વેપારીઓમાં ખુશી:ટેક્ષટાઇલ ક્ષેત્રે કેન્દ્રીય કેબીનેટ દ્વારા મંજૂર કરાયેલી PLI સ્કીમનો સૌથી વધુ લાભ સુરત અને દક્ષિણ ગુજરાત લઇ શકશે: ચેમ્બર

સુરત4 મહિનો પહેલા
સુરત ટેક્ષટાઈલ માર્કેટની ફાઈલ તસવીર.
  • ટેક્ષટાઈલને આવરી લેતાં 13 જેટલા પેટા વિભાગ માટે PLI સ્કીમને કેબીનેટ દ્વારા મંજૂરી

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબીનેટમાં મળેલી મિટીંગમાં MMF ટેક્ષટાઈલ તથા ટેકનિકલ ટેક્ષટાઈલને આવરી લેતાં 13 જેટલા પેટા વિભાગ માટે PLI સ્કીમને કેબીનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ચેમ્બર દ્વારા કરાયેલા સૂચનોને સ્કીમમાં આવરી લેવામાં આવતા ચેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ટેક્ષટાઇલ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય રાજ્ય કક્ષાના ટેક્સઇલ તેમજ રેલ્વે મંત્રી દર્શના જરદોશનો આભાર માન્યો હતો.

10683 કરોડ જેટલી માતબર રકમ ફાળવાઈ
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં વખતથી આ સ્કીમને મંજૂર થવાની રાહ ઉદ્યોગપતિઓ જોઈ રહ્યાં હતાં, જેને આજે કેબીનેટ દ્વારા મંજૂરી આપી રૂપિયા 10683 કરોડ જેટલી માતબર રકમ આ સ્કીમ હેઠળ ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. આમાંથી લગભગ રૂપિયા 7000 કરોડ જેટલી રકમ MMF ટેક્ષટાઈલ ક્ષેત્રે ફાળવવામાં આવી છે અને રૂપિયા 4000 કરોડ જેટલી રકમ ટેકનીકલ ટેક્ષટાઈલ ક્ષેત્રે ફાળવવામાં આવી છે. શરૂઆતમાં આ સ્કીમ માત્ર ગારમેન્ટ અને એપેરલ ક્ષેત્ર માટે જ હતી. ચેમ્બર દ્વારા પ્રધાનમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને MMF ફેબ્રિકના ઉત્પાદનને પણ આ સ્કીમ હેઠળ સમાવી લેવા વિનંતી કરવામાં આવી હતી. આજરોજ જ્યારે આ સ્કીમની જાહેરાત થઈ છે અને જે કોઈ વિગતો ચેમ્બરને મળી છે તેનાથી ચોક્કસ કહી શકાય કે, આ સ્કીમમાં MMF ફેબ્રિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

એકમોએ 31 માર્ચ, 2023 પહેલા અરજી આપવાની રહેશે
આ PLI સ્કીમ હેઠળ નવું રોકાણ કરનાર એકમોએ 31 માર્ચ, 2023 પહેલા અરજી આપવાની રહેશે અને એકમો દ્વારા એના રોકાણની કિંમતથી ઓછામાં ઓછું બે ગણું ટર્નઓવર બે વર્ષમાં કરવાનું રહેશે તથા તેમનું ઉત્પાદન 31 માર્ચ, 2025 સુધી ચાલુ કરવાનું રહેશે. આ સ્કીમને સ્કીમ-1 અને સ્કીમ-2 એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે. સ્કીમ-1 માં ઈન્સેન્ટીવ વધુમાં વધુ 15% અને ઓછામાં ઓછું 11% સુધીનું આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે અને સ્કીમ-2માં ઓછામાં ઓછું 7% અને વધુમાં વધુ 11% ઈન્સેન્ટીવ આપવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. વધુમાં ઇન્ટીગ્રેટેડ ટેકસટાઈલ ક્ષેત્રે ઓછામાં ઓછું 60%નું વેલ્યુ એડીશન કરવું પડશે તથા સ્ટેન્ડ અલોન ઈન્ડીપેન્ડન્ટ યુનિટ દ્વારા ઓછામાં ઓછું ૩૦% નું વેલ્યુએડીશન કરવું પડશે.

સ્પેશ્યાલિટી યાર્નના ઉત્પાદનમાં પણ વધારો થશે
નોંધનીય બાબત એ છે કે, જે એકમો ROSTCL / RODTEP જેવી સ્કીમોનો લાભ લેતા હોય તેઓ આ સ્કીમ ઉપરાંત PLI સ્કીમનો પણ લાભ લઇ શકશે. જો બંને સ્કીમોનો લાભ ભેગા કરીએ તો ટેક્ષટાઈલ એકમોને તેના ટર્નઓવરની સામે 31% જેટલુ કેશ રીફંડ મળી શકે છે. વધુમાં ટેકનિકલ ટેક્ષટાઈલ ક્ષેત્રે હાલમાં ભારત સ્પેશ્યાલિટી યાર્ન માટે સંપૂર્ણ આયાત ઉપર નિર્ભર છે. આથી આ સ્કીમ આવવાથી સ્પેશ્યાલિટી યાર્નના ઉત્પાદનમાં પણ વધારો થશે, જેનાથી ખરા અર્થમાં ભારત આત્મનિર્ભર બનશે.

કાપડ ઉદ્યોગોને ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળવાની સંભાવના
હાલમાં વિશ્વ આખું ચાઈના +1 સ્ટ્રેટજી હેઠળ યોજના બનાવી રહ્યું છે તો આ તકનો લાભ આ સ્કીમ આવ્યા પછી દક્ષિણ ગુજરાતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગોને ખૂબ મોટા પ્રમાણમાં મળવાની સંભાવના છે. આ સ્કીમ હેઠળ MMF ફેબ્રિકને આવરી લેવા માટે ચેમ્બર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ટેક્ષટાઈલ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ તથા કેન્દ્રીય રાજ્ય કક્ષાના ટેક્ષ્ટાઇલ તેમજ રેલ્વે મંત્રી દર્શના જરદોશનો ખૂબ આભાર માનવામાં આવે છે.

મોટા પાયે રોકાણ આવી શકે તેવી સંભાવના
ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત જેમાં ખાસ કરીને સુરત જિલ્લો MMF ટેક્ષટાઈલના ઉત્પાદનમાં 65% જેટલુ યોગદાન આપે છે. આ સ્કીમ આવ્યા બાદ સુરત જિલ્લાનું MMF ટેક્ષટાઈલ ક્ષેત્રે આ યોગદાન ખાસ્સું વધી શકે છે. આ સ્કીમમાં ટાયર-3 શહેરોમાં રોકાણ કરવાને પ્રોત્સાહન આપવા જણાવાયું છે. આ સ્કીમ અંતર્ગત ખૂબ જ મોટા પ્રમાણમાં દક્ષિણ ગુજરાતમાં આવેલ જિલ્લાઓ જેવા કે સુરત, તાપી તથા નવસારી જિલ્લામાં ખૂબ મોટા પાયે રોકાણ આવી શકે તેવી સંભાવના દેખાઇ રહી છે.