સુરતમાં ક્રુર હત્યા:કાપોદ્રામાં ઘરના પહેલા માળે ઘૂસી મહિલાનું ગળું કાપી હત્યારો ફરાર, 1 વર્ષનો પુત્ર માતા પાસે લોહીના ખાબોચિયામાં રમતો હતો

સુરત4 મહિનો પહેલા
મૃતક મહિલાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક મહિલાની ફાઈલ તસવીર.
  • ગૌતમપાર્ક સોસાયટીમાં સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા
  • મૃતક મહિલા સાથે રહેતા યુવકની પહેલી પત્ની શંકાના દાયરામાં

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ગૌતમપાર્ક સોસાયટીના ઘરમાં ઘૂસી એક મહિલાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. અજાણ્યો ઈસમ મહિલાનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, એક વર્ષનું બાળક (પુત્ર) માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો.

વીડિયો કોલ ન કરતા ઘરે આવેલા યુવકને મહિલા મૃત મળી
સજ્જનસિંહ પરમાર (ડીસીપી ઝોન-1)એ જણાવ્યું હતું કે, ગૌતમપાર્ક સોસાયટીના મકાનના પહેલા માળે સ્નેહલતાબેન નામની મહિલાની હત્યા કરવામાં આવી છે. મૃતક મહિલા પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે રહેતા હતા. પ્રકાશભાઈની પૂર્વ પત્ની છે. સવારે પ્રકાશભાઈ ટિફિન લઈને નોકરી પર જતા રહ્યા હતા. રોજ બપોરે બંને વીડિયોથી વાત કરતા હોય છે. જોકે, આજે સ્નેહલતાએ વીડિયો કોલ ન કરતા ઘરે આવ્યા હતા. ત્યારે પત્નીની ગળું કાપી હત્યા કરાઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. હાલ તપાસ ચાલી રહી છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

ત્રણ દિવસ બાદ પુત્રના જન્મદિવસને લઈને તૈયારીઓ ચાલતી હતી
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સ્નેહલતાબેનને એક વર્ષનો પુત્ર છે જેનો 19મીએ જન્મ દિવસ આવી રહ્યો હતો. જેને લઈ ધામધૂમથી ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. શેરીમાં બધાને જમવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સ્નેહલતાબેને પ્રકાશભાઈનો ફોન ન ઉપાડતા પ્રકાશભાઈએ ભાડુઆતને ઘરે મોકલ્યા હતા. જ્યાં ઘરને બહારથી કજી મારેલી હોવાથી ભાડુઆત કડી ખોલી અંદર પ્રવેશ કરતા એક વર્ષનું બાળક (પુત્ર) માતાના લોહીના ખાબોચિયામાં રમતો હતો. આજે આ ઘટના બનતા આખી શેરી હેબતાઈ ગઈ છે.

નોકરી પરથી ઘરે દોડી આવેલા યુવકને મહિલા મૃત મળી.
નોકરી પરથી ઘરે દોડી આવેલા યુવકને મહિલા મૃત મળી.

સ્થાનિકોના કહેવા પ્રમાણે પ્રકાશભાઈએ મૃતક મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા
વધુમાં જણાવ્યું હતું કે પ્રકાશભાઈને પહેલી પત્ની અને એની 14 વર્ષની દીકરી હતી. દીકરીનું કોઈ કારણસર મૃત્યુ થયું હતું. પહેલી પત્ની આશા ડીંડોલીમાં રહે છે. પત્ની સાથેના વિવાદમાં છૂટાછેડા લઈ પ્રકાશભાઇએ મરાઠી સ્નેહલતા સાથે પ્રેમ લગ્ન કરી બે વર્ષથી જ પ્રગતિ નગરમાં રહેવા આવ્યા હતા. ઉત્તર ગુજરાતના વતની પ્રકાશભાઈ ઝેરોક્ષ મશીન રીપેરીંગનું કામ કરતા હોવાનું હાલ બહાર આવ્યું છે. પહેલી પત્ની શંકાના દાયરામાં આવતા પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.