શીખવા માટેની કોઈ ઉંમર હોતી નથી, આ કહેવત સુરત શહેરના ઉર્મિનબેન રબારીએ સાબિત કરીને બતાવી છે. ઉર્મિનબેને બે દીકરાને ડોક્ટર બનાવ્યા બાદ ભણવાનું શરૂ કર્યું હતું. ઉર્મિનબેન રબારીએ પોતાના સમાજની અન્ય મહિલાને શિક્ષણ માટે પ્રેરવા પોતે 50 વર્ષની વયે ગુજરાતી વિષયમાં એમએની ડીગ્રી મેળવી છે. દીકરી બે ઘર તારે છે, તેથી જો મહિલા સશક્ત હશે તો સમાજ અને રાષ્ટ્ર સશક્ત બનશે, આવી વિચારધારા ધરાવતાં ઉર્મિન રબારી સતત પોતાના સમાજની તેમજ અન્ય સમાજની દરેક મહિલાને સશક્ત બનવા માટે પ્રેરણા આપતાં રહે છે.
ઘરે રહીને જ અભ્યાસ કર્યો
ઉર્મિનબેન રબારીએ જણાવ્યું હતું કે સમાજમાં શહેર કે ગ્રામીણની ઘણી મહિલાઓ અને દીકરીઓ અમુક કારણોસર ભણતર પૂરું કરી શકતી નથી. મેં પણ લગ્ન પહેલાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો હતો. એ પછી આગળ ભણી શકાયું નહોતું. પરંતુ મેં મારા બંને દીકરાને ડોક્ટર બનાવ્યા પછી પોતે પણ ફરીથી ભણવાનું શરૂ કર્યું. ડીગ્રી મેળવી તેમજ ઘરે રહીને જ બીજા ઘણા બધા સર્ટિફાઈડ કોર્સ કર્યા છે. અત્યારે મારી પાસે 50થી વધુ સર્ટિફિકેટ છે.
રોજ બધા સૂઈ જાય પછી વાંચવા બેસતાં
ઉર્મિનબેને વધુમાં જણાવ્યું હતું કે એમએ કરતી હતી ત્યારે પરિવારને પણ સાચવવાનો હતો, તેથી દિવસમાં મને વાંચવાનો સમય મળતો નહોતો. રોજ બધા સૂઈ જાય પછી વાંચવા બેસતી અથવા સવારે બધા ઊઠે એ પહેલાં વાંચતી. જો મહિલાઓ ભણશે તો તે બાળકોને પણ જાતે ભણાવી શકશે. હાલમાં હું સમાજની દીકરીઓને વિવિધ રીતે ભણવામાં મદદ કરું છું.
સપનાં પૂરાં કરવાની કોઈ ઉંમર હોતી નથી
ઉર્મિનબેને વધુમાં જણાવ્યું હતું કે સમાજની દીકરીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તો ફી પણ ભરી આપું છું. જાતે યુનિવર્સિટી જઈને એડમિશનની તપાસ કરું છું. જે ઘરમાં દીકરીઓ આગળ ભણતી નથી તેમને ઘરે જઈ સમજાવું છું. હું દરેક મહિલાને એ સંદેશ આપવા માગું છું કે લગ્ન થઈ ગયા એટલે તમે પોતાનાં સપનાં બાજુ પર મૂકી દો. સપનાં પૂરાં કરવાની કોઈ ઉંમર હોતી નથી.
દીકરીને કરિયાવર અને દહેજમાં એજ્યુકેશન આપો
ઉર્મિનબેને જણાવ્યું હતું કે જો હું 50 વર્ષે એમએની માસ્ટર ડીગ્રી લઈ શકું તો આપણી દીકરીઓ કેમ નહીં લઈ શકે, આપણા વડાપ્રધાન મોદી પણ કહે છે દીકરી બચાવો, દીકરી પઢાવો. બસ, આ જ આપણો સંકલ્પ હોવો જોઈએ. આજે દીકરીઓ પ્લેન ઉડાડતી થઈ ગઈ, વિશ્વના અનેક દેશોમાં ભારતનો ડંકો વગાડી રહી છે તો આપણી દીકરી કેમ નહીં. હું તો ચોક્કસ કહું છું કે દરેક પરિવારના ઘર બહાર દીકરીઓના એજ્યુકેશન અને પોસ્ટ સાથેના બોર્ડ લાગે ત્યારે જ મોદીજી અને મારું સ્વપ્ન પૂરું થયું હોય એમ કહીશ, આ લડાઈ મારા એકલાની નથી પણ આપણા સૌની છે. દીકરીને કરિયાવર અને દહેજમાં એજ્યુકેશન આપો, પછી જુઓ દીકરી કયા મુકામ પર છે. બસ, ચાલો સંકલ્પ લઈએ કે હવે મારી દીકરીને ગ્રેજ્યુએશન નહીં, પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવીએ, તો જ આપણો દેશ આગળ વધશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.