ઘોડદોડના ઝવેરીને ગઠિયાએ ફોન કરી ઓર્ડર આપી રૂપિયા 2 લાખ NEFT કર્યાનો સ્ક્રીન શોર્ટ મોકલી દાગીના લઈ ફરાર થઈ જતા ઉમરા પોલીસે ગુનો નોંધ્યો છે.વરાછા એલ.એચ રોડ પર અવંતી સોસાયટીમાં રહેતા અને ઘોડદોડ રોડ પર ડ્રીમ બિઝનેસ હાઉસમાં આર.ડી.ગોલ્ડ જવેલર્સના નામે સોનાનો વેપાર કરતા ધવલભાઈ સુરેશભાઈ નાંઢા પર 4 ડીસેમ્બરે ફોન આવ્યો હતો. જેમાં પોતાનું નામ સંજય નાકરાણી બતાવ્યું હતું. પછી ઝવેરીને સોનાનું બ્રેસલેટ અને 18 કેરેટનું કડું લેવાની ગઠીયાએ વાત કરી ફોટો વોટ્સએપ મંગાવ્યા હતા.
જેમાંથી ગઠીયાએ 2 ફોટો પસંદ કરી 96 હજારનું બ્રેસલેટ અને 1.09 હજારનું સોનાનું કડુ લેવાનું નક્કી કરી ઝવેરીના બેંકખાતાની ડિટેઇલ્સ માંગી હતી. ઝવેરીએ તેને કહ્યું કે પૈસા આવી જશે પછી દાગીનાની ડિલિવરી આપીશ. ત્યારે ગઠીયાએ કહ્યું કે મારે બહારગામ જવાનું છે અને અત્યારે મિટિંગમાં છું, હું તમને NEFTથી પેમેન્ટ કરી દઉ છું. તમે દાગીના મારા માણસને મોકલી આપો, મારો માણસ હાલમાં ગોરસ હોટેલ અઠવા પાસે આવે છે એમ કહ્યું હતું. પછી NEFTથી પેમેન્ટ કરેલું હોય એવો સ્ક્રીનશોર્ટ ઝવેરીના વોટસએપ પર મોકલી આપ્યો હતો. વિશ્વાસ આપતા દાગીના આપી દીધી હતા.
સંજય નાકરાણી સામે છેતરપિંડીનો ગુનો
અઠવામાં ગઠીયાએ સંજય નાકરાણીનો માણસ હોવાનું કહી 2 લાખના દાગીનાની ડિલિવરી લીધી હતી. પછી દુકાને આવી તપાસ કરતા ઝવેરીના ખાતામાં રૂપિયા જમા ન થતા તેમણે ગઠીયાને ફોન કરતા ગોળ ગોળ વાતો કરતો હતો. છેલ્લે ઝવેરીને ગઠીયાએ રૂપિયા લેવા મહિધરપુરા શ્રીજી કોમ્પલેક્સમાં ભરતકાકાને મળવાનું કહ્યું હતું. આથી ઝવેરી તેના કર્મચારી સાથે મહિધરપુરામાં જતા આવું કોઈ કોમ્પ્લેક્સ કે માણસ ન હતો. ગઠીયાએ ફોન બંધ કરી દીધો હતો. જેથી પોલીસે સંજય નાકરાણી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.