ગેંગ સક્રિય:સુરતમાં ઘરમાં સૂતેલા યુવક પાસેથી મોબાઈલ ફોનની ચોરી, તસ્કર CCTVમાં કેદ

સુરતએક વર્ષ પહેલા
મોબાઈલ ફોનની ચોરી કરતો ચોર સીસીટીવીમાં કેદ.
  • યુવક નિંદ્રા માણતો રહ્યો ને યુવક ઘરમાં ઘૂસી મોબાઈલ ચોરી ગયો

સુરતના ઉધના વિસ્તારમાં આવેલા શ્રીરામ કુટીર સોસાયટીમાં આવેલા ઘરમાંથી મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં પ્રવેશી એક ઇસમ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ જાય છે. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

ઘરમાં ઘૂસી ચોરી કરતી ગેંગ સક્રિય
સુરતમાં ઘરમાં ઘૂસી મોબાઈલ ચોરી કરતી ગેંગ સક્રિય થઇ છે અને આ ગેંગ ઘરમાં ઘુસી ચોરીની ઘટનાને અંજામ આપી રહી છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રીરામ કુટીરમાં ઘરમાંથી એક મોબાઈલ ચોરી થવાની ઘટના સામે આવી છે. ઘરમાં યુવક નિંદ્રા માણી રહ્યો હતો તે વેળાએ એક ઇસમ ઘરમાં પ્રવેશે છે અને બાદમાં તકનો લાભ લઇ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ જાય છે.

ચોરનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડે છે.
ચોરનો ચહેરો સીસીટીવીમાં સ્પષ્ટ નજરે પડે છે.

ચોરીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ
ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે યુવક ઘરમાં ઘુસી ગણતરીની મીનીટોમાં મોબાઈલ ફોનની ચોરી કરે છે. આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. અને પોલીસ આવા તસ્કરો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

ચોરને ઘરમાંથી બીજું કંઈ ન મળતા મોબાઈલ ફોન ચોરી ફરાર થયો.
ચોરને ઘરમાંથી બીજું કંઈ ન મળતા મોબાઈલ ફોન ચોરી ફરાર થયો.

ગત રોજ મોબાઈલ ફોનની લૂંટ થઈ હતી
શહેરમાં દિવસે ને દિવસે મોબાઈલ અને ચેઈન સ્નેચરો સહીત ગુનેગારો બેફામ બની રહ્યા છે. એક તરફ સુરતમાં 9 વાગ્યા બાદ કર્ફ્યૂ અમલમાં છે. તો બીજી તરફ કર્ફ્યૂના સમયમાં પણ ગુનેગારો ગુનાને અંજામ આપી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. અને આવી જ એક વધુ ઘટના પાંડેસરા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક પાસે એક કારીગર નિંદ્રા માણી રહ્યો હતો. તે વેળાએ રાતે 11 વાગ્યા બાદ બાઈક પર ચાર ઈસમો ત્યાં આવી પહોચ્યા હતા. જે પૈકી એક ઇસમ નીચે ઉતર્યો હતો અને સુતેલા કારીગરને ચપ્પુ બતાવી તેની પાસેથી એક મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. ગત 2 તારીખે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બીજી તરફ પોલીસ આવા ગુનેગારો સામે કડક પગલા ભરે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે.