સુરત સિવિલ હોસ્પિટલના ગેટ પર બે દારૂડિયા કુસ્તીના દાવપેચ કરતાં કેમેરામાં કેદ થઈ ગયા બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. સવારે કુસ્તી અને સાંજે હોસ્પિટલના દર્દી-સગાંના મોબાઈલ તફડાવતા આખરે રંગેહાથે ઝડપાયા જતાં બન્નેને પોલીસને હવાલે કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું છે. મોબાઈલ ચોરીના આરોપમાં પકડાયેલા બે પૈકી એક ચા-નાસ્તાની લારી પણ મજૂરી કામ કરી દર્દીઓના સગાંની કીમતી વસ્તુઓની રેકી કરી ચોરીના દાવપેચ કરતો હોવાની વાત સામે આવી રહી છે.
સિવિલમાં ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે
શક્તિ સિક્યોરિટીના એક સુપરવાઇઝરે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ ચોરીના અને કીમતી વસ્તુ ચોરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે, જેની પાછળ અંદરની જ વ્યક્તિઓનો હાથ હોય છે. પરિચિત વ્યક્તિ જ આંખના પલકારે મોબાઈલ કે રૂપિયા ભરેલું પર્સ-થેલી તફડાવી શકતી હોય છે. વારંવાર આવી ફરિયાદ મળતી જ રહે છે પણ આવા ચોર પકડાતા નથી, જેની પાછળનું કારણ આપણાથી વાકેફ હોય છે અને આખી મંડળી કામ કરતી હોય છે.
ચોરને પકડી લોકોએ મેથીપાક આપ્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શુક્રવારે પણ આવી જ એક ફરિયાદ આવી ને દોડીને ગયા તો લોકોએ એકને પકડીને મેથીપાક આપતા હતા. તપાસ કરતાં ખબર પડી કે આ તો મોબાઈલ-ચોરને લોકોએ રંગે હાથે પકડી પાડ્યો છે અને એ પણ સિવિલ કેમ્પસમાં જ આવેલી ચા-નાસ્તાની લારી પર પડ્યો પાથર્યો રહે છે. બસ, પછી તેને પકડીને નીચે લઈ આવ્યા, ચેક કરતાં ચોરાઈ ગયેલો મોબાઈલ પણ મળી આવ્યો હતો. મોબાઇલ-ચોર આ વ્યક્તિ આખો દિવસ નશામાં ચૂર રહે છે અને જાહેરમાં ગાળાગાળી સાથે કોઈની પણ સાથે હાથાપાઈ કરતા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા.
કુસ્તીના દાવપેચનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા બન્ને મોબાઈલ-ચોરોએ સવારે જ સિવિલના ગેટ પર જાહેરમાં કુસ્તીના દાવપેચ કરી લોકોની ભીડ ભેગી કરી દીધી હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. લોકો ટોક્યો ઓલિમ્પિક્સની કુસ્તીમાં કોણ જીત્યું સહિતના મેસેજ લખી મજા લઈ રહ્યા છે. જોકે હાલ આ બન્ને પોલીસ સ્ટેશનમાં હવા ખાય રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.