સુરત રેલવે સ્ટેશનના CCTV:નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડતી વેળા પગ લપસતાં મહિલા ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ, માંડ માંડ જીવ બચ્યો

સુરતએક મહિનો પહેલા
  • સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3ની ઘટના
  • મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાતાં માથામાં ઈજા

સુરત રેલવે સ્ટેશન પર એક ચમત્કારિક બચાવનો કિસ્સો સીસીટીવીમાં કેદ થયો છે. સુરત રેલવે સ્ટેશન પર નાસ્તો લઈ ચાલુ ટ્રેનમાં ચડવા જતાં મહિલાનો પગ લપસી ગયો હતો, પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ભાગે પટકાઈ હતી. બૂમાબૂમ કરતાં ત્રણ ડબા પસાર થઈ ગયા બાદ ટ્રેન રોકાઈ હતી અને મહિલાનો જીવ બચ્યો હતો.

મહિલાનો પગ લપસતાં પટકાઈ.
મહિલાનો પગ લપસતાં પટકાઈ.

મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી અંદર ધકેલાઈ ગઈ
સુરત રેલવે સ્ટેશન પર ગત રોજ પ્લેટફોર્મ નંબર 3 પર રાજસ્થાનથી સુરત સ્ટેશન પર આવેલી ટ્રેન આગળની સફર કરતા એક ગંભીર ઘટના બની હતી. 40 વર્ષની મહિલા પ્રવાસી બાળકો માટે પ્લેટફોર્મ પર નાસ્તો લેવા ગઈ હતી. ટ્રેન ચાલુ થઈ જતાં તે ટ્રેનમાં ચડવા માટે દોડી ત્યારે પગ લપસી ગયો હતો. જેથી મહિલા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેથી અંદર ધકેલાઈ ગઈ હતી.

લોકો મદદ માટે દોડી આવ્યા.
લોકો મદદ માટે દોડી આવ્યા.

મહિલાને નીચે દીવાલ તરફ સ્થિર અને શાંત રહેવા માટે લોકોએ સમજાવી
મહિલા પટકાઈ હોવાની જાણ થતાં લોકોએ બૂમાબૂમ કરી દીધી હતી. દરમિયાન મહિલાને નીચે દીવાલ તરફ સ્થિર અને શાંત રહેવા માટે લોકોએ સમજાવી હતી. અંદાજે ત્રણ જેટલા ડબ્બા પસાર થયા બાદ ટ્રેન રોકાતાં સ્ટેશન પરના કૂલીઓએ મહિલાને બહાર કાઢી હતી. સદભાગ્યે મહિલાનો જીવ બચી ગયો હતો. જોકે મહિલાને માથામાં ઈજા થતાં સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.