ડિમોલિશન:સુરતમાં રેલવે ટ્રેક આસપાસ આવેલા ઝૂંપડાઓ દૂર કરાયા, પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો હટાવાયા

સુરત16 દિવસ પહેલા
પોલીસ બંદોબસ્ત સાથે ફરી ડિમોલિશન કરાયું હતું.
  • પૂરતાં પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી ઝૂંપડાને હટાવાયા

સુરતમાં મિલેનિયમ માર્કેટ પાસે છેલ્લા ત્રણ દાયકા કરતાં વધારે સમયથી તાણીને ઉભા કરી દેવામાં આવેલા 900થી વધુ ઝૂંપડાઓના ડિમોલિશનની કામગીરીનો આજથી વધુ એક વખત પ્રારંભ કરવામાં આવ્યો હતો. અગાઉ ઓગસ્ટ મહિનામાં રેલવે તંત્ર દ્વારા આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સ્થાનિકોના વિરોધ વચ્ચે કોર્ટનો સ્ટે આવી જતાં ડિમોલિશનની કામગીરી તત્કાલ ખોરંભે ચઢી ગઈ હતી. રેલવે તંત્ર દ્વારા વધુ એક વખત ઝૂંપડાવાસીઓને નોટિસ ફટકાર્યા બાદ આજથી ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું હતું.

રેલવે ટ્રેકની સાથે સાથે પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે
રેલવે ટ્રેકની સાથે સાથે પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે

શાંતિપૂર્ણ કામગીરી શરૂ
વહેલી સવારે નવ વાગ્યાથી હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરી દરમ્યાન પ્રારંભે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો. બપોરે 12 વાગ્યા સુધીમાં રેલવે તંત્ર દ્વારા અપના નગર સહિત આસપાસ આવેલા 750થી વધુ ઝૂંપડાઓના ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે સમ્પન્ન થઈ ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે, રેલવે તંત્ર દ્વારા અસામાજીક તત્વોનો અડ્ડો સાબિત થઈ રહેલા આ ઝૂંપડાઓના ડિમોલિશનની કામગીરી સાથે-સાથે છેલ્લા કેટલાક સમયથી રેલવે ટ્રેકની સાથે સાથે પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બંદોબસ્ત વધારી દેવાયો હતો.
કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બંદોબસ્ત વધારી દેવાયો હતો.

300થી વધુ જવાનો ખડકી દેવાયા
રેલવેની હદમાં ધરાર ગેરકાયદેસર ઉભા કરી દેવામાં આવેલા ઝૂંપડાઓ રેલવેના વહીવટી તંત્ર માટે છેલ્લા ઘણા સમયથી માથાના દુઃખાવા સમાન સાબિત થઈ રહ્યા હતા. અલબત્ત, આજે વહેલી સવારે સ્થાનિકોના વિરોધની સંભાવનાઓ વચ્ચે આજે તંત્ર દ્વારા 300થી વધુ સુરત આરપીએફ, જીઆરપીએફ અને સુરત શહેર પોલીસનો કાફલો ડિમોલિશન સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.