ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવા માટે પ્રચાર-પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ સર્જાવાનો હોય તે રીતે એકબીજા પક્ષો એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે. દરેક રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યાં છે. જેમાં ભાજપ દ્વારા એક સાથે સ્ટાર પ્રચારકોની સભાઓ યોજવામાં આવી રહી છે. જેમાં કોંગ્રેસ અને આપ પર પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. તો બીજી બાજુ આપ અને કોંગ્રેસ દ્વારા પણ અલગ અલગ મુદ્દે ભાજપને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
દિગ્ગજોની જાહેર સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પ્રસારની કમાન સંભાળશે. આજે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભાને સંબોધિત કરશે. કોંગ્રેસના નામ આદમી પાર્ટી દ્વારા આદિવાસીઓને રિઝવવા માટે છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતા પરિણામને લઈને હવે ભાજપ અંતિમ દિવસોની અંદર ફરી એક વખત આદિવાસી વિસ્તારો પર પ્રચાર પ્રસાર તે જ કર્યો છે. 21મી તારીખે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસ આવશે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં જાહેર સભાને સંબોધ છે. જેથી સુરત જિલ્લાની અને નવસારીની ત્રણથી ચાર બેઠકો ઉપર તેની સીધી અસર થશે.
કોંગ્રેસ અને આપના નેતા સુરતમાં આવશે
આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ સંજયસિંહ આવતીકાલે સુરતમાં અલગ અલગ વિધાનસભા વિસ્તારની અંદર જાહેર સભામાં હાજર રહેશે. વિશેષ કરીને ઓલપાડ અને કરંજ વિસ્તારની અંદર રોડ શોનું આયોજન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ જંગી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે. રાહુલ ગાંધીની સભા પૂર્વે ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત સુરત આવશે અને ત્યારબાદ રાહુલ ગાંધીના જાહેર સભા સંબોધવાના છે. ત્યાં સ્થળ નિરીક્ષણ કરશે. અશોક ગહેલોત સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે પણ મિટિંગ કરશે. ચારે તરફ વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે દિગ્ગજ નેતાઓની અવરજવર પણ વધી છે.
ઈટાલિયાએ ભાજપ પ્રહારો કર્યા
વરાછા માં આમ આદમી પાર્ટી નાં ઉમેદવાર અલ્પેશ કથિરીયાનાં પ્રચાર માટે આવેલા આપ નાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જાહેર સભા ગજવી હતી. ઇટાલિયા એ ભાજપ નું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આપણા ઘરમાં દીકરીની સગાઈ નો પ્રસંગ હોય ત્યારે દીકરો ભણેલો છે કે નથી તે પૂછીએ છે. જો ભણેલો ન હોય તો વાત આગળ વધાવતા નથી, તો વિધાનસભાની ચૂંટણીમાં પણ આવા બધાને કાઢો અને ભણેલાં ગણેલાને ચુંટીને લાવો બસ મારે એટલું જ કહેવાનું છે. તમારા સંતાન કરતા પણ વધારે ભણેલાને ધારાસભ્ય બનાવો. 10 પાસ ને લાવવાનું શું કામ. હવે ટાઈમ આ લોકો નો પૂર્ણ થઈ ગયો છે. આપણે ટ્રાફિક નિયમનનો ભંગ કર્યું હોય તો મેમો ઘરે આવે તો આ લોકો આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ કેમ ઘરે લાવી નથી શકતા. હવે આપણે ઝાડુ કાઢવાનું છે. હમણાં જ વરાછા માં આ લોકો ની એક જાહેર સભામાં જોઈને આવ્યો તો ત્યાં માણસ કરતા પોલીસ વધારે હતી. 150 ગાડી હતી અને 400 પોલીસ હતી.
નીતિન પટેલે પૂરના દિવસો યાદ કર્યા
પાંડેસરા સ્થિત પિયુષ પોઇન્ટ પર સાંજે યોજાયેલી ભાજપની સભામાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વર્ષ 2006ના વિનાશક પૂરના દર્શ્યો યાદ કરી શહેરના લખપતિ અને કરોડપતિ પાણી-ભોજન માટે ભટકતા હતાં તે ભયાનક સ્થિતિ વર્ણવી હતી. ત્યારના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરોવર બની ગયેલાં સુરતને ફરી ઊભાં કરવા માટે શહેરમાં ધામા નાંખી સુરતની `સૂરત` બદલી નાખી હોવાનું ઉમેર્યું હતું. નીતિન પટેલે કહ્યું કે, સુરતની જાહોજલાલી રાતોરાત આવી નથી. તેના માટે મોદી સરકારે કરેલા અવિરત પ્રયાસોથી સુરત દેશનું સમૃદ્ધ શહેર બન્યું છે. ચૂંટણી ટિકીટમાં કપાયેલા અને ઉધના વિધાનસભા વિસ્તારના પ્રચારમાં જોડાયેલા નીતિન પટેલે સભામાં આશરે 18 મિનિટના તેમના વકતવ્યમાં છેલ્લી 2 મિનીટમાં જ ઉમેદવારનું માંડ 5 વખત નામ લીધું હતું.
અનુરાગ ઠાકુરે કોંગ્રેસને આડેહાથ લીધી
ભાજપે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે કામ કર્યું છે એ ગુજરાત આજે ભાજપની ઓળખ નથી. ગુજરાત દેશમાં નંબર વન રાજ્ય બનીને બહાર આવ્યું છે. નંબર વન એટલે બન્યું વારંવાર ગુજરાતના લોકોએ કમળ નું બટન દબાવ્યું અને વારંવાર ભાજપને જીતાડ્યું. સુરત હીરાની નગરી તરીકે ઓળખાય છે, ગુજરાતના લોકોએ દેશને એવો હીરો આપ્યો છે જેની ચમક આજે દુનિયાભરમાં છે. 20 વર્ષ પહેલા મોદી આવ્યા હતા. તે પહેલા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં તોફાનો થતાં હતા. પરંતુ ભાજપની સરકારે છેલ્લા 20 વર્ષમાં કામ કર્યું જેથી ગર્વ સાથે કહી શકું છું કે ગુજરાતને તોફાન મુક્ત બનાવ્યું છે . આજે દેશમાં સૌથી વધારે એક્સપોર્ટ કરવાવાળું રાજ્ય ગુજરાત નંબર વન બન્યું છે. મોદીએ 2001 થી 2022 સુધીમાં મુખ્યમંત્રીથી લઇ પીએમ પદ સુધી 21 વર્ષમાં એક દિવસની પણ રજા લીધા વિના કામ કરી દેશ માટે સમર્પિત રહ્યા છે. મોદી માટે ગુજરાત આત્મા અને ભારત પરમાત્મા છે. કોંગ્રેસે 60 વર્ષમાં જે ન કરી શક્યું એ મોદીએ 8 વર્ષમાં કરીને બતાવ્યું છે. કોંગ્રેસના રાહુલ ગાંધી અત્યારે યાત્રામાં નીકળ્યા છે તેમણે બે મહિના પહેલા જ બહાનું બનાવી દીધું હતું કે હિમાચલ અને ગુજરાતની ચૂંટણીમાં નથી આવવું નહિ તો હાર નો સામનો કરવો પડશે.
રૂપાલા માંડવિયાએ વરાછામાં સભાઓ યોજી
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વરાછામાં ભાજપ ઉમેદવાર કુમાર કાનાણીની સાથે વિરાટ સભાને સંબોધતા કહ્યુ કે, રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓ તિરંગો લઇને નિકળ્યા ત્યારે બંને દેશોના જવાનોએ ગોળીબાર કર્યો નહોતો, ત્યારે વિજય વિશ્વ તિરંગા પ્યારાની ભાવના જોવા મળી હતી. દેશનાં તિરંગા પર કોઈ દેશની સેના ફાયર કરતી ન હતી, એનો ઇતિહાસ લખાશે. ગુજરાતનાં પાણીના ઈન્ફ્રાસ્ટ્રકચર જેવું ઈન્ફ્રાસ્ટ્રકચર દુનિયામાં બીજા કોઈનું નથી. કેટલાક મુખ્યમંત્રી કહેતા હતા મફત વેક્સિન આપશું, એક વાયલ પણ એમણે ન આપ્યું. ધર્મ વિરોધી અને હલકુ ભાષણ કરનારાની સંસ્કારો પણ હલકા હોય છે. અત્યાસુધીમાં દેશનાં નૌકાદળના જહાજના ફ્લેગમાં બ્રિટીશકાળનું ચિન્હ હતું, ૭૫ વર્ષ બાદ નરેન્દ્રભાઈ મોદીએ એ ચિન્હ બદલીને છત્રપતિ શિવાજી મહારાજના નૌકાદળના ધ્વજનું ચિન્હ લગાડ્યું.
ભૂપેન્દ્ર પટેલના કોંગ્રેસ આપ પર પ્રહાર
અલથાણમાં મજુરા વિધાનસભાના ઉમેદવાર હર્ષ સંઘવીના સમર્થનમાં જન આર્શીવાદ સભા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગેસ અને આપ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ગુજરાત રાજ્ય દેશનું રોલ મોડેલ બન્યું છે. દંગા-કર્ફ્યું જેવી સ્થિતિથી બહાર આવવા રાજ્યની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મુક્યો છે તે ક્યારેય તૂટવા નહીં દઈએ.સમગ્ર દેશમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. આઝાદી પછી સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી (ગ્રીન એનર્જી) સૌથી પહેલા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રસ્થાપિત થઈ છે જે આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. નીતિઆયોગ મુજબ ગુજરાત રાજ્યમાં આ વર્ષે સૌથી મોટુ બજેટ રજૂ થયું હતું.
ફડણવીસે મરાઠીઓને આકર્ષયા
મહારાષ્ટ્ર ના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ છ વાગ્યાની લિંબાયત ખાતે જાહેર સભામાં 7.45 કલાકે આવ્યાં હતાં. કોંગ્રેસ અને આપ ઉપર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, ગાંધીજીએ કહ્યું હતું કે, આઝાદી મળી ગઈ હવે કોંગ્રેસ ને વિસર્જીત કરો પરંતુ ભારતના લોકોએ ત્યારે ધ્યાન ન આપ્યું ને કોંગ્રેસ ને ચૂંટતા ગયાં અને દેશમાં ભ્રષ્ટાચાર સહિત ની બદી વધતી ગઈ, પરંતુ ગુજરાત ની જનતા એ જાણી ગઈ ને 27 વર્ષ પહેલાં કોંગ્રેસ ને વિસર્જીત કરી દેશમાં સૌથી પહેલાં ગુજરાતે કોંગ્રેસ ને વિસર્જીત કરી છે. યુવરાજ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કાઢી તેના પણ ટિકા કરતાં કહ્યું હતું કે, સંપૂર્ણ દેશ ને જોડનારા સરદાર પટેલે 542 રિયાસત ને ભારતમાં લાવ્યાં ત્યારે એમને સન્માન નહીં આપ્યું, મોદી વડાપ્રધાન બન્યા પછી સન્માન મળ્યું તેમજ નેતાજી સુભાષચંદ્ર બોઝ ને સન્માન નહીં મળતું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.