લોકોને રાહત થશે:સુરત પાલિકા દ્વારા વરાછા સહિતના વિસ્તારોમાં સિંગલ મીટર સિંગલ પાણી બિલની સિસ્ટમનો ઠરાવ, સામાન્ય સભામાં આખરી નિર્ણય લેવાશે

સુરત5 મહિનો પહેલા
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ.
  • વોટર મીટરના મિનિમમ રૂપિયા 470 રૂપિયા બિલ તેમજ અન્ય ચાર્જ ચૂકવવાથી રાહત થશે

સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા સહિતના વિસ્તારોમાં સિંગલ મીટર સિંગલ પાણી બિલની સિસ્ટમનો ઠરાવ કર્યો છે. સ્થાયી સમિતિ દ્વારા સામાન્ય સભામાં આખરી નિર્ણય લેવાશે. વોટર મીટરના મિનિમમ રૂપિયા 470 રૂપિયા બિલ તેમજ અન્ય ચાર્જ ચૂકવવાથી રાહત પણ થશે.

સિંગલ મીટર સિંગલ બિલ સીસ્ટમ દાખલ કરવાનો નિર્ણય
સુરત મહાનગરપાલિકા પાણી યોજના વિસ્તારોમાં મીટરો ધરાવતા તેમજ મીટર દ્વારા પાણી પુરવઠો મેળવતા અન્ય તમામ નળ જોડાણો સંલગ્ન ટેનામેન્ટમાં સિંગલ મીટર સિંગલ બિલ સીસ્ટમ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ રહેણાંક, કોમર્શિયલ તથા ઇન્ડસ્ટ્રીયલ મિલ્કતો માટે વપરાશના ક્ષેત્રફળ આધારિત વોટર ટેક્ષ વોટર ચાર્જ તેમજ 24 કલાક પાણી યોજના વિસ્તારોમાં તેમજ યોજના સિવાયના વિસ્તારોમાં મીટર આધારિત પાણીના વપરાશ આધારિત વોટર ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

વોટરટેક્ષ-વોટરચાર્જ અંગેની વહીવટી સરળતા કરી શકાય
24 કલાક પાણી યોજના વિસ્તારોમાં મીટર આધારિત તેમજ 24 કલાક પાણી યોજના સિવાયના વિસ્તારોમાં મીટર આધારિત કનેક્શનો માટે કનેક્શન દીઠ વોટર બિલ આધારિત વોટર ચાર્જ તેમજ ટેનામેન્ટ દીઠ પ્રોપર્ટી વેરાબિલમાં પણ વોટરટેક્ષ વોટરચાર્જ વસુલ કરવામાં આવી રહ્યા છે. જ્યારે 24 કલાક પાણી યોજના સિવાયના વિસ્તારોમાં મીટર વગરના કનેક્શનો ધરાવતા ટેનામેન્ટ દીઠ વોટરટેક્ષ-વોટરચાર્જ જ વસુલ કરવામાં આવી રહ્યો છે. આ બાબતે વોટર ટેક્ષ-વોટર ચાર્જ તથા વોટર બિલ એમ બે પ્રકારની વસુલાત કરવામાં આવે છે. જે અન્વયે 24 કલાક પાણી યોજના વિસ્તારોમાં મીટરો ધરાવતા તેમજ મીટર દ્વારા પાણી પુરવઠો મેળવતા અન્ય તમામ નળ જોડાણો સંલગ્ન ટેનામેન્ટના વેરાબિલમાંથી વોટરચાર્જ દૂર કરી વોટર ચાર્જની રકમ દ્વિમાસિક મીટર બિલીંગ સાઈકલમાં સરખે હિસ્સે વહેંચી વોટરબિલમાં વસુલ લઈ મિલકતદારોના વેરાબિલ તેમજ વોટરમીટર બિલમાં આવતા વોટરટેક્ષ-વોટરચાર્જ અંગેની વહીવટી સરળતા કરી શકાય છે.

સ્થાયી સમિતિ દ્વારા સામાન્ય સભામાં આખરી નિર્ણય લેવાશે
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે વોટર મીટરો ધરાવતા તેમજ મીટર દ્વારા પાણી પુરવઠો મેળવતા અન્ય તમામ નળ જોડાણો સંલગ્ન ટેનામેન્ટ માટે સિંગલ મીટર સિંગલ બિલ સીસ્ટમ દાખલ કરવા માટે મંજુરી મળવા તથા તેને આનુષાંગિક કામગીરી પૂર્ણ કરવા બાબતે સ્થાયી સમિતિ દ્વારા સામાન્ય સભામાં આખરી નિર્ણય લેવાશે. લોકોને રાહત થાય અને ખાસ કરીને વરાછા વિસ્તારમાં કે જ્યાં સૌથી પહેલા વોટર મીટર લગાડવામાં આવ્યા હતા તે વિસ્તારમાં અનેક ફરિયાદો ઊભી થતી હતી તેનું નિરાકરણ આવી જશે અને લોકોને પણ રાહત થશે પ્રકારનો નિર્ણય કર્યો છે.