા ન જતા. પોલીસ પકડી લે છે. તમારે સીધું જ વાહનમાં નખાવવું પડશે. રિપોર્ટરઃ પોલીસ કેમ પકડી લેશે? કર્મચારીઃ ભાઈ, આ ગેરકાયદે છે. જેલમાં જતા રહેશો, છૂટશો નહીં. રિપોર્ટરઃ તમે ડીલરને આપો છો, તમે પણ કેટલું રિસ્ક લો છો. કર્મચારીઃ ડીલરનું બધું સેટિંગ છે. તેને ત્યાં પોલીસના હપતા ચાલે છે. રિપોર્ટરઃ જે પેટ્રોલ વેચો છો એને ટેન્કરમાં એડજસ્ટ કઈ રીતે કરો છો? કર્મચારીઃ એ ના જણાવી શકું, એ અમારું કામ છે. રિપોર્ટરઃ તો અમે બોટલ કે ડબ્બામાં ભરીને ન લઈ જઈ શકીએ? કર્મચારીઃ નહીં લઈ જઈ શકો, આગળ પોલીસ ઊભી છે, પકડી લેશે. અમારું રોજનું કામ છે, એટલે ટેન્શન નથી. પોલીસ આવે છે અને જોઈને જતી રહે છે. ડીલર બધાને પૈસા આપીને ખુશ રાખે છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...