20મી ફેબ્રુઆરી, રવિવારે મહા વદ 4ના રોજ સંકષ્ટચતુર્થી છે. આથી દેશભરમાં સંકષ્ટચતુર્થી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક મનાવાશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, ગ્રહ ગોચર પરિભ્રમણમાં ચંદ્ર, કન્યા રાશિ સ્વામી બુધ, હસ્ત નક્ષત્ર સ્વામી ચંદ્ર, અમૃતસિદ્ધિ યોગના યોગે આવતી હોવાથી દૂંદાળા દેવની ઉપાસના વધારે લાભપ્રદ બને છે.
આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને ગણપતિજીને અબીલ, ગુલાલ, કંકુ, લાલ કલરના પુષ્પો, રક્ત ચંદન અને પાંચ ઋતુ ફળ અર્પણ કરીને વિધિવતરીતે પૂજા કરવી જોઈએ. ત્યારબાદ જનોઇ પહેરાવીને ગોળનો પ્રસાદ ધરાવવો જોઈએ. આ દિવસે ઉપવાસ કરી રાત્રે ચન્દ્ર દર્શન (10.17) કલાકે કર્યા બાદ ગોળનો લાડુ પ્રસાદ તરીકે લેવાથી ચતુર્થી વધુ લાભપ્રદ બને છે. તેમણે જણાવ્યું કે, અથર્વશીર્ષના પાઠ, સંકટનાશન સ્તોત્ર તથા ગણપતિની નામાવલી વાંચવાથી વધારે ફળદાયી નીવડશે.
ગણેશજીની ઉપાસના કરવાથી ધાર્યા કામ પાર પડે છે. તે સર્વકામના પૂરી કરનારા દેવ છે. તેમને દેવોના ગણ નાયક ગણવામાં આવ્યા હોવાથી ગણેશજી પદ-પ્રતિષ્ઠા મેળવવામાં પણ મદદરૂપ બની રહે છે. અંગારકી ચતુર્થીના દિવસે વ્રત રાખો. સૂર્યોદય પહેલા જાગીને સ્નાનાદીથી નિવૃત થઈ જાવ. ભગવાન ગણેશની પૂજા માટે ધૂપ-દીપ, પુષ્પ, દુર્વા અને મોદકનો ભોગ સમર્પિત કરો. સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોના બધા અવરોધો દૂર થાય છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રનું દર્શન કરવું શુભ હોય છે. આ વ્રત ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ પૂર્ણ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.