અંધશ્રદ્ધાએ ભોગ લીધો?:સુરતમાં વિદ્યાર્થિનીનું ઝાડાં-ઉલટી બાદ મોત, ભુવા પાસે પીંછી મરાવી ઘરે આવ્યા બાદ તબિયત વધુ લથડી હતી

સુરત9 મહિનો પહેલા
108ની મદદથી સિવિલ લઈ જવાતા સોનાલીને મૃત જાહેર કરાઈ.
  • ભુવાએ નસના ધબકારા ચેક કરી પાણી પીવડાવી અને પીંછી મારી ઘરે મોકલી આપી હતી

સુરત શહેરના પાંડેસરા વડોદ ગામમાં એક વિદ્યાર્થિનીનું ઝાડાં-ઉલટી બાદ મોત નીપજ્યું હતું. મૃતક સોનાલી છેલ્લા બે વર્ષથી ફુવા પાસે સુરત રહેતી હતી. શુક્રવારની રાત્રે 8 વાર ઝાડા-ઉલટી થયા બાદ ફુવા ઘર નજીકના ભુવા પાસે પીંછી મરાવી ઘરે લઈ આવતા સોનાલીની તબિયત બગડી હતી. 108માં સિવિલ લવાયેલી સોનાલીને મૃત જાહેર કરાતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મૃતક વિદ્યાર્થિની બે વર્ષથી ફુવા પાસે સુરત રહેતી હતી
સુરજ ઠાકોર (ફુવા, મૃતક સોનાલીના) એ જણાવ્યું હતું કે, સોનાલી બિહારના જહાના બાદ નેમારીગામની રહેવાસી હતી. તેને બે ભાઈ અને માતા-પિતા વતનમાં મજૂરી કરી રોટલો રળી ખાય છે. હું કલર ટેક્સમાં મજૂરી કામ કરુ છું અને પાંડેસરા કૃષ્ણા નગરમાં રહું છું. બે વર્ષ પહેલાં સોનાલીને ભણાવવા માટે સુરત લઈ આવ્યા હતા. શુક્રવારની રાત્રે 9 વાગે અચાનક ઉલટી કર્યા બાદ તેની તબિયત બગડી હતી.

મૃતક સોનાલી છેલ્લા બે વર્ષથી પરિવારથી દૂર ફુવા પાસે સુરત રહેતી હતી.
મૃતક સોનાલી છેલ્લા બે વર્ષથી પરિવારથી દૂર ફુવા પાસે સુરત રહેતી હતી.

સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાઈ
સવારે 5 વાગ્યા સુધી ઉલટી અને ઝાડાં કરતા સવારે ઘર નજીકના ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભુવાએ નસના ધબકારા ચેક કરી પાણી પીવડાવી અને પીંછી મારી ઘરે મોકલી આપી હતી. ઘરે આવ્યા બાદ સોનાલીની તબિયત વધુ બગડતા 108ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં સોનાલીને મૃત જાહેર કરાઈ હતી.

ફુવા બાળકીને લઈને હોસ્પિટલ પહોંચતા મૃત જાહેર કરાઈ.
ફુવા બાળકીને લઈને હોસ્પિટલ પહોંચતા મૃત જાહેર કરાઈ.

વતનમાં રહેતો પરિવાર શોકમગ્ન થઈ ગયો
વધુમાં જણાવ્યું હતું કે, સોનાલી ધોરણ-4 ની વિદ્યાર્થિની હતી. ઘર નજીકની સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. તેના મોતના સમાચાર સાંભળી વતનમાં રહેતો પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. હાલ સોનાલીના મૃતદેહને સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ તેના મોતનું સાચું કારણ જાણવા પોલીસને જાણ કરાઈ છે.