• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat NSUI's Signature Campaign At Akhand Anand College Against Paper Leak Scandal, Fierce Demand For Asit Vora's Resignation

રાજકારણ ગરમાયું:સુરતમાં પેપર લીક કાંડના વિરોધમાં NSUI દ્વારા અખંડ આનંદ કોલેજ ખાતે સહી ઝુંબેશ, અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માગ

સુરતએક મહિનો પહેલા
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહી ઝુંબેશમાં જોડાયા.
  • વિરોધ પક્ષો તરફથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માગ સાથે કાર્યક્રમો આપવાનો દોર યથાવત

છેલ્લા ઘણા સમયથી ભરતી પ્રક્રિયાની અંદર જે પ્રકારે પેપર લીક થઈ રહ્યા છે તેને લઈને સરકારની નિયત ઉપર પ્રશ્નો ઉભા થયા છે. આ પહેલી વખત નથી કે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોય પરંતુ ભૂતકાળમાં પણ આવી અનેક ઘટનાઓ બની છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પેપર લીક થવાની ઘટના બાદ પણ યથાવત પદ ઉપર રહેતા વિરોધ પક્ષો તેનો પૂરજોશ વિરોધ કરી રહ્યા છે. સુરતમાં અખંડ આનંદ કોલેજ ખાતે સહી ઝુંબેશ કરીને NSUIએ વિરોધ નોંધાવ્યો હતો.

અસિત વોરાના રાજીનામાની માગ કરવામાં આવી
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ દ્વારા અખંડ આનંદ કોલેજ ખાતે એકત્રિત થઈને પેપર ફૂટવાના વિરોધમાં કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોટા બેનર ઉપર સહી ઝુંબેશ ચલાવીને અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માગ કરવામાં આવી રહી છે. અસિત વોરાના અધ્યક્ષતામાં સરકારી ભરતી વખતે એક બાદ એક પેપર લીક થવાની ઘટના સામે આવ્યા બાદ પણ તેમને પદ પરથી હટાવવામાં નથી આવી રહ્યા. તેને કારણે રાજ્ય સરકારની માનસિકતા શંકાના દાયરામાં આવી રહી છે.

સહી ઝુંબેશ કરી અસિત વોરાના રાજીનામાની માગ કરાઈ.
સહી ઝુંબેશ કરી અસિત વોરાના રાજીનામાની માગ કરાઈ.

વિરોધ પક્ષ સક્રિય થઇને વિવિધ કાર્યક્રમ આપી રોષ ઠાલવી રહ્યા છે
રાજ્ય સરકાર દ્વારા લેવાતી પરીક્ષામાં ગરીબ અને મધ્યમ વર્ગના ઘણા વિદ્યાર્થીઓ ખૂબ પ્રામાણિક અને તટસ્થતાથી પરીક્ષાની તૈયારી કરતા હોય છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો અને સરકારમાં છુપાયેલા લોકો પૈસા કમાવી લેવાની લાલચમાં આ પ્રકારના કૌભાંડ આચરતા હોય છે. પરંતુ આવી ઘટનાઓને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કર પગલાં લેવામાં નથી આવી રહ્યા તેવી સરકારની છબી ઉપસી રહી છે. અસિત વોરાના અધ્યક્ષ સ્થાને વારંવાર બનતી પેપર ફૂટવાની ઘટનાઓને જાણે સરકાર ગંભીરતાથી ન લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેને કારણે વિરોધ પક્ષ સક્રિય થઇને વિવિધ કાર્યક્રમ આપી રોષ ઠાલવી રહ્યા છે.

કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ દ્વારા આજે અખંડ આનંદ કોલેજના ગેટ પાસે બેનર લગાડીને સહી ઝુંબેશ કરી.
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ દ્વારા આજે અખંડ આનંદ કોલેજના ગેટ પાસે બેનર લગાડીને સહી ઝુંબેશ કરી.

અખંડ આનંદ કોલેજના ગેટ પાસે બેનર લગાડીને સહી ઝુંબેશ કરી
આમ આદમી પાર્ટી દ્વારા થયેલા ઉગ્ર વિરોધ બાદ કોંગ્રેસ પક્ષ પણ હવે ધીરે ધીરે એ દિશામાં આગળ વધી રહ્યું છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ દ્વારા આજે અખંડ આનંદ કોલેજના ગેટ પાસે બેનર લગાડીને સહી ઝુંબેશ કરી હતી. વી વોન્ટ જસ્ટીશ સૂત્રોચાર સાથે સરકારના વિદ્યાર્થીઓએ તાત્કાલિક અસરથી આસિત વોરાના રાજીનામાની માગ કરી હતી.