સાવચેતી સાથે ઉજવણી:ગરબા રમવા વેક્સિન લીધાનું સર્ટિફિકેટ સોસાયટીઓએ ફરજિયાત કર્યું, બહારની વ્યક્તિઓને ‘નો એન્ટ્રી’નો નિર્ણય

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોસાયટીઓ રોશનીથી ઝગમગી. - Divya Bhaskar
સોસાયટીઓ રોશનીથી ઝગમગી.
  • દરેક સોસાયટીઓમાં સેનિટાઈઝર ફરજિયાત રાખવા પાલિકાની તાકીદ
  • સોસાયટી કે ફ્લેટમાં રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, 12 પછી ગરબા ચાલું રહેશે તો કાર્યવાહી કરાશે : અજય તોમર

ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે શહેરની સોસાયટીઓ તથા એપાર્ટમેન્ટોના રહીશો આયોજનોને આખરી ઓપ આપી રહ્યા છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી અને આ વર્ષે પ્રોફેશનલ નવરાત્રિના આયોજનની મંજૂરી ન હોવાથી ઘર આંગણે પરિવાર સાથે શેરી-ગરબાના આયોજનથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કરે અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે વાત કરીને તેમના આયોજન વિશે માહિતી મેળવી હતી, જેમાં જાણવા મળ્યું કે, શહેરની મોટા ભાગની સોસાયટીઓએ આ વર્ષે બહારની વ્યક્તિઓને ગરબા રમવા માટે ‘નો એન્ટ્રી’ રાખી છે, જ્યારે અમુક સોસાયટીઓ 9 દિવસની જગ્યાએ માત્ર 1-2 દિવસ જ ગરબા રમશે. વેક્સિન લીધુ હોવાનું સર્ટિફિકેટ હશે તેમને જ સોસાયટીઓમાં ગરબા રમવા માટેની પરવાનગી આપવામાં આવશે. સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરાઈ છે.

શું કહે છે સોસાયટીઓના રહીશો?

  • અમારી સોસાયટીના તમામ લોકોએ રસી લીધી છે, નવરાત્રિ દરમિયાન કોઈના ઘરે ગેસ્ટ આવ્યા હશે અને રસી લીધી ન હશે તો રમવા દેવાશે નહીં.- કૃણાલ મજૂમદાર, લા હેલિયોસ બંગ્લોઝ સોસાયટી, પાલ
  • અમારી સોસાયટીમાં આ વર્ષે કોરોનાને કારણે માત્ર એક જ દિવસ ગરબાનું આયોજન કરાશે. બહારના ને એન્ટ્રી અપાશે નહીં. તમામ તકેદારી રખાશે.- અદિપ દેસાઈ , પ્રમુખ, રૂતુરાજ એપાર્ટમેન્ટ, અઠવાગેટ
  • બહારના લોકોને એન્ટ્રી આપીશું પરંતુ વેક્સિન લીધી હશે તો જ. કોરોના જાગૃતિ માટે સોસાયટીમાં સેફ્ટી ઝોન બનાવવામાં આવશે.- રાહુલ જોષી, મેમ્બર, સિલિકોન લક્ઝરિયા, પાલ.
  • નવરાત્રિ પહેલાં જ સોસાયટીના તમામ લોકોએ વેક્સિન મુકાવી દીધી છે.જેથી તમામ લોકો શ્રધ્ધાભેર માતાજીની આરાધના કરી શકીશું.- સંદિપ મોદી, સભ્ય, શાલીગ્રામ સિગ્નેચર સોસાયટી, પાલ,
  • સોસાયટીમાં બહારના લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં અને જે રહીશોએ વેક્સિન મુકાવી હશે તેને જ ગરબા રમવા દેવામાં આવશે.- વિરેન્દ્ર જરીવાલા, પ્રમુખ, હાઈટેક રેસિડેન્સી, વેસુ
  • આ વર્ષે બહારના લોકોને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ગરબા રમવા માટે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.તમામે પાલન કરવું પડશે. { મનીષ શાહ, પ્રમુખ, વેસ્ટર્ન સોમ ચિંતામણી રેસીડેન્સી, પાલ
  • આ વર્ષે 10 દિવસ ઓરકેસ્ટ્રા રાખીશું. બહારની વ્યક્તિઓને સોસાયટીમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. તમામ આયોજન કરી દેવાયું છે.- ધર્મેશ આહીર, પ્રમુખ, સંગીના ગાર્ડનિયા સોસાયટી, દાંડી
  • આ વર્ષે બહારની વ્યક્તિઓને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ઉપરાંત સોસાયટીમાં જેમણે વેક્સિન લીધી હશે તઓે જ ગરબા રમી શકશે.- જીમિલ શાહ, પ્રમુખ શિવ કાર્તિક એન્કલેવ, વેસુ
  • અમે આ વર્ષે માત્ર બે દિવસ ગરબાનું આયોજન કરીશું. એક સાથે 350 લોકોને જ ગરબા રમવા દેવામાં આવશે. ખેલૈયાઓએ બંને ડોઝ લીધા હોવા જરૂરી છે.- વિપુલ શાહ, પ્રમુખ, સેવન હેવન, વેસુ
  • આ વર્ષે ઉત્સાહથી નવરાત્રિનું આયોજન કર્યું છે. દર વર્ષે બહારના લોકોને એન્ટ્રી આપીએ છે પરંતુ આ વર્ષે કોરોનાને કારણે સોસાયટીમાં ‘નો એન્ટ્રી’ રહેશે.- આશિષ પટેલ, પ્રમુખ, રાધે પાર્ક સોસાયટી, જહાંગીરાબાદ

રાત્રે 12 પછી રોડ પર ફરનાર સામે કાર્યવાહી કરાશે : પોલીસ કમિશનર
કોરોનાને કારણે આ વખતે સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. જેથી ખેલૈયાઓ ખુશ છે, સાથે આ વખતે નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યાથી કફ્યુનો અમલ કરાશે. જેથી ગરબા રમી રાત્રિના 12 પહેલા ગંતવ્ય સ્થાને પહોંચવાનું રહેશે. 12 વાગ્યા પછી કફ્યુમાં નીકળશો તો પોલીસ કાર્યવાહી કરશે. કોરોનાના કેસો ઓછા થયા હોય પરંતુ સાવચેતીના પગલાંના ભાગે સરકારે નવરાત્રીના કોમર્શિયલ અને ખાનગી આયોજનો પર પ્રતિબંધ મૂક્યો છે.શેરી-ગરબા માટે સ્થાનિક પોલીસે તમામ સોસાયટીનાં પ્રમુખો જોડે મિટીંગ કરી રાત્રિના 12 પહેલાં ગરબાનું આયોજન પુર્ણ કરવાનું રહેશે લારી-ગલ્લા પણ બંધ કરાશે. સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે, નવરાત્રિમાં રાત્રિના 12 વાગ્યાથી કફ્યુ લાગશે, રાત્રે 12 વાગ્યા પછી રોડ પર ફરનાર સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...