સુરતમાં ઓલપાલ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. દીવાલ ધરાશાયી થતાં બાજુનાં અન્ય બે આવાસ પણ તૂટી પડ્યાં હતાં. આ ઘટનામાં એક જ પરિવારના 6 લોકો મકાનના કાટમાળ નીચે દટાયા હતા અને એક બાળકીનું મોત નીપજ્યું હતું. ચાર ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઓલપાડ તાલુકાના એરથાણ ગામમાં બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ હળપતિવાસમાં એક મકાન ધરાશાયી થયું હતું. આ મકાનના કાટમાળમાં એક જ પરિવારના 6 સભ્ય દટાયા હતા. મકાન ધરાશાયી થવાની ઘટના બનતાં જ ગામના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની જહેમત ઉઠાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી દેવામાં આવી હતી. 108 પહોંચે એ પહેલાં જ લોકોએ ત્રણેક જણને કાટમાળમાંથી બહાર કાઢીને સાયણની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યાં સારવાર દરમિયાન બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.
ફાયર વિભાગની ટીમે કાટમાળ ખસેડવાની જહેમત ઉઠાવી
ગામના લોકોએ 108 સહિત ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ પણ જાણ થતાંની સાથે જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને બચાવી લીધા હતા. આ ઘટનામાં પરિવારના પરેશભાઈ રાઠોડ, સુનિતાબેન રાઠોડ, પવન, પાયલ, ગણપતભાઈ અને કમુબેનને ઇજા થઈ હતી, જેમાંથી પરેશભાઈ, સુનીતા અને પવનને હોસ્પિટલ ખસેડાયાં હતાં.
સમયસૂચકતા વાપરીને બાળકને બચાવી લેવાયો
ગામવાસીઓએ જણાવ્યું હતું કે ઘટના બાદ તુષારભાઈ નામના ગામના એક યુવકે પવન નામના આશરે ત્રણેક વર્ષના બાળકને સમયસૂચકતા વાપરી બચાવી લીધો હતો. બાળકને બહાર કાઢતાં શરૂઆતમાં તેના ધબકારા ધીમે ચાલતા હતા. તેને બચાવવા તાત્કાલિક સારવાર આપવી જરૂરી હતી. બાળકને મોંથી શ્વાસ આપી પોતાની કારમાં સ્મિમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેનો જીવ જે-તે સમયે બચી જતાં સ્મિમેરમાં દાખલ કરાયો હતો.
ગામમાં આ મકાન જૂનાં અને કાચાં હતાં
એરથાણ ગામના સરપંચ અમિશ પટેલે જણાવ્યું હતું કે ઘટના દુઃખદ છે. મકાન વર્ષો જૂનાં અને કાચાં હતાં. ઘટના બાદ તમામને સ્વિમેર હોસ્પિટલમાં લઇ જવાયા હતા. તમામને બધી જ સુવિધા સાથે સારવાર મળે એ માટે તમામ ઉપાયો કર્યા છે. મામલતદાર અને TDO આજે એરથાન ગામની મુલાકાતે પણ આવવાના છે. હું પ્રયત્ન કરીશ કે આવી ઘટના બીજીવાર ન બને અને તમામ કાચાં મકાનોને કઈ રીતે મજબૂત બનાવવા એના ચોક્કસ પ્રયાસ કરીશ.
લોકો દોડીને મદદે આવ્યા હતા
મિતુલ દરબાર (સ્થાનિક રહેવાસી) એ જણાવ્યું હતું કે એરથાણ ગામના હળપતિવાસમાં લગભગ 10 વર્ષ પહેલાં જ ગરીબો માટે સરકારી 20 જેટલા આવાસના મકાન બન્યા હતા. જે પૈકીના બે ગત રાત્રે તૂટી પડ્યા હતા. ઇંટ અને સિમેન્ટની દીવાલ ઉપર લોખંડની એંગલ મૂકી પતરાના બનાવવામાં આવેલા મકાનની એક દીવાલ બાજુના મકાનની દીવાલ ઉપર પડતા બન્ને મકાનના લોખંડના એંગલ સાથે પતરા શ્રમજીવી પરિવાર પર તૂટી પડ્યા હતા. ચિચયાળીથી હળપતિવાસ ગુંજી ઉઠ્યું હતું. લોકો દોડીને મદદે આવતા તમામને બચાવી લેવાયા હતા. જોકે એક બાળકી મોતને ભેટી હતી.
મૃતકના પરિવારને 5 લાખની સહાય આપવા કોંગ્રેસની માગ
ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓલપાડ તાલુકાના એરથાણ ગામે ગત રાતે આદિવાસી સમાજના કાચા મકાન ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુ પામેલ બાળકીના પરિવારને પાંચ લાખ(5,00,000) રૂપિયાની સહાય અને ઘટનામાં ઇજા પામેલ લોકોને હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે ઓલપાડ તાલુકાના ગામોમાં સરપંચો, સેના ખાદી ઉપર ગેરકાયદેસર દબાણ જેવી વિવિધ બાબતે સુરત જિલ્લા કલેક્ટર, સુરત જિલ્લા વિકાસ અધિકારી તથા વિકાસ કમિશનર ગુજરાતને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.