આપના આક્ષેપ:પહેલા વરસાદમાં જ રાજ્યના રસ્તાઓ ભ્રષ્ટાચારને કારણે ધોવાયા ને ભાજપના નેતાઓ કાજુ-બદામ ખાઈ જલસા કરે

સુરત3 મહિનો પહેલા
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા.
  • આપ નેતાએ કહ્યું- કોંગ્રેસને મત આપવો એ ભાજપને મત આપવા બરાબર

રાજ્યમાં વરસાદના કારણે જે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ રહી છે તેને જોતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પત્રકાર પરિષદમાં ભાજપના નેતાઓ ઉપર આક્ષેપો કર્યા હતા. સમગ રાજ્યમાં જે પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે તે જોતાં લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. કેટલાક ગામો સંપર્કવિહોણા થયા છે અને શહેરના રસ્તાઓ તૂટી ગયા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવતા રસ્તામાં થતો મોટો ભ્રષ્ટાચાર પહેલા વરસાદમાં જ ઉઘાડો પડી ગયો છે. આજે વરસાદને કારણે જે મુશ્કેલ ઊભી થઈ છે. તેવા સમયે ભાજપ ભવ્ય પાર્ટીની જેમ પ્રદેશ કારોબારીનું આયોજન કરીને જલસા કરી રહી છે. ભાજપનો એક પણ નેતા પોતાના મતવિસ્તારમાં અસરગ્રસ્તોને મદદ નથી કરી રહ્યા.

જનતાને જરૂરિયાત ને પ્રતિનિધિઓ ગાયબ
ભાજપના શાસકો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા બનાવ્યા છે પરંતુ પહેલા વરસાદની અંદર જ તેનું ધોવાણ થઈ ગયું છે. ભાજપના સત્તાધીશો માત્ર જલસા કરે છે અને ભ્રષ્ટાચાર કરે છે. જ્યારે જનતાને જરૂરિયાત હોય છે તેમના પ્રતિનિધિઓ ત્યારે ગાયબ થઈ જાય છે. આમ આદમી પાર્ટી દ્વારા જે વિસ્તારોની અંદર વધુ વરસાદ થઈ રહ્યો છે ત્યાં મદદ પહોંચાડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જરૂરિયાત જણાય તેવા વલસાડ જિલ્લામાં તેમજ અન્ય જગ્યાઓ પર ફૂડ પેકેટો આજે સાંજે વિતરણ કરવામાં આવશે.

જેઠાણું ચલાવીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે
ભાજપ દ્વારા કેટલાક આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાની જાહેરાત કરી રહી છે પરંતુ તે સત્યથી દૂર છે. જે કાર્યકર્તાઓનું નામ તેમણે ભાજપમાં જોડાવાની લિસ્ટમાં લખ્યું છે તે અત્યારે હાલ પત્રકાર પરિષદમાં આપણી સાથે જ છે. તેમને પોતાને પણ જાણ નથી અને તેમનું નામ ભારતીય જનતા પાર્ટી પોતાની યાદીમાં લખી લે છે. આ પ્રકારનું જેઠાણું ચલાવીને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં ભારતીય જનતા પાર્ટી સૌથી આગળ છે. અમારા કોઈ હોદ્દેદાર કે કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી.

કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એક જ
જે પ્રકારે ગોવામાં કોંગ્રેસના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પ્રજા જેને મત આપે છે તેમના મતોનો અનાદર કરીને આ રાજકીય નેતાઓ અન્ય પાર્ટીઓમાં જોડાઈ જતા હોય છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એક જ છે. ગુજરાતમાં આગામી વિધાનસભામાં આમ આદમી પાર્ટી સૌ કોઈ મતદારોને અપીલ કરે છે કે તમારો મત કોંગ્રેસને આપતા નહીં. જો કોંગ્રેસને તમારો મત જશે તો તેઓ પણ ભાજપમાં જોડાઈ જશે. ગુજરાતમાં જો પરિવર્તન ઈચ્છતા હોય તો આમ આદમી પાર્ટીને જ મત આપજો અને આપને જ સમર્થન કરજો.

અન્ય સમાચારો પણ છે...