દેશની ધનિક પાલિકા પૈકીની એક અને વર્ષે 7,286 કરોડનું બજેટ બનાવતી સુરત પાલિકા સૌથી વધુ ખર્ચ મહેકમ અને વીજળી પર કરી રહી હોવા છતાં પાલિકાની હોસ્પિટલોમાં વીજ ઉપકરણોમાં ધાંધીયા છે. અધિકારી-પદાધિકારીઓની ચેમ્બર ફુલ્લી સેન્ટ્રલી AC છે.
સ્મીમેરના પીડીયાટ્રિક ICUમાં વૅન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે જંગ લડી રહેલાં નવજાત બાળકો માટે 11 જૂનથી બગડેલા ACને રિપેર કરાવાતા નથી. પરિણામે 10 બેડની સુવિધા સાથેના PICU જેવા સંવેદનશીલ વોર્ડના તમામ બારી-દરવાજા ખુલ્લા રાખી બાળકોને પંખાનીચે સારવાર અપાઈ રહી છે. આ બેદરકારીના લીધે વૅન્ટિલેટર પર નવજાત બાળકોને ઇન્ફેક્શન લાગવાથી મોતનો પણ ભય છે તેવી ચિંતા એક્સપર્ટે વ્યક્ત કરી છે.
48 કલાકમાં ફરિયાદના નિકાલનો દાવો કાગળ પર
સ્મીમેરમાં જાહેર આરોગ્ય બાબતને ધ્યાનમાં રાખી પાલિકાએ સ્ટાફ દ્વારા રજૂ કરાતી ફરિયાદ માટે એક રજીસ્ટર મેઇન્ટેઇન કરવાનું શરૂ કર્યું હતું. જેના મથાળા ઉપર જ 24થી 48 કલાકમાં જ ફરિયાદનો નિકાલ કરવાનો લેખિત દાવો કર્યો છે. જોકે આ દાવો કાગળ પર જ છે. કમ્પલેઇન રજિસ્ટરમાં 11 જૂને સવારે 10.15 વાગ્યે એસી બગડી ગયાની ફરિયાદ લખાઈ હતી. જોકે 50 દિવસે પણ તે કાગળ પર જ છે. ફરી 20 જૂને સવારે 10.30 વાગ્યે પણ ફરિયાદ કરાઇ હતી તેમ છતાં એસી હજુ પણ બંધ છે.
એક્સપર્ટ: વેન્ટિ પેશન્ટ માટે AC આવશ્યક, નહીં તો ઇન્ફેકશન શક્ય
નવજાત બાળકોના ICU વોર્ડમાં ઇન્ફેક્શનનો વધુ ભય હોય છે. અન્ય વોર્ડના સ્ટાફને પણ પ્રવેશ પર નિષેધ હોય છે. સજ્જડ આઇસોલેશન અનિવાર્ય છે. જોકે દરવાજા ખુલ્લા છોડી દેવાયા હોય ત્યારે કોઇપણ અવર-જવર કરે તો વેન્ટિ પેશન્ટને ઇન્ફેક્શનના ચાન્સ વધી જાય છે. ICUમાં એસી હોવું દર્દીના બોડી ટેમ્પરેચરને કુલ રાખવા માટે અતિ આવશ્યક છે. > પીડિયાટ્રિશિયન તબીબ
AC બંધ હોવાનો મુદ્દો લાઇફ સેવિંગ નથી
PICUમાં AC બંધ છે. ઇલેક્ટ્રિક વિભાગને સુચના આપી છે. ક્વોટેશન મેળવી આગળની કામગીરી કરાશે. બહુ ગરમી હોય ત્યારે એસી જરૂરી છે, હાલમાં વેધર ઇસ્યુ નથી. આ લાઇફ સેવિંગ મુદ્દો નથી. જલદી સમસ્યા ઉકેલાશે. > ડો. વંદના દેસાઇ, ઇ. સુપ્રિટેન્ડન્ટ, સ્મીમેર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.