સુરતમાં પી.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલસ દ્વારા સાયન્સ વિભાગના 25 વર્ષ પૂર્ણ થતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું હતું. “ચાલો ફરી સૌ સાથે મળીએ” કાર્યક્રમનું આયોજન પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ગ્રાઉન્ડ, સુરત ખાતે યોજાયું હતું. પી.પી.સવાણી શાળામાં સાયન્સ વિભાગ વર્ષ 1998 માં શરુ કરવામાં આવ્યો હતો. જેમાં 25 વર્ષ દરમિયાન અભ્યાસ કરી ચૂકેલા 6 હજાર જેટલા વિદ્યાર્થીઓએ એકઠા થઈને ભૂતકાળના દિવસો વાગોળ્યા હતાં. સાથે જ ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. પૂર્વ વિદ્યાર્થીઓને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા માટે સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓની મુશ્કેલી દૂર કરવા સ્કૂલ શરૂ થયેલી
વરાછા રોડથી દુર સુધી અભ્યાસ કરવા માટે જવું પડતું હતું. જેમાં મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી પડતી હતી. જેને ધ્યાનમાં લઇ અને વિજ્ઞાનપ્રવાહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓની લાભ મળે તે હેતુથી સંસ્થાના પ્રમુખ વલ્લભભાઈ સવાણી દ્વારા સાયન્સ વિભાગ શરુ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ વર્ષ 2001માં સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ મોટી સફળતા મેળવી અને ધોરણ –12 સાયન્સમાં બોર્ડની પરિક્ષામાં સમગ્ર ગુજરાતમાં મોરડિયા યોગેશે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું હતું.આ પરંપરા અવિરત ચાલુ જ રહી હતી.
ડ્રગ્સનું દૂષણ દૂર કરવા હાંકલ કરાઈ
શાળા સતત છેલ્લા 25 વર્ષમાં કુલ 10,000થી વધુ સાયન્સના વિભાગના વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય કંડારી રહ્યું છે. શાળાના 25 વર્ષ પૂર્ણ થતા વર્ષ 2022માં સિલ્વર જ્યુબીલી તરીકે ઉજવાયુ હતું. ત્યારે શાળામાંથી ઉતિર્ણ થઈને વિધાર્થીઓ સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે વિશિષ્ટ પ્રદાન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં છ હજારથી વધુ વિધાર્થીઓ હાજર રહ્યા હતા. યુવા વિદ્યાર્થીઓની આટલી મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી તેમને ડ્રગસની માયાજાળમાં કદાપિ નહિ ફસાવવાની અપીલ પણ કરાઈ હતી. આ સમારોહમાં મુખ્ય અને વિશેષમાં મહેમાન તરીકે સી.આર.પાટીલ પ્રમુખ ભા.જ.પા. ગુજરાત ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ’ને પ્રોત્સાહિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.