તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Soft Target For ATM Hackers Of 3 Banks Of The Country, Theft Of Even The Most Secure Card Reader Of ATM Keeping Account Data, Gujarat On Highest Target

એક્સક્લુઝિવ:દેશની 3 બેન્કોનાં ATM હેકર્સ માટે સોફ્ટ ટાર્ગેટ, ખાતાનો ડેટા રાખતા ATMના સૌથી સિક્યોર કાર્ડ રીડરની પણ ચોરી, સૌથી વધુ નિશાના પર ગુજરાત

સુરત10 મહિનો પહેલાલેખક: દૂર્ગેશ તિવારી
  • કૉપી લિંક
  • સાઇબર ફ્રોડથી લોકો સતર્ક થયા તો હવે હેકર્સ એટીએમમાંથી જ પૈસા ઉપાડી રહ્યા છે

ગુજરાત સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં એટીએમ કાર્ડ રીડર ચોરીને ગ્રાહકોના બેન્ક ખાતામાંથી પૈસા કાઢી લેવાનું સુવ્યવસ્થિત સ્કેમ ચાલી રહ્યું છે. ગુજરાતમાં એકલા સુરતમાં અત્યારસુધીમાં 16 કાર્ડ રીડર ચોરી થયાં છે અને 10 ડિસમેન્ટલ થયાં છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી આ ગેંગના પાંચ સભ્યની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ફ્લાઇટમાં બિહારથી દિલ્હી જતા અને ત્યાંથી સુરત આવતા હતા. તેઓ અલગ અલગ ટીમ બનાવીને સુરતના વિવિધ વિસ્તારોમાં એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ કરતા હતા. એવી આશંકા છે કે ટોળકીના માસ્ટરમાઇન્ડ દુબઈ અને આફ્રિકામાં છે. તેઓ ત્યાંથી ભારતમાં પોતાની ગેંગના માણસોને નિર્દેશ આપે છે. ગુજરાતમાં સુરત, મહારાષ્ટ્રમાં મુંબઈ, પુણે, હરિયાણા, દિલ્હી, બિહાર, ઝારખંડમાં આ ટોળકીએ અત્યારસુધીમાં 40 કાર્ડ રીડર ચોર્યાં છે.

આ કાર્ડ રીડર એસબીઆઇ, એક્સિસ બેન્ક અને ઇન્ડસઇન્ડ બેન્કનાં છે. સુરતમાં ડિંડોલી અને લિંબાયતમાં બે લોકોનાં ખાતાંમાંથી પૈસા કાઢી લેવાના બનાવો સામે આવ્યા છે. બેન્કમાં પૂછપરછ કરતાં ખબર પડી કે આ પૈસા દિલ્હીમાં આઝાદનગરસ્થિત એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરાયા હતા. પોલીસે કાર્ડ રીડર ચોરીનો કેસ નોંધ્યો છે, પણ અત્યારસુધીમાં એકપણ આરોપી પકડાયો નથી. સાઇબર એક્સપર્ટનું કહેવું છે કે કાર્ડ રીડરમાં એટીએમમાંથી પૈસા કાઢનાર ગ્રાહકનો ડેટા સ્ટોર થયેલો હોય છે. આ ડેટા ટોળકીના હાથમાં જઈ શકે છે. ગુજરાતમાં સૌથી પહેલા સુરતમાં જાન્યુઆરી 2020માં આ બનાવ સામે આવ્યો હતો.

આફ્રિકા-દુબઈમાં છે માસ્ટર માઇન્ડ: ગેંગના સભ્યોને નિર્દેશ આપે છે
સાઇબર ક્રાઇમના જાણકારોના જણાવ્યા અનુસાર આ એક આંતરરાષ્ટ્રીય સ્કેમ છે. આફ્રિકા અને દુબઈથી કેટલાક લોકો ભારતમાં તેનો દોરીસંચાર કરે છે. ભારતમાં લોકોને હાયર કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં 15 દિવસ પહેલાં ઇન્ડસઇન્ડ બેન્કમાં પણ આવો જ બનાવ બન્યો હતો. મહારાષ્ટ્રમાં મુંબઈ ઉપરાંત પુણે તથા હરિયાણા, દિલ્હી, બિહાર, ઝારખંડમાં પણ 10-12 કેસ સામે આવ્યા છે. ઓગસ્ટમાં મુંબઈના ચાર કેસ ઉપરાંત મહારાષ્ટ્રમાં 10થી 12 બનાવો સામે આવ્યા હતા.

બિહાર-ઝારખંડમાં અપાય છે ચોરીની ટ્રેનિંગ.
બિહાર-ઝારખંડમાં અપાય છે ચોરીની ટ્રેનિંગ.

આ રીતે કાર્ડ રીડરની ચોરી
સુરતમાં 16 એટીએમ કાર્ડ રીડર ચોરી કરીને એમાં 64 જીબીનું મેમરી કાર્ડ લગાવી દેવાયું હતું. 10 એટીએમ ખોલીને જતા રહ્યા હતા, જેમાં લોકો એટીએમ કાર્ડ નાખે તો કાર્ડ અંદર પડી જતું હતું. ચોર સવારે બેન્ક ખૂલે એ પહેલાં એટીએમ કાર્ડ કાઢીને લઈ જતા. એટીએમમાંથી કાર્ડ રીડર કાઢવા માટે ડબલ પાસવર્ડ હોય છે. ચાવીઓ પણ હોય છે. તેથી ચોરી કરવી સરળ નથી હોતી. એક કાર્ડ રીડરની કેપેસિટી 120 કાર્ડની હોય છે, પણ ડેટા વાઇપ આઉટ થઈ જાય છે.

બિહાર-ઝારખંડમાં ટ્રેનિંગ અપાય છે
આરોપીઓ જાન્યુઆરી 2020માં સુરત આવ્યા હતા. કાર્ડ રીડર ચોરીનો પહેલો કેસ સામે આવ્યા બાદ તેઓ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. લૉકડાઉનમાં તેઓ અહીંથી જતા રહ્યા હતા. જુલાઈમાં પાછા આવીને અનેક એટીએમને ટાર્ગેટ કર્યા. તેઓ સ્કીમર બનાવવાના તથા લગાવવાનાં કામમાં નિપુણ છે. રીતુરાજ નામનો આરોપી ગ્રેજ્યુએટ છે, જ્યારે બાકીના 12 પાસ છે. તેઓ બિહારના ગયા જિલ્લાના ચોવાર ગામના છે. તે ઝારખંડના જામતાડા ગામ નજીક છે. અહીંથી જ એટીએમ ફ્રોડના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તેમને ગામમાં જ આ ટ્રેનિંગ અપાય છે.

સુરતમાં કાર્ડ રીડર ચોરીના બનાવો

  • 23 ઓગસ્ટે ડિંડોલીમાં 3 એટીએમનાં કાર્ડ રીડર ચોરી થયાં.
  • 27 ઓગસ્ટે નોંધાયેલા કેસમાં પાંડેસરામાં કાર્ડ રીડર ચોરીનો પ્રયાસ.
  • 29 ઓગસ્ટે નોંધાયેલા કેસમાં ઉધના અને પુણામાં 1-1 કેસ નોંધાયા હતા.

મોડ્સ ઓપરેન્ડી: ATM ખોલીને મેગ્નેટિક ચિપ લગાવી દેવાય છે, પછી સૉફ્ટવેરથી ડુપ્લિકેટ કાર્ડ બનાવી લે છે
સુરતમાં પકડાયેલા આરોપી ટીમ બનાવીને એક્સિસ બેન્કના એટીએમને ટાર્ગેટ કરે છે. તેઓ ડુપ્લિકેટ ચાવીથી એટીએમનું હૂડ ખોલીને કાર્ડ રીડરની સાથે સ્કિમર મશીન લગાવી દેતા. એ પછી તેઓ પૈસા વિડ્રો કરનારાઓના કાર્ડનો ડેટા ચોરી લે છે. પૈસા કાઢતી વખતે એક આરોપી ત્યાં જ ઊભો રહે છે. ગ્રાહક જે પીન નંબર નાખે તેને એ પોતાના મોબાઇલમાં નોંધી લે છે. બાદમાં એટીએમમાંથી મળેલો ડેટા લેપટોપમાં લઈને મિની ટૂલ્સ સૉફ્ટવેર દ્વારા રાઇટર મશીનમાં ડુપ્લિકેટ એટીએમ કાર્ડ બનાવી લે છે. ગેંગના સભ્યો સુરતમાં ભાડાના ઘરમાં રહેતા. તેઓ એટીએમ ખોલીને કાર્ડ રીડર પર મેગ્નેટિક ચિપ લગાવી દેતા. ચિપ લગાવ્યા બાદ બે જણ એટીએમની આસપાસ રહેતા. દર 15-20 મિનિટે એક જણ દૂર થઈ જતો અને તેની જગ્યાએ બીજો માણસ આવી જતો હતો.

એક્સપર્ટ વ્યૂ: કાર્ડ રીડર ચોરી થતાં ગ્રાહકો સાથે ચાન્સ વધી જાય છે
સાઇબર એક્સપર્ટ ડૉ. ચિંતન પાઠકના જણાવ્યા અનુસાર, કાર્ડ રીડર એટીએમ મશીનનો સૌથી મહત્ત્વનો ભાગ છે. એમાં એક મેગ્નેટિક ચિપ હોય છે, જેમાં યુઝર્સનો ડેટા હોય છે. ગ્રાહક કાર્ડ ઇન્સર્ટ કરે એટલે સર્વર સાથે કનેક્ટ થાય છે, જ્યાંથી ટ્રાન્ઝેક્શન થાય છે. કાર્ડ રીડરનું કામ એ છે કે તે કાર્ડને રીડ કરીને સર્વર સુધી પહોંચાડે. કાર્ડ રીડરની કેપેસિટી ફિક્સ નથી હોતી, માત્ર મશીનની જ કેપેસિટી હોય છે અને ડેટા રીરાઇટ પણ થઈ જાય છે. ધારો કે પહેલા દિવસે 500-600 લોકો એટીએમમાં આવ્યા હોય અને કાર્ડ રીડ કરાવ્યું હોય અને બીજા દિવસે 500 લોકો આવે છે તો પહેલા દિવસનો ડેટા રીરાઇટ થઈ જાય છે. ડેટા કાયમ માટે સ્ટોર નથી થતો, તેથી જ્યારે એટીએમમાંથી કાર્ડ રીડર ચોરી થાય છે ત્યારે તેના એક દિવસ અગાઉના ગ્રાહકો સાથે ફ્રોડ થવાના ચાન્સીસ વધી જાય છે. ગેંગમાં સૉફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર એન્જિનિયર જેવા લોકો સામેલ છે, જેમને એટીએમની સારી જાણકારી હોય છે.

અન્ય સમાચારો પણ છે...