મોર્નિંગ વોકમાં નીકળેલા પોલીસ કમિશનરને ઓફિસર જિમખાના પાસે એક વૃદ્ધે ‘તમે પોલીસ કમિશનર છો’ એવું પૂછીને ભત્રીજાની ખોવાયેલી બેગ પરત અપાવવા વિનંતી કરતાં તેમણે 2 દિવસમાં જ બેગ પરત અપાવી હતી.
પોલીસ કમિશનર અજય તોમર શનિવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. અઠવા ઓફિસર્સ જિમખાના પાસે તેમને એક વૃદ્ધ વેપારી ઓમપ્રકાશ અગ્રવાલ મળ્યા હતા. જેમણે ‘તમે પોલીસ કમિશનર છો, એવું કહ્યું હતું કે ‘મારો ભત્રીજો કારમાં એરપોર્ટ જતો હતો ત્યારે બેગ પડી ગઈ છે, મળી શકે છે?’ કમિશનરે બાદમાં ઉમરા પોલીસના ઇન્સ્પેક્ટર રાજપૂતને તપાસ કરવાનું કહ્યું હતું. ભત્રીજો અઠવાલાઈન્સથી નીકળ્યો ત્યાંથી કેમેરા ચેક કરતાં જાની ફરસાણ પાસે કારની ડીકીમાંથી બેગ પડતી દેખાઈ હતી. ત્યાર બાદ થોડી જ ક્ષણોમાં એક રિક્ષાવાળો આ બેગ ઊંચકતો દેખાયો હતો.
રિક્ષાના નંબરના આધારે ખબર પડી કે તે બનારસી પાંડે નામનો ચાલક હતો. બનારસીએ કહ્યું હતું કે બેગ SVNIT ટ્રાફિક ચોકી પર આપી છે, તેથી પોલીસે ચોકી પર તપાસ કરતાં એક ટીઆરબીએ આ બેગ સ્વીકારી હતી, પરંતુ તે ભૂલી ગયો હતો, ત્યાર બાદ રજા પર હતો. પરત આવ્યા બાદ તેણે બેગ પરત આપી હતી. બેગમાં રોકડ અને બાળકના સ્કૂલને લગતા ડોક્યુમેન્ટ હતા. જોકે આખરે આ બેગ મળી જતાં પરિવારે પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો.
રિક્ષાવાળાની પ્રામાણિકતા પણ અભિનંદનને પાત્ર છે
મારો દીકરો ઊટીમાં અભ્યાસ કરે છે. હું મારી પત્ની અને નાની દીકરી 6 એપ્રિલે સવારે ઉટી જવા કારમાં અઠવાલાઈન્સથી એરપોર્ટ જવા નીકળ્યા હતા. ડીકીમાં ઘણા સામાન હતો. એરપોર્ટ જોયું તો એક બેગ નોહતી. તેમાં થોડા રૂપિયા અને દીકરાના સ્કૂલને લગતા મહત્વાનાં ડોક્યુમેન્ટ્સ અને સામાન હતો. અમારી ફ્લાઈટ હોવાથી નીકળી જવું પડ્યું હતું. મારા કાકા ઓમપ્રકાશભાઈએ પોલીસ કમિશનરને આ વાત કરી હતી. ઉમરા પોલીસમાં અરજી પણ કરી હતી. પોલીસના પ્રયાસોથી અને રિક્ષાવાળાની ઇમાનદારીને કારણે અમારી બેગ પરત મળી હતી. > રાહુલ ગોયલ, યાર્ન વેપારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.