• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Social Organizations Distribute Notebooks To Children Studying Online On The Auspicious Occasion Of Gurupurnima In Surat

સુરત:ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ઓનલાઈન અભ્યાસ કરતાં બાળકોને સામાજિક સંસ્થાઓ દ્વારા નોટબૂક વિતરણ

સુરત2 વર્ષ પહેલા
25 હજાર બૂક વિતરણ કરી રહ્યા છે
  • સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોને રાહતદરે નોટબૂક અપાઈ
  • 50 હજાર કરતાં વધુ નોટબૂકનું વિતરણ કરીને સહકાર અપાયો

કોરોના વાઈરસના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. સ્કૂલો દ્વારા અને સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવવામાં આવ્યું છે. ત્યારે સામાન્ય અને મધ્યમવર્ગના લોકોના બાળકોને અભ્યાસમાં તકલીફ ન પડે તે માટે વરાછાની સામાજિક સેવાકીય કાર્ય કરતી સંસ્થા આગળ આવી છે. રોટરેક્ટ ક્લબ ઈસ્ટ અને સોશિયલ આર્મી દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે 50 હજાર નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું છે. જે લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે લાઈનો લગાવી હતી. લોકડાઉન બાદની સર્જાયેલા આર્થિક પરિસ્થિતિમાં આ નોટબૂકથી સધિયારો મળ્યો હોવાનું વાલીઓએ જણાવ્યું છે.

નહીં નફા નુકસાનના ધોરણે બૂક વિતરીત કરાઈ
સોશિયલ આર્મીના વિશાલભાઈ બેલડીયાએ જણાવ્યું હતું કે, અમે મધ્યમવર્ગના લોકોને સાથ સહકાર આપવા માટે નોટબૂકનું વિતરણ શરૂ કર્યું છે. અત્યારે વાલીઓ ઓનલાઈન બાળકોને ભણાવી રહ્યા છે. સ્ટેશનરીનો ખર્ચ તેમને વધુ ન આવે તે માટે અમારી સામાજિક સંસ્થાના કાર્યકરે નહીં નફા નહીં નુકસાનના ધોરણે બૂક છાપી આપી છે. જેથી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં 25 હજાર બૂકનું વિતરણ કર્યું હતું. જેમાં સારો સહકાર વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા મળ્યો અને માંગ વધતા વધુ 25 હજાર બૂક વિતરણ કરી રહ્યા છીએ.

માંગને જોતા વિતરણ ચાલુ રખાશે
રોટરેક્ટ કલબ ઈસ્ટના પ્રમુખ નીતિનભાઈ ધામેલીયાએ જણાવ્યું હતું કે, ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે અમે આ કાર્ય શરૂ રાખ્યું છે. વિદ્યાર્થીઓ ઘર બેઠા અભ્યાસ કરી રહ્યાં છે તેમને સ્ટેશનરી મોંઘા ભાવે ખરીદવી હાલના સમયમાં પરવડે તેમ નથી. જેથી સામાજિક સંસ્થાના આગેવાનો દ્વારા સહકાર મળતાં આ કાર્ય કરી રહ્યા છીએ. બજાર કરતાં અડધાથી સસ્તી કિંમતમાં નોટબૂક આપીએ છીએ. હાલ સારો પ્રતિસાદ મળતાં બૂક વિતરણનું કામ આગામી સમયમાં પણ શરૂ રહેશે. જેથી વાલીઓ મોટી સંખ્યામાં આવે છે. આજે શાળાઓની ફી પણ વાલીઓ ભરી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે સ્ટેશનરીના ખર્ચમાં રાહત આપવાનું કામ તેઓ સભ્યોની મદદથી કરી રહ્યા હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

કપરા સમયમાં મોટી મદદ
રાહુલભાઈ પટેલ વાલીએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં ઘરમાં પાંચ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. અત્યારે વિકટ પરિસ્થિતિમાં સ્ટેશનરીનો મોટો ખર્ચ આવે તેમ છે. પરંતુ સામાજિક સંસ્થાઓ દ્વારા કપરા સમયમાં મોટી મદદ કરવામાં આવી રહી છે,. નોટબૂકનો ખર્ચ ઘણો હળવો થઈ ગયો છે. દરેક લોકો પોતાનાથી યથાશક્તિ સામાન્ય અને મધ્યમવર્ગ માટે પણ વિચારે તો આ કપરો સમય ઝડપથી જતો રહે અને બધાના ટેકે ટેક સારી મદદ થઈ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...