• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2 Crore Spent In The Name Of Bicycle Project, Surat Muni. Looted Applause, But Where Do People Ride Bicycles? Shop Pressure parking On The Track

DBનું રિયાલિટી ચેક:સાઇકલ પ્રોજેક્ટના નામે 2.15 કરોડ ખર્ચી સુરત મ્યુનિ.એ વાહવાહી લૂંટી, પણ લોકો સાઇકલ ચલાવે ક્યાં? ટ્રેક પર દબાણો ને પાર્કિંગ

સુરત23 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે
  • સાઇકલ ટ્રેકથી ફીટનેસની વાતો કરનારા મ્યુનિ. હોદ્દેદારો જ દબાણો થઈ ગયાનું સ્વીકારે છે

સુરતમાં સતત વધતા પ્રદૂષણના સોલ્યુશન તેમજ લોકોમાં ફીટનેસનું સ્તર વધારવાની વાતો કરી મ્યુનિ. મોટો સાઈકલ પ્રોજેક્ટ લાવી હતી. શહેરના ત્રણ ઝોનમાં રુ. 2 કરોડથી વધુના ખર્ચે મ્યુનિ.એ સાઇકલ ટ્રેક બનાવ્યા તો ખરા પણ તેની દુર્દશા જોવા કદી ગઈ જ નથી. આજે વિશ્વ સાઈકલ દિને દિવ્યભાસ્કર વાચકો સમક્ષ સુરતના સાઇકલ ટ્રેકનું રિયાલિટી ચેક પ્રસ્તુત કરે છે. આમાં જોઈ શકશો કે અત્યારે ત્રણેય ડેડિકેટેડ સાઈકલ ટ્રેકની સ્થિતિ ખૂબ જ કથળેલી છે. મોટાભાગે સાઇકલ ટ્રેક ઉપર બીજા વાહનોનું પાર્કિંગ થઈ ગયું છે. અમુક જગ્યાએ તો દુકાનોના માલ-સામાનનો ખડકલો પણ ટ્રેકમાં દેખાયો હતો. આ જોતાં એ તો સ્પષ્ટ છે કે મ્યુનિ.નો સાઈકલ ટ્રેકનો હેતુ સિદ્ધ થઈ શક્યો નથી.

ટ્રેક પર સાઇકલ નહીં, અન્ય વાહનો ચાલે છે
અઠવા, ઉધના અને રાંદેર ઝોનમાં બનાવાયેલા સાઇકલ ટ્રેક ઉપર ભાગ્યે જ કોઈ સાઇકલ દોડતી દેખાઈ રહી છે. સાઇકલનો ઉપયોગ કરનારા લોકો પણ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. સાઇકલ ચલાવનાર આવવા માટે અલાયદી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે તે કદાચ સાઇકલ ચાલકોને જ ખબર ન હોય તેવું જોવા મળી રહ્યું છે. સાઇકલ ટ્રેક ઉપર સાઇકલ ચલાવવાને બદલે અન્ય વાહનો દોડતા જોવા મળે છે.

સાઇકલ ટ્રેકના સિમ્બોલ સરખા દેખાતા નથી
સાઇકલ ટ્રેક માટે સુરત મ્યુનિ.એ લાલ કલરથી થોડા અંતર સુધીનું પેઈન્ટ કર્યું છે. આ પાછળનો ઉદ્દેશ સાઇકલ ટ્રેકને અલગ ઓળખ આપવાનો છે. તેની સાથે સાઇકલના નિશાનવાળા સાઈનબોર્ડ પર લગાડાયા છે. પરંતુ હવે સાઇકલ ટ્રેકના સિમ્બોલ સરખા દેખાતા નથી. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જે લાલ કલર રસ્તા ઉપર લગાડવામાં આવી રહ્યો છે કેટલો સમય સુધી ટકી રહેશે. ઘણા રસ્તા તો વરસાદના પાણીમાં ધોવાઈ જતા હોય છે, તો આ માત્ર કલર રસ્તા પર કેટલું ટકશે?

સાઇકલનો વધુ વપરાશ ત્યાં વધુ સ્ટેન્ડ મૂક્યા
સુરત શહેરમાં 120 સાઇકલ સ્ટેન્ડ છે, જે દરેક પર 10થી 15 સાઇકલો મુકાઈ છે. અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરેલા સાઇકલ સ્ટેન્ડનો ઉપયોગ શહેરીજનો કરી શકે છે. જે વિસ્તારમાં જેટલો સાઇકલનો વપરાશ વધારે થાય છે તે વિસ્તારમાં સાઇકલો મુકવાના સ્ટેન્ડ વધુ બનાવાશે. જ્યાં સાઇકલ સ્ટેન્ડ મૂક્યા હોય પણ લોકો વધુ રસ ન ધરાવતા હોય તો ત્યાંથી એ સાઇકલને રિપ્લેસ કરીને અન્ય સાઇકલ સ્ટેન્ડ ઉપર મુકાશે.

સાઇકલનો સવા કરોડનો કોન્ટ્રાક્ટ પાણીમાં
પાલિકાએ સાઇકલ માટેનો કોન્ટ્રાક્ટ અંદાજે એક કરોડથી સવા કરોડ સુધીનો કર્યો છે. જેમાં પાંચ વર્ષ દરમિયાન શહેરને જે સાઇકલની જરૂરિયાત ઊભી થાય તે સાઇકલ પહોંચાડવી અને તેમાં કોઈપણ પ્રકારનું રીપેરીંગ કામ કરવાનું થાય તો પણ એ જ કંપનીએ કરવાનું રહેશે એ પ્રકારનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. હાલ તો રોજ 1000થી વધુ લોકો સાઇકલનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી સાઇકલ પ્રોજેક્ટ સફળ માનીએ તો પણ લોકોને સાઇકલ ચલાવવા માટે મળતી નથી. કેમ કે સાઇકલ ટ્રેક પર મોટાભાગે વાહનો પાર્ક જોવા મળી રહ્યા છે.

વધુ સાઇકલ ટ્રેક બનાવવાનું વિચારણા હેઠળ
પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે શહેરમાં ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે અને પ્રદુષણ પણ દિવસે ને દિવસે જોખમી બની રહ્યું છે. એવી સ્થિતિમાં લોકો સાઇકલિંગ તરફ આકર્ષાય અને પોતે પણ સ્વસ્થ રહે અને સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં પ્રદૂષણ ઓછું થાય તેના માટે યોગદાન આપે તે જરૂરી છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં સાઇકલ ટ્રેક બનાવવાનું વિચારણા હેઠળ છે. શહેરમાં 80.84 કિલોમીટર કરતાં વધારે ના સાઇકલ ટ્રેક તૈયાર કરવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો સાઇકલ ચલાવતા થાય તે ઉદ્દેશ સાથે પાલિકા આગળ વધી રહી છે.

સાઇકલ ટ્રેક ઉપર દબાણ ન કરવા અપીલ
દિવ્યભાસ્કરે સ્થાયી સમિતિના અધ્યક્ષને પૂછ્યું કે સાઇકલ ટ્રેક ઉપર સૌથી વધુ દબાણ થઈ રહ્યું છે ત્યારે તેમણે વાતને સ્વીકારી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે સાઇકલ ટ્રેક ઉપર જો કોઈ વાહન પાર્ક કરેલું દેખાય છે અથવા તો અન્ય કોઈ દબાણ હશે તો ટ્રાફિક સહિત અન્ય વિભાગ દ્વારા દંડ કરવામાં આવશે જે ખૂબ વધુ આકરા હોઈ શકે છે. તેથી સાઇકલ ટ્રેક ઉપર દબાણ ન કરવા અપીલ કરી છે.

સાઇકલ ટ્રેક ઉપર તો સાઇકલ દોડતી જ નથી
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયાએ કહ્યું હતું કે સત્તાધીશોને માત્ર મોટી વાતો કરતા આવડે છે. પરંતુ વાસ્તવિકતા એવી દેખાતી જ નથી. સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યા છે સાઇકલ ટ્રેકનો ઉપયોગ થઈ રહ્યો છે. સાઇકલ ચલાવવા તરફ લોકો આકર્ષાયા છે એ પ્રકારની વાતો તેઓ સામાન્ય સભામાં પણ કરતા હોય છે અને અન્ય સ્થળે પણ કરતા હોય છે. પરંતુ હકીકત એ છે કે સાઇકલ ટ્રેક ઉપર તો સાઇકલ દોડતી જ નથી. સુરત મહાનગરપાલિકાએ બતાવવું જોઈએ કે કયા વિસ્તારમાં લોકો સાઇકલ ટ્રેકનો ઉપયોગ કેટલો કરી રહ્યા છે.

નક્કર આયોજન પાલિકા દ્વારા કરવામાં આવતું નથી
પાયલ સાકરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક સાઇકલ ટ્રેક ઉપર ક્યાંક સાઇકલ ટ્રેકના સિમ્બોલ સરખા દેખાતા નથી તો કેટલાક સાઇકલ ટ્રેક ઉપર વાહનો જમાવડો દેખાય છે. કેટલાક સાઇકલ ટ્રેક ઉપર અન્ય દબાણો ખૂબ મોટા પ્રમાણમાં થયેલા જોવા મળી રહ્યા છે કેટલાય એવા વિસ્તારો છે જ્યાં સાઇકલ ટ્રેક છે એવું ત્યાંના સ્થાનિક લોકોને પણ ખબર નથી. હવે કહેવામાં આવી રહ્યું છે કે સાઇકલ ટ્રેક ઉપર લાલ પટ્ટો મારવામાં આવશે સાઇકલ ટ્રેકનું નિશાન પણ મુકવામાં આવશે. પરંતુ આ માત્ર કોન્ટ્રાક્ટ આપવા પૂરતા જ હોય છે તેનું નક્કર આયોજન પાલિકા દ્વારા કરવામાં આવતું નથી.